નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વસેલું પાટ ગામ ભલે ભૌગોલિક રીતે નાનકડું હોય, પરંતુ તેની સામાજિક ઓળખ અને પરંપરાઓ તેને એક અલગ વિશિષ્ટતા આપે છે. જિલ્લા મથક રાજપીપળાથી 78 કિલોમીટર અને તાલુકા મથક સાગબારાથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલું આ ગામ આદિવાસી, મુસ્લિમ અને જૈન સમાજના લોકોના સહજીવનનું પ્રતીક છે. આ ગામની સૌથી મોટી વિશેષતા એ છે કે, અહીં છેલ્લા આઠ-નવ દાયકાથી દેશી દારૂ બનાવતા નથી. પાટ ગામે આ બાબતે એક ઉદાહરણરૂપ ભૂમિકા ભજવી છે. ગામના એક 65 વર્ષીય અગ્રણીએ કહ્યું હતું કે, તેમના જીવનકાળમાં તેમણે ગામમાં ક્યારેય કોઈને દેશી દારૂ ગાળતા જોયા નથી. એટલું જ નહીં એક ઉચ્ચ અધિકારીએ આ અંગે પૂછપરછ કરતાં કહેવામાં આવ્યું કે, મારા પાટ ગામમાં દીવો લઈને દારૂ ગાળનારાને શોધવા જાવ તો નહીં મળે. આ ગામે શૌચમુક્ત ગામ (ઓપન ડિફેકેશન ફ્રી)નો દરજ્જો મેળવી નર્મદા જિલ્લામાં એક અલગ ઓળખ ઊભી કરી છે. સ્વચ્છતાના આ માપદંડે ગામની સંસ્કારિતાને વધુ નિખારી છે. ઉલ્લેખનીય છે કે આ ગામની સરપંચ પદની જવાબદારી મહિલાઓના હાથમાં છે, જે ગ્રામીણ વિકાસમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડે છે. પાટ ગામના આદિવાસીઓ મૂળ ઉમરપાડા તાલુકાના જુમાવાડી ગામના રહેવાસી હતા. આ સ્થળ આદિવાસી બહુલ વિસ્તાર છે અને કૃષિ તેમજ પશુપાલન પર નિર્ભર હતું. સદીઓ પહેલાં જુમાવાડી ગામમાં ભારે દુષ્કાળ પડ્યો. વરસાદ ઓછો પડે અને પાણીના સ્ત્રોત સુકાઈ જાય, ત્યારે સમુદાયને સ્થળાંતર કરવાની ફરજ પડતી હતી. તેઓ પાણીની શોધમાં સાતપુડાના ગાઢ જંગલ વિસ્તારમાં ભટકતા હતા. ભટકતાં ભટકતાં તેઓ ડોમન નદીના કાંઠે પહોંચ્યા, જ્યાં પુષ્કળ પાણી જોઈ તેમણે વસવાટ કરવાનો નિર્ણય લીધો હતો. લોકવાયકા પ્રમાણે ડોમન નદીમાં વિશાળ પથ્થરો આવેલા છે, જેમાં ઘણી જગ્યાએ ઘણા પથ્થરોમાં (સપાટ) એક પાટ જોવા મળ્યો એટલે સ્થાનિકોએ ગામનું નામ “પાટ” પાડી દીધું હતું….
“સદીના સાક્ષીથી સહકારના સૂર્ય સુધી: જેઠાભાઈ વસાવાની 106 વર્ષની અવિશ્રાંત કર્મયાત્રા”
વ્યક્તિનું સાચું મૂલ્ય તેના સંઘર્ષ, સેવા અને સતત કર્મશીલતાથી મપાય છે. આ કસોટી પર ખરા ઊતરનારા વ્યક્તિત્વોમાં પાટ ગામના જેઠાભાઈ ચાંદરિયાભાઈ વસાવા (ઉંમર 106 વર્ષ) અનન્ય સ્થાન ધરાવે છે. નર્મદા અને ભરૂચ જિલ્લાના શિક્ષણ-સહકાર વર્તુળોમાં ‘જેઠાકાકા’ તરીકે હુલામણા નામે ઓળખાતા એવા આ સદીવીરે 1921થી 2026 સુધીની એક સદી કરતાં વધુ લાંબી યાત્રામાં ન તો ક્યારેય સેવામાંથી નિવૃત્તિ લીધી, ન તો ક્યારેય પોતાના પગ લથડવા દીધા.આવું અનોખું વ્યક્તિત્વ પાટ ગામની ભૂમિ પર છે. જેઠાભાઈનો જન્મ 1921માં પાટ ગામે થયો – એ સમયે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું, અને ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં સુવિધાઓનું અત્યંત દુર્લભત્વ હતું. તેમના પિતા ચાંદરિયાભાઈ દશરીયાભાઈ વસાવા અને માતા સોનુબેન વસાવાનાં સામાન્ય પરિવાર હતો. એ સમયે આદિવાસી પરિવારોમાં શિક્ષણનો દર 2-3 ટકા કરતાં વધારે નહોતો. જેઠાભાઈએ પાટની ખાનગી શાળામાં માત્ર એક વર્ષ અભ્યાસ કર્યો. આર્થિક અસમર્થતાને કારણે તેમણે આગળ ભણવાનું છોડી દીધું, પરંતુ તેમણે કુદરત, મહેનત અને સંઘર્ષને પોતાના ગુરુ બનાવ્યા. એ જમાનામાં પાટ ગામમાં ન તો પાણીની સોસાયટી હતી, ન વીજળી, ન ડૉક્ટર. લોકો ઘરની દાળ-ભાત અને શાકભાજી પર જીવતા હતા. આ મૂળભૂત સંજોગોમાં જેઠાભાઈનું બાળપણ વિત્યું.જન્મથી જ ગરીબી, શિક્ષણનો અભાવ અને મૂળભૂત સુવિધાઓનો વિરલત્વ – આ ત્રણેય પરિબળો તેમના જીવનને સમાજસેવા તરફ વાળવા માટે જવાબદાર બન્યાં. 20 વર્ષની ઉંમરે જેઠાભાઈના લગ્ન અંબાબેન વસાવા સાથે થયા. ગ્રામ્ય સમાજમાં સ્ત્રીઓ ભલે શિક્ષણથી વંચિત હતી, પણ અંબાબેન પતિવ્રતા, કાર્યક્ષમ અને સંયમી હતાં. તેમણે પરિવારની આર્થિક, ઘરેલું અને સામાજિક જવાબદારીઓ એવી નિષ્ઠાથી નિભાવી કે જેઠાભાઈ સમાજસેવા પર ધ્યાન આપી શક્યા. આ દંપતીને ચાર પુત્રો – સ્વ. અમરસિંહ વસાવા, ગંગારામભાઈ વસાવા, સુભાષભાઈ વસાવા અને મોતીરામભાઈ વસાવા – અને એક પુત્રી છે. આજે તેમના પુત્રો ખેતીનો પારિવારિક વ્યવસાય સાથે સંકળાયેલા છે. પાટ ગામની સરપંચ તરીકે જેઠાભાઈએ સતત 20 વર્ષ સુધી સતત સેવા આપી.તેમના વખતમાં પાટ ગામમાં દારુ કોઈ બનાવતા ન હતા.આ સમયગાળો ગુજરાતના ગ્રામીણ વિકાસ માટે મહત્વપૂર્ણ હતો, કારણ કે સ્વતંત્રતા બાદ પંચાયતી રાજની શરૂઆત થઈ હતી. તેમણે પોતાના ગામ માટે જે નીતિઓ અમલમાં મૂકી તે આજે પણ સુસંગત છે.ગામમાં પશુપાલન અને ખેતીને જોડીને દરેક ઘરની આવક વધારવાની પહેલ કરી,સરપંચ પદે રહીને તેમણે ક્યારેય ‘અહમ્’ ન બતાવ્યો, પણ ગામલોકો માટે ‘પિતાતુલ્ય’ વ્યક્તિત્વ બની રહ્યા. આ તેમની નમ્રતા, ન્યાયપ્રિયતા અને સાંભળવાની કળાનો પરિણામ હતો. આજે પણ પાટ ગામના ગ્રામજનો જેઠાકાકા માટે માન-સન્માન રાખતા હોય છે. જ્યારે જેઠાકાકાનો સંપર્ક નરવાડી ગામના સ્વ.મદનભાઈ નીમજીભાઈ પટેલ સાથે થયો, ત્યારે બંનેને એક વાતનું દુઃખ હતું – સાગબારા તાલુકામાં એક પણ માધ્યમિક શાળા નહોતી. ગરીબી અને અજ્ઞાનતાનું વાતાવરણ હતું.1965માં બંને સ્થાપકોએ સાગબારા કેળવણી મંડળની નોંધણી કરાવી અને જે.કે. હાઈસ્કૂલનો પાયો નાખ્યો.શરૂઆતમાં વાંસની કામળી (ઝૂંપડી) હેઠળ વિદ્યાર્થીઓ બેસતા. રાજવી રામસિંહ ઠાકોરએ જમીન દાનમાં આપી, પણ મકાન માટે સાધનો નહોતા. જેઠાકાકાએ દેવરૂપણ ગામથી જૂના કાચા મકાનના લાકડા પોતે બળદગાડામાં લાવીને પ્રથમ કાચું મકાન ઊભું કર્યું.શ્રીમતી નાનાબા નાલવાળાના જમીનદાનથી કન્યાઓ માટે છાત્રાલય શરૂ થયું. 34 વર્ષો સમયગાળા દરમિયાન તેમણે મંડળના મંત્રીપદે તમામ એકમોને નવી ઈમારતો, કમ્પાઉન્ડ વૉલ, પાણીની ટાંકીઓ અને સ્ટાફ સુવિધાઓ ઉભી કરી. ત્યારબાદ 2016માં તેમણે મંત્રીપદ પુત્ર સુભાષભાઈ વસવાને સોંપ્યું, અને ભવરીસાવર આશ્રમશાળાને સાગબારા ખાતે બે માળનું RCC બિલ્ડિંગ બનાવ્યું જેઠાકાકાનું સહકાર ક્ષેત્રે પાટ ગામની ખેડૂત મંડળી,દૂધ મંડળીની સ્થાપનામાં તેઓ મુખ્ય ફાળો રહ્યો છે.અને આજે પણ પ્રમુખપદે સેવા આપી રહ્યા છે.સાગબારા તાલુકા ખરીદ-વેચાણ સંઘ-સેલંબામાં તેઓ 63 વર્ષ સુધી પ્રમુખ રહ્યા.ખેતીવાડી બજાર સમિતિ,જમીન વિકાસ બેંક,ભરૂચ જીલ્લા સહકારી સંઘ,ભરૂચ ડીસ્ટ્રીક્ટ સેન્ટ્રલ કો-ઓ બેંક,નેત્રંગ જીન જેવી અનેક સંસ્થામાં તેઓ ડીરેક્ટર અને ક્યાંક પ્રમુખપદે રહ્યા છે. આજે ફાસ્ટફૂડ, ડિજિટલ સ્ક્રીન, બેઠાડુ જીવન અને સ્ટ્રેસનો દૌર ચાલે છે, પણ 106 વર્ષના જેઠાકાકા આ દુષ્પ્રવાહોથી એકદમ દૂર છે.આજે પણ તેમી દિનચર્ચા જાણવા જેવી છે. વહેલા સવારે 6 વાગ્યાના ટકોરે જાગીને માતા-પિતાના સ્મરણ કરીને મંદિરે જાય છે, સાદું સાત્વિક ભોજન લે છે,પોતાના ઘરનું દાળ-ભાત-રોટલી આધારિત ભોજન લે છે.અને આખો દિવસ શાળા, આશ્રમશાળા, ખેતર, છાત્રાલયની પગપાળા મુલાકાત લે છે. જેઠાકાકાની ઘટનાથી “જીવનની સૌથી મોટી ડિગ્રી એ ‘સેવા’ છે, સૌથી મોટી બેંક એ ‘વિશ્વાસ’ છે, સૌથી મોટી શાળા એ ‘સંઘર્ષ’ છે, અને સૌથી મોટી દવા એ ‘સાદગી’ છે.”સાદગી” એ સૌથી ઊંચી સંપત્તિ છે.
પાટ ગામની ગંગાજમુની તહઝીબ: જ્યાં વર્ષોથી હિંદુ-મુસ્લિમ વચ્ચે ભાઈચારો છે
ગુજરાતના છેલ્લા સરહદી વિસ્તાર સાગબારા તાલુકાના પાટ ગામમાં વસતા હિંદુ અને મુસ્લિમ સમાજે સાબિત કર્યું છે કે સાચી ભાઈચારો કોઈ ધર્મ કે જાતિથી નહીં, પણ માનવીય મૂલ્યોથી બંધાય છે. પાટ ગામમાં મુસ્લિમોની વસતીનો પાયો રજવાડાકાળ દરમિયાન મેવાસી સ્ટેટના રાજવી કરણસિંહ ઠાકોરના શાસનકાળમાં નંખાયો હતો. ઐતિહાસિક દૃષ્ટિએ આ સ્થળાંતર સંભવતઃ વેપાર, ખેતી કે રક્ષણાત્મક સંબંધોનું પરિણામ હોઈ શકે. ખાસ નોંધનીય છે કે આજે પણ ૩૦% મુસ્લિમ વસતીએ પોતાની ઓળખ જાળવી રાખી છે, જે દર્શાવે છે કે ઇતિહાસે અહીં વિભાજન નહીં, પણ સંકલિત સમાજનો પાયો નાંખ્યો હતો. પાટ ગ્રામ પંચાયતમાં મકરાણી પરિવાર વર્ષ-2011થી 2026 સુધી બિનહરીફ સભ્ય તરીકે ચુંટાઈ આવે છે. આ લોકશાહીની અસાધારણ ઘટના છે. તેમના વડીલ આમીન મકરાણી લગભગ ૩૦ વર્ષ પંચાયત સભ્ય રહ્યા. આ વારસાગત રાજકીય સ્વીકૃતિ સૂચવે છે કે ગામજનોએ ધર્મને નહીં, પણ સેવા અને સહયોગને મતદાનનો આધાર બનાવ્યો. તેમના દાદા આ ગામના પ્રથમ મુસ્લિમ પરિવાર તરીકે આવ્યા હતા અને આજે ત્રણ પેઢીઓ સુધી સક્રિય યોગદાન આપીને તેમણે ‘પોતાપણા’નો અધિકાર મેળવ્યો છે. આશરે 55 મુસ્લિમ કુટુંબ મુખ્યત્વે ખેતી અને શ્રમજીવી વ્યવસાયો સાથે જોડાયેલા છે. આ આર્થિક સમાનતા સામાજિક સંતુલન જાળવવામાં સહાયક બની છે. 70 વર્ષ જૂની મસ્જિદ ધાર્મિક ઓળખનું કેન્દ્ર છે, પરંતુ તે ક્યારેય વિભાજનનું કારણ ન બની. ઊલટું તે સ્થાનિકતાનો ભાગ બની ગઈ છે. હોળી અને દિવાળી બંને સમાજો દ્વારા સંયુક્ત રીતે ઉજવાય છે. કોઈ ભેદભાવ નહીં. મુસ્લિમ પરિવારોના નિકાહ પ્રસંગે ફરજિયાત હિંદુ શુદ્ધ સાત્વિક રસોઈ બને છે. આજે પણ ગામમાં નોનવેજ વેચાતું નથી. આજ સુધી ક્યારેય તકરાર ન થતાં કોઈ ઘટના પોલીસ સ્ટેશન સુધી પહોંચી નથી. સમાજશાસ્ત્રીય દૃષ્ટિએ આ ‘સંઘર્ષમુક્ત ઝોન’નું ઉત્તમ ઉદાહરણ છે, જ્યાં સામાજિક નિયંત્રણ પોલીસ કરતાં સ્થાનિક સહિષ્ણુતા દ્વારા વધુ અસરકારક છે. પાટ ગામ એક જીવંત આશા છે કે ભારતની ગંગાજમુની તહઝીબ હજુ જીવિત છે અને તે શાંતિ અને સમૃદ્ધિનું શિખર છે.
સાગબારાના મેવાસી સ્ટેટની ગાથા: જ્યાં રાજવીનું સપનું અને જૈન પરિવારની કર્મભૂમિ એક થયાં
સાગબારાના મેવાસી સ્ટેટ અને ત્યાંના રાજવી કરણસિંહ ઠાકોરે પોતાના વિસ્તારમાં ‘સમાંતર વ્યવસ્થા’ ઊભી કરવાની તમન્ના રાખી હતી. આ સપનાને સાકાર કરવા માટે તેમણે લગભગ એક સદી પહેલાં બકતારમલ ફોજમલ જૈનને પોતાના સ્ટેટના આંગણે આમંત્ર્યા હતા. સદી પહેલાંનો સમય–રજવાડાં પોતાની સ્વતંત્ર પ્રશાસન પદ્ધતિ ધરાવતા હતા. રાજવી કરણસિંહ ઠાકોર માત્ર શાસક ન હતા, પણ દૂરદર્શી વ્યક્તિ હતા. તેઓ ઇચ્છતા હતા કે તેમનો વિસ્તાર આર્થિક અને સામાજિક રીતે પણ નિર્ભર બને. આ માટે તેમને એક દક્ષ વ્યાપારીની જરૂર હતી, જે સ્થાનિક લોકો સાથે મળીને વ્યવસાયિક ઇકો સિસ્ટમ ઊભી કરી શકે. ત્યારે તેમની નજર મહારાષ્ટ્રના બકતારમલ ફોજમલ જૈન પર પડી, જે પોતાની પ્રામાણિકતા અને વ્યાપાર-કુશળતા માટે જાણીતા હતા. રાજવીએ તેમને સ્ટેટના આંગણે દુકાન ચલાવવા આમંત્રણ આપ્યું, અને આ નિમંત્રણે જ જાણે બે વિશ્વને જોડી દીધાં.બકતારમલ જૈને રાજવીના સ્ટેટમાં પોતાના માટે પાટ ગામ પસંદ કર્યું. તેઓ માત્ર વેપાર માટે નહીં, પણ અહીંના લોકોના જીવનમાં દૂધમાં સાંકળની જેમ ભળી જવા માગતા હતા.આ સપનું ધીમે ધીમે સાકાર થવા લાગ્યું, કારણ કે બકતારમલ અને તેમના વંશજોએ ગામને પોતાની કર્મભૂમિ માની લીધું. આજે તે જ પરિવારના 83 વર્ષીય જવરીમલ શેઠ (જૈન) પાટ ગામમાં નિવાસ કરે છે. તેઓ પોતાના દાદા-પિતાજીના માર્ગે ચાલતાં, ગામના દરેક શુભ-અશુભ પ્રસંગે ઉપસ્થિત રહે છે.આજની પેઢી તેમને ‘ગામના વડીલ’ તરીકે સન્માન આપે છે.
કર્મ અને સેવાની સાતપુડા તળેટી: શિક્ષક કલ્પેશભાઈ તડવીની અલગ માટીની યાત્રા
કોઈ પણ મનુષ્યની ઓળખ તેના જન્મ સ્થાનથી નહીં, પરંતુ તેના કર્મ અને સમાજ માટેના યોગદાનથી થાય છે. આ વાતને સાર્થક કરી બતાવી છે, સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને શિક્ષક કલ્પેશભાઈ મહેન્દ્રભાઈ તડવીએ. મૂળ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના દત્તનગરના વતની હોવા છતાં, તેમણે પોતાનું સમગ્ર જીવન કર્મભૂમિ સાતપુડાની તળેટીમાં વસેલા પાટ ગામમાં ભોગવ્યું છે. 51 વર્ષીય આ અલગ માટીના માનવીએ શિક્ષણ અને સામાજિક કાર્યોના માધ્યમથી આદિવાસી વિસ્તારમાં નોંધપાત્ર પરિવર્તન લાવ્યું છે. કલ્પેશભાઈનો જન્મ નેત્રંગ તાલુકાના દત્તનગર ગામે એક સામાન્ય આદિવાસી પરિવારમાં થયો. બાળપણમાં તેમનાં દાદીમા સ્વ. મંગીબેન ભાઈલાલ વસાવા તેમને વાલિયા લઈ ગયાં, જ્યાં તેમણે પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. બાળપણથી જ તેમનામાં નવી પ્રવૃત્તિઓ પ્રત્યે જિજ્ઞાસા હતી. અભ્યાસમાં તેઓ અત્યંત હોંશિયાર હતા. ધોરણ 5 થી 10 સુધીનું માધ્યમિક શિક્ષણ વાલિયાની શ્રી રંગ નવચેતન વિદ્યામંદિરમાં લીધા બાદ, તેઓ SSC બોર્ડની પરીક્ષામાં 72.71 ટકા ગુણ મેળવ્યા હતા.તેમને આદર્શ શિક્ષક બનવાની તમન્ના હતી. આ માટે તેમણે સર જે.જે. સોરાબજી પીટીસી કોલેજ, સુરતમાં પ્રવેશ લીધો. અહીં પણ તેમણે શ્રેષ્ઠ શિક્ષક કેવી રીતે બની શકાય, તેનો મનોમન સંકલ્પ કર્યો અને ડિસ્ટિંકશન સાથે અભ્યાસ પૂર્ણ કર્યો. વર્ષ 1992 થી 1997 દરમિયાન, આઝાદી બાદ સ્થપાયેલ ભરૂચ જિલ્લા આદિવાસી સેવા સંઘના સ્થાપક સ્વ. રત્નસિંહ મહીડા દ્વારા સ્થાપિત શ્રી રંગ આશ્રમશાળા, પાટ ખાતે શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. અહીં તેઓ બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રયત્નશીલ રહ્યા. સાથે સાથે, તેઓએ ધોરણ 12 અને પછી અંકલેશ્વરની કડકિયા કૉલેજમાંથી આર્ટ્સમાં સ્નાતકની પદવી પણ મેળવી. વર્ષ 1997માં, કલ્પેશભાઈને નર્મદા જિલ્લા પંચાયત હસ્તક, સાગબારા તાલુકાના છેલ્લા ગામ ખોપીની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે નિમણૂક મળી. અહીં એક ગમગીન વાત એ હતી કે, તેઓ પાટ ગામે રહેતા હતા અને ખોપી સુધીનો લાંબો પ્રવાસ કરીને 8 વર્ષ સુધી સેવા આપી. 2005માં તેમની બદલી પાટની નજીક આવેલી નાનકડી કેલ પ્રાથમિક શાળામાં થઈ. અહીં તેમણે શાળાને ‘ગ્રીનરી’ અને ‘કલરફૂલ’ બનાવી, જે જોવા લાયક છે. તેમના વ્યક્તિત્વની સૌથી મોટી ખાસિયત તેમની સંગઠન કુશળતા છે. તેઓ સાગબારા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ સાથે બે દાયકાથી વધુ સમયથી સક્રિય રીતે જોડાયેલા છે. તેમની કાર્યકુશળતાના કારણે, શિક્ષક સમૂહે તેમના પર વિશ્વાસ વ્યક્ત કર્યો. તેઓ 11 વર્ષ ઉપપ્રમુખ, 6 વર્ષ મંત્રી અને છેલ્લાં 5 વર્ષથી પ્રમુખપદે બિરાજમાન છે. આ પદ પર રહીને તેમણે શિક્ષકોના હિતો માટે સાતત્યપૂર્ણ પ્રયાસો કર્યા છે.શિક્ષણની સાથોસાથ, કલ્પેશભાઈ પાટ ગામ અને સાગબારા તાલુકાના સામાજિક વિકાસ માટે હંમેશાં તત્પર રહે છે. તેમણે અનેક સેવાકીય પ્રોજેક્ટ્સ માટે ‘કડી’નું કામ કર્યું છે.જેમાં સુરતના ગોવિંદભાઈ ધોળકિયાના રામકૃષ્ણ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા પાટ ગામે મેડિકલ કેમ્પનું આયોજન,સદ્દવિચાર સેવા ટ્રસ્ટ (પલસાણા) અને સ્વ. ગિરીશભાઈ એમ. નાઈક દ્વારા સાગબારા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ અને આશ્રમશાળામાં નોટબુક, તેમજ 100 ગાદલાનું વિતરણ અને નાંદોદનાં ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખના ટ્રસ્ટ દ્વારા છેલ્લાં ચાર વર્ષથી બાળકોને શૈક્ષણિક કીટ, ધાબળા સહિતની આવશ્યક વસ્તુઓનું વિતરણ ભાવનાત્મક જોડાણ કર્યું. લગભગ 34 વર્ષથી પાટમાં વસતી કલ્પેશભાઈ આ ગામને પોતાનું ગણાવે છે. તેમના શબ્દોમાં, “પાટ ગામ જુદા જ મિજાજનું ગામ છે. અહીંની નવી પેઢી સારું ભણીને નવા ક્ષેત્રોમાં ઝંપલાવી ઓળખ ઉભી કરી રહી છે. મારા મતે આ ગામ રહેવા માટે શ્રેષ્ઠ છે.” તેમનો આ દૃષ્ટિકોણ દર્શાવે છે કે તેઓ માત્ર રહેવાસી નથી, પરંતુ આ ગામના વિકાસ માટે ભાવનાત્મક રીતે જોડાયેલા છે.
પાટની આદર્શ પ્રાથમિક શાળા: ગામડાંનું ડિજિટલ સ્વપ્ન