Gujarat

ગુજરાતમાં 5 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ભારે વરસાદની આગાહી; NDRF રેસ્ક્યૂમાં તૈનાત, અમદાવાદ સહિત 17 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં ફરી એકવાર એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી કલાકોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે અમદાવાદ સહિત 17 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. બાવળા તાલુકાના ધિંગડા ગામમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા NDRFની ટીમ દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં માત્ર દોઢ ઇંચ વરસાદે જ અનેક વિસ્તારોને જળબંબાકાર બનાવી દીધા છે. એસ.જી. હાઇવે, થલતેજ, ચાંદલોડિયા, ચાણક્યપુરી અને બોપલ જેવા વિસ્તારોમાં ઘૂંટણથી લઈને કમર સુધી પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. અનેક ટુ-વ્હીલર રસ્તા પર જ બંધ પડી ગયા હતા, જેના કારણે ટ્રાફિક પણ ખોરવાઈ ગયો હતો.

શહેરમાં વરસાદ દરમિયાન અન્ય કેટલીક દુર્ઘટનાઓ પણ સામે આવી હતી. પકવાન વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થયું હતું, જ્યારે આસ્ટોડિયાની ઢાળની પોળમાં એક જર્જરીત મકાનનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટનાની જાણ થતાં જ એસ્ટેટ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને જોખમી ભાગ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી, જેથી વધુ નુકસાન ટાળી શકાય. રાજ્યમાં અત્યાર સુધી ચોમાસાની સિઝનમાં સરેરાશ 19.42 ઇંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ વરસાદના 54.28 ટકા જેટલો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 137 તાલુકામાં સરેરાશ 5.50 મિમી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 4 ઇંચ નોંધાયો હતો. ત્યારબાદ બનાસકાંઠાના અમીરગઢમાં 3.15 ઇંચ, ડીસામાં 2.83 ઇંચ, વાવ-થરાદના રાહ વિસ્તારમાં 2.40 ઇંચ અને મહેસાણામાં 1.77 ઇંચ વરસાદ વરસ્યો હતો. સોમવારે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 128 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન બનાસકાંઠાના અમીરગઢમાં પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં દોઢ ઇંચ વરસાદથી જ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ધંધુકા વિસ્તારમાં લગભગ એક ઇંચ અને ધોલેરા વિસ્તારમાં દોઢ ઇંચ વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સવારના સમયે સ્કૂલ, કોલેજ અને ઓફિસ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, છોટાઉદેપુર, નર્મદા, વલસાડ, ભરૂચ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે લોકોને બિનજરૂરી મુસાફરી ટાળવા, નદી-નાળા અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા તેમજ સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે. આજે રાજ્યના વાવ-થરાદ, પાટણ, વડોદરા સહિત કુલ 18 જિલ્લાઓ અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર, NDRF અને સ્થાનિક બચાવ દળોને સતર્ક રાખવામાં આવ્યા છે જેથી કોઈપણ ઈમરજન્સી પરિસ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રાજ્યમાં સક્રિય પાંચ વરસાદી સિસ્ટમોના કારણે આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ જોવા મળી શકે છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ સાવચેતી રાખવાની અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે.

Most Popular

To Top