તંત્રની ઘોર બેદરકારી: ચોમાસાનું બહાનું ધરી છેલ્લા ૬ મહિનાથી કામગીરી બંધ રાખવામાં આવતા ૧૦થી વધુ સોસાયટીના રહીશોમાં રોષ
વડોદરા: મહાનગરપાલિકાના વોર્ડ નંબર-૧૬માં વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. વાઘોડિયા-ડભોઈ રિંગ રોડ પર આવેલા શરણમ ચાર રસ્તા પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પેવર બ્લોક નાખવાની કામગીરી માટે મુખ્ય માર્ગની બંને બાજુએ મોટા પાયે ખોદકામ કરવામાં આવ્યું હતું. જો કે, રસ્તો ખોદ્યા બાદ કામગીરી આગળ ધપાવવાને બદલે અચાનક જ તેને અધવચ્ચે અટકાવી દેવામાં આવી છે. તંત્ર દ્વારા ચોમાસાની ઋતુનું બહાનું આગળ ધરીને છેલ્લા ૬ મહિનાથી આ કામ સંપૂર્ણપણે બંધ કરી દેવાતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો છે.
રસ્તાઓ ખોદીને અધૂરા છોડી દેવાના કારણે શરણમ ચાર રસ્તા પાસે આવેલી પ્રમુખપાર્ક, ધનલક્ષ્મી, કૃષ્ણાશ્રય, ઉમાપાર્ક સહિતની આશરે ૧૦ જેટલી સોસાયટીઓના હજારો રહીશો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડાઓ અને માટીના ઢગલાઓને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ માટે અહીંથી પસાર થવું અત્યંત કષ્ટદાયક બન્યું છે. ખાસ કરીને નાના બાળકો અને સિનિયર સિટીઝનો માટે આ જોખમી રસ્તા પરથી પસાર થવું અકસ્માતને આમંત્રણ આપવા સમાન સાબિત થઈ રહ્યું છે. વરસાદી માહોલમાં ખોદાયેલા રસ્તા પર કાદવ-કીચડનું સામ્રાજ્ય સ્થપાતા સ્થાનિકોનું જીવવું દુષ્કર બન્યું છે.
ભોગ બનેલા સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ ગંભીર સમસ્યા અંગે વોર્ડ કચેરીમાં રૂબરૂ જઈને અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી છે. આ ઉપરાંત કોર્પોરેશનની એપ્લિકેશન પર ઓનલાઇન ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે. આમ છતાં, કુંભકર્ણની નિદ્રામાં પોઢેલા તંત્રના પેટનું પાણી હલતું નથી અને હજી સુધી રસ્તાના સમારકામ કે પેવર બ્લોક બેસાડવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી. સ્થાનિકોએ આક્રોશ સાથે ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ અધૂરી કામગીરી પૂર્ણ કરી રસ્તો પૂર્વવત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.