તિરુપતિ બાલાજી મંદિરમાં ભગવાન વેંકટેશ્વરની પ્રથમ આરતીના અધિકારને લઈને નવો વિવાદ ઉભો થયો છે. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે હાલની પરંપરામાં ફેરફાર કરીને લોકપ્રતિનિધિઓને પણ પ્રથમ આરતી કરવાનો અધિકાર આપવાનો પ્રસ્તાવ મૂકતાં આ મુદ્દે રાજકીય અને ધાર્મિક ચર્ચા તેજ બની છે. તેમના નિવેદન બાદ તિરુમલા તિરૂપતિ દેવસ્થાનમ (TTD) બોર્ડ અને ભાજપે તેનો કડક વિરોધ નોંધાવ્યો છે. હાલની પરંપરા મુજબ ભગવાન વેંકટેશ્વરની પ્રથમ આરતી કરવાનો વિશેષ અધિકાર કર્ણાટકના મુખ્યમંત્રીને પ્રાપ્ત છે. જો મુખ્યમંત્રી હાજર ન હોય તો કર્ણાટક સરકાર દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઓફિસર તેમના પ્રતિનિધિ તરીકે આ ધાર્મિક વિધિ નિભાવે છે.
ડી.કે. શિવકુમારે જણાવ્યું કે સરકાર નવા પ્રોટોકોલ પર વિચાર કરી રહી છે. તેમના મતે, જો મંદિરમાં કોઈ ધારાસભ્ય, સાંસદ અથવા ન્યાયાધીશ હાજર હોય તો તેમને પણ પ્રથમ આરતી કરવાનો અવસર મળવો જોઈએ. તેમણે દલીલ કરી કે લોકપ્રતિનિધિઓ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ હોવાથી તેમને પણ આ સન્માન મળવું જોઈએ. કર્ણાટક સરકારના મંત્રી રામલિંગા રેડ્ડીએ પણ જણાવ્યું કે આ મુદ્દે TTD બોર્ડ સાથે ચર્ચા કરવામાં આવશે. ડી.કે. શિવકુમારના નિવેદન બાદ TTD બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ સ્પષ્ટ કહ્યું કે મંદિરની પરંપરા અને ધાર્મિક વિધિઓ અંગેનો નિર્ણય માત્ર દેવસ્થાનમ બોર્ડ લઈ શકે છે, સરકાર નહીં. તેમણે જણાવ્યું કે તિરૂપતિ મંદિર કોઈ વ્યક્તિગત માલિકીનું નથી અને સદીઓ જૂની પરંપરામાં ફેરફાર કરવાનો અધિકાર માત્ર બોર્ડ પાસે જ છે. તેમના જણાવ્યા મુજબ પ્રથમ આરતીનો ઐતિહાસિક અધિકાર મૈસૂરના રાજપરિવાર સાથે જોડાયેલો છે.
ઐતિહાસિક માન્યતા અનુસાર, વિજયનગર સામ્રાજ્ય અને મૈસૂર પરંપરા સાથે જોડાયેલા રાજવીઓએ તિરૂપતિ મંદિરના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. આ કારણે કર્ણાટક (તત્કાલીન મૈસૂર રાજ્ય)ને પ્રથમ આરતીનો વિશેષ અધિકાર મળ્યો હતો. સમય જતાં મૈસૂર રાજપરિવારના પ્રતિનિધિઓ દરેક વખતે હાજર રહી શકતા ન હોવાથી કર્ણાટક સરકારના સ્પેશિયલ ઓફિસર દ્વારા આ પરંપરા નિભાવવામાં આવવા લાગી. ભાજપે પણ આ પ્રસ્તાવ સામે વિરોધ નોંધાવ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ બસવરાજ બોમ્મઈએ કહ્યું કે ભગવાન સમક્ષ દરેક ભક્ત સમાન છે, તેથી કોઈ ખાસ વર્ગને વિશેષ અધિકાર આપવાની જરૂર નથી. તેમણે મંદિરની પરંપરા અને ધાર્મિક વ્યવસ્થામાં રાજકીય હસ્તક્ષેપ ન કરવાની સલાહ આપી અને જણાવ્યું કે આવા મુદ્દાઓનો નિર્ણય ધાર્મિક સંસ્થાઓ પર જ છોડવો જોઈએ. હાલ ડી.કે. શિવકુમારે માત્ર પ્રોટોકોલમાં ફેરફારનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી. હવે TTD બોર્ડ સાથે ચર્ચા અને આગળની પ્રક્રિયા બાદ જ આ મુદ્દે સત્તાવાર નિર્ણય લેવામાં આવશે.