‘અકસ્માત નહીં, આ લૂંટ કરી હત્યા કરવામાં આવી છે’, ગળામાંથી દાગીના ગાયબ થતાં પરિવારના ચોંકાવનારા આક્ષેપ
૧૦૮ કર્મચારીએ એક્ટિવાની ચાવી અને ફોન સોંપ્યો, પણ મૃતકના સોનાના દાગીના ક્યાં ગયા ?



(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૪
વડોદરા :- રણોલી ગામના પારુલ ફળિયામાં રહેતા ભરતભાઈ લક્ષ્મણભાઈ માળી નામના યુવકનું જીએસએફસી બ્રિજ પરથી નીચે પટકાતા મોત નિપજ્યું છે. આ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, પરંતુ પરિવારજનોએ આ ઘટનાને અકસ્માત માનવાનો ઈન્કાર કરીને તેને આયોજનબદ્ધ લૂંટ અને હત્યાનો કિસ્સો ગણાવ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભરતભાઈ ગતરોજ પોતાની બહેનને નવાપુરા ખાતે મૂકવા ગયા હતા. પરત ફરતી વખતે રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ પરિવારને ફોન આવ્યો કે ભરતભાઈનો અકસ્માત થયો છે અને તેમને છાણી સ્થિત શ્રીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સના કર્મચારીએ તેમને ભરતભાઈનો મોબાઈલ અને એક્ટિવાની ચાવી સોંપી હતી. કર્મચારીએ જણાવ્યું હતું કે, રણોલીથી દુમાડ તરફ જવાના રસ્તે બ્રિજ પરથી નીચે પડતા આ અકસ્માત સર્જાયો હતો.
હોસ્પિટલ પહોંચેલા પરિવારજનોએ જ્યારે મૃતદેહ જોયો ત્યારે તેમને આખી ઘટના શંકાસ્પદ લાગી હતી. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે ભરતભાઈએ પહેરેલી સોનાની લકી, સોનાની ચેન અને વીંટી ગાયબ છે. પરિજનોનો સ્પષ્ટ આરોપ છે કે ભરતભાઈ સાથે રસ્તામાં લૂંટફાટ કરવામાં આવી છે અને લૂંટની આ ઘટનામાં જ તેમને મોતને ઘાટ ઉતારી દઈને આ બનાવને અકસ્માતનું રૂપ આપવામાં આવ્યું છે.
સમગ્ર મામલે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પરિવારની ફરિયાદના આધારે છાણી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શું ખરેખર આ અકસ્માત હતો કે પછી લૂંટના ઈરાદે કરવામાં આવેલી હત્યા ? તે રહસ્યનો ઉકેલ પોલીસની તપાસ બાદ જ આવશે. લોકોમાં પણ આ ઘટનાને લઈને ભારે ચર્ચા જાગી છે.