લાફાથી શરૂ થયેલો વિવાદ પથ્થરમારા સુધી પહોંચ્યો, 2 વિદ્યાર્થીઓને ઈજા



( પ્રતિનિધિ )વડોદરા,તા.14
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એકવાર મારામારી અને વિદ્યાર્થી સંગઠનો વચ્ચેના ઘર્ષણને કારણે વિવાદમાં આવી છે. યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં એનએસયુઆઈ અને એબીવીપીના કાર્યકરો સામસામે આવી જતાં ભારે હોબાળો મચી ગયો હતો.
એમએસયુની સાયન્સ ફેકલ્ટી કેમ્પસમાં કોઈ વાતને લઈને એનએસયુઆઈ અને એબીવીપીના વિદ્યાર્થીઓ વચ્ચે તકરાર થઈ હતી. આ તકરાર એટલી વધી ગઈ કે વાત મારામારી સુધી પહોંચી હતી. આ દરમિયાન એક પક્ષના કાર્યકરે સામેના પક્ષના એબીવીપીના કાર્યકરને લાફો મારતા મામલો બિચક્યો હતો. ઘટના સ્થળે વિદ્યાર્થી નેતાઓની ગુંડાગર્દી પણ જોવા મળી હતી. બંને જૂથો વચ્ચે થયેલી મારામારીમાં વાત માત્ર લાફા કે ઝપાઝપી સુધી સીમિત ન રહેતા પથ્થરમારા સુધી પહોંચી હતી. આ હિંસક અથડામણમાં બે વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ કેમ્પસમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મારામારી બાદ એનએસયુઆઈના કાર્યકરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જ્યારે એબીવીપીના વિદ્યાર્થીઓએ એકત્ર થઈને સમગ્ર ઘટના અંગે સાયન્સ ફેકલ્ટીના ડીનને લેખિતમાં રજૂઆત કરી હતી. યુનિવર્સિટી કેમ્પસમાં અવારનવાર બનતી આવી હિંસક ઘટનાઓ સામે હવે સવાલ ઉઠી રહ્યો છે કે કેમ્પસમાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓની સુરક્ષાનું શું? વિદ્યાર્થી નેતાઓની આ પ્રકારની ગુંડાગર્દીને કારણે શૈક્ષણિક વાતાવરણ ડહોળાઈ રહ્યું છે, જેને લઈને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.