૧૦ લાખથી વધુની કિંમતનું શંકાસ્પદ તેલ સીઝ
અકોટા, વારસિયા, ગોરવા અને સરદાર એસ્ટેટ વિસ્તારમાં સઘન તપાસ, ખાદ્ય પદાર્થોના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલાયા
૯૬૭ કિલો અખાધ્ય તેલનો જથ્થો ઝડપાયો, મરચાં પાવડર અને રતલામી સેવના પણ સેમ્પલ લેવાયા
(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૪
વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરની સૂચના અને ડેઝિગ્નેટેડ ઓફિસર તથા અધિક આરોગ્ય અમલદારના માર્ગદર્શન હેઠળ, ખોરાક શાખાના સીનીયર ફૂડ સેફ્ટી ઓફિસરો અને ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય તેલ સાથે જોડાયેલા એકમો પર આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન અકોટા, વારસિયા, ગોરવા અને સરદાર એસ્ટેટ વિસ્તારમાં કુલ ૦૯ ફૂડ વેન્ડિંગ એસ્ટાબ્લિશમેન્ટ અને ૦૬ ઉત્પાદક પેઢીઓ મળીને કુલ ૦૭ ખાદ્યપદાર્થો સાથે જોડાયેલા યુનિટોનું ઈન્સપેક્શન કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન મરચાંનો પાવડર, રતલામી સેવ અને ૦૮ રિફાઈન્ડ પામોલીન ઓઈલના નમૂનાઓ સહિત કુલ ૧૦ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા, જેને પૃથ્થકરણ અર્થે ફતેગંજ સ્થિત પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ કાર્યવાહીના ભાગરૂપે વિવિધ વિસ્તારોમાં શંકાસ્પદ તેલના જથ્થા પણ સીઝ કરવામાં આવ્યા હતા. જેમાં વારસિયા વિસ્તારમાં ૮૮.૪૦૦ કિલો, ગોરવા વિસ્તારમાં ૧૧૮.૪૦૦ કિલો, તથા સરદાર એસ્ટેટ વિસ્તારમાંથી ૨૯૮.૪૦૦ કિલો અને ૪૩૩.૪૦૦ કિલો એમ કુલ મળીને ૯૬૭ કિલો જેટલો શંકાસ્પદ રિફાઈન્ડ પામોલીન ઓઈલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. ૧,૫૩,૪૬૨/- થાય છે. આ ઉપરાંત, ગત તા. ૧૧-૦૭-૨૦૨૬ના રોજ હરણી રોડ પર આવેલ ‘માં આશાપુરા પ્રોટીન્સ’ ખાતે લૂઝ ખાદ્ય તેલ અંગે મળેલી બાતમીના આધારે તપાસ કરતા ત્યાં સેન્ટ્રલ ઓથોરિટીનું લાયસન્સ હોવાનું માલૂમ પડ્યું હતું, જેના અનુસંધાને પણ તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ સઘન કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કરવામાં આવેલી આકસ્મિક તપાસ અને શંકાસ્પદ જથ્થાના સીઝિંગથી ખાદ્ય પદાર્થોનું વેચાણ અને ઉત્પાદન કરતા એકમોમાં દોડધામ મચી ગઈ છે. મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી સમયમાં પણ આવી તપાસની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે જેથી કરીને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળને ડામી શકાય અને લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં અટકાવી શકાય.