સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગને હચમચાવી મૂકે તેવી એક ચોંકાવનારી ઘટના પશ્ચિમ આફ્રિકાના માલી દેશમાંથી સામે આવી છે. સુરતના જાણીતા 75 વર્ષીય હીરા ઉદ્યોગપતિ ધીરુ રામાણી છેલ્લા ત્રણ મહિનાથી રહસ્યમય રીતે લાપતા હોવાનું સામે આવ્યું છે. પરિવારને આશંકા છે કે તેમનું અપહરણ કોઈ કટ્ટરપંથી આતંકી સંગઠન દ્વારા કરવામાં આવ્યું છે. આ મામલામાં ધીરુ રામાણી ઉપરાંત તેમના રસોઈયા અને એક ઇલેક્ટ્રિશિયન સહિત કુલ ત્રણ ભારતીયો ગુમ હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને લઈને સુરતના હીરા ઉદ્યોગમાં ભારે ચિંતા અને ફફડાટનો માહોલ સર્જાયો છે. પરિવારના સૂત્રોના જણાવ્યા મુજબ, સામાન્ય ગુનેગારો નહીં પરંતુ અલકાયદા સાથે જોડાયેલા સ્થાનિક કટ્ટરપંથી સંગઠન દ્વારા ત્રણેય ભારતીયોનું અપહરણ કરવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અપહરણકર્તાઓએ ત્રણેયને મુક્ત કરવા માટે આશરે 100 કરોડ રૂપિયાની ખંડણીની માગ કરી હોવાનું પણ સામે આવ્યું છે. આટલી મોટી રકમની માંગને કારણે પરિવાર ભારે દબાણ હેઠળ હોવાનું કહેવાઈ રહ્યું છે.
ધીરુ રામાણીના નજીકના સંબંધીએ નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું હતું કે હાલ પરિવાર પાસે અપહરણકર્તાઓ સાથે વાટાઘાટો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. તેમના જણાવ્યા અનુસાર, પરિવાર પોતાની રીતે સમગ્ર મામલો સંભાળી રહ્યો છે અને અત્યાર સુધી કોઈ સરકારી એજન્સી કે ભારતના વિદેશ મંત્રાલયને સીધા રીતે સામેલ કરવામાં આવ્યા નથી. ધીરુ રામાણીનો પરિવાર હાલમાં અમેરિકામાં સ્થાયી છે અને ત્યાંથી જ અપહરણકર્તાઓ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળ્યું છે. પરિવારને વિશ્વાસ અપાવવા માટે અપહરણકર્તાઓએ વીડિયો કોલ પણ કરાવ્યો હોવાનું કહેવાય છે. પરિવારના સભ્યોએ ધીરુ રામાણી સહિત ત્રણેય ભારતીયો જીવતા હોવાનું વીડિયો કોલમાં જોયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. આ પછી પરિવાર અને અપહરણકર્તાઓ વચ્ચેની વાટાઘાટો વધુ તેજ બની હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે, આ તમામ દાવાઓ અંગે સત્તાવાર રીતે કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.
ધીરુ રામાણી વર્ષો સુધી સુરતના હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા રહ્યા હતા. જોકે થોડાં વર્ષો પહેલાં તેમણે હીરાના વ્યવસાય ઉપરાંત આફ્રિકાના માલી દેશમાં ગોલ્ડ માઇનિંગ ક્ષેત્રમાં મોટું રોકાણ કર્યું હતું. છેલ્લા લગભગ બે વર્ષથી તેઓ માલીમાં રહીને સોનાની ખાણના પ્રોજેક્ટનું સંચાલન કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ કયા સ્થળેથી અને કઈ પરિસ્થિતિમાં ગુમ થયા તેની સત્તાવાર માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. આ ઘટનાએ વિદેશમાં ખાસ કરીને આફ્રિકાના વિવિધ દેશોમાં રોકાણ કરનારા સુરત અને ગુજરાતના ઉદ્યોગપતિઓમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે. હીરા, જ્વેલરી અને માઇનિંગ ક્ષેત્ર સાથે જોડાયેલા અનેક વેપારીઓ હવે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. ખાસ કરીને હાઈ-રિસ્ક દેશોમાં કાર્યરત ભારતીય ઉદ્યોગપતિઓ માટે આ ઘટના ગંભીર ચેતવણીરૂપ માનવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારતના વિદેશ મંત્રાલયે પણ માલી સહિત કેટલાક અસ્થિર આફ્રિકન દેશોમાં કામ કરતા અથવા પ્રવાસે જતા ભારતીયો માટે સુરક્ષા એડવાઇઝરી જાહેર કરી હતી. તેમાં અપહરણ, આતંકવાદી હુમલા અને સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને અત્યંત સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી હતી. હાલ સમગ્ર ઘટનામાં સત્તાવાર તપાસ ચાલુ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ધીરુ રામાણી અને અન્ય બે ભારતીયોની સુરક્ષિત વાપસી માટે પરિવારના પ્રયાસો ચાલુ છે. હવે આ મામલે સત્તાવાર તપાસ અને વાટાઘાટોમાં શું પ્રગતિ થાય છે તેના પર સુરતના ઉદ્યોગજગત સહિત સમગ્ર દેશની નજર ટકેલી છે.