Vadodara

વડોદરાના રેસકોર્સ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

(પ્રતિનિધિ), વડોદરા. તા.૧૩

વડોદરા :- શહેરના પોશ વિસ્તાર ગણાતા રેસકોર્સ રોડ પર આજે એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક ઈકો કાર અને અન્ય એક કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માતની ગંભીરતા એટલી હતી કે, અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને રાહત કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.

પ્રાથમિક અહેવાલો અનુસાર, અકસ્માતમાં સામેલ વાહનોની ટક્કર એટલી જોરદાર હતી કે બંને કારના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. જોકે, સદનસીબે આ અકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી. એક કારના ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને ઈજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની વ્યવસ્થા કરી હતી.

અકસ્માતને કારણે રેસકોર્સ રોડ જેવો વ્યસ્ત માર્ગ થોડા સમય માટે બ્લોક થઈ ગયો હતો, જેને પગલે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લાંબી વાહનોની કતારો લાગી જતાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ વડોદરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત બંને વાહનોને રસ્તા પરથી હટાવી ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો. હાલમાં, પોલીસે આ અંગે ગુનો નોંધીને અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો અને કોની ભૂલ હતી, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, રેસકોર્સ વિસ્તારમાં વાહનોની ગતિ અંકુશમાં રાખવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને રોકી શકાય.

Most Popular

To Top