Vadodara

વડોદરા : બાળકોના સામાન્ય ઝઘડાએ ધારણ કર્યું ઉગ્ર સ્વરૂપ, પાડોશીએ સોસાયટીના પ્રમુખને બાલ્કનીમાથી ફેકી દીધો

વાઘોડિયા રોડ નજીક સનફ્લાવર હાઈટ્સ સોસાયટીમાં બાળકોના સામાન્ય ઝઘડાની ફરિયાદ કરવા ગયેલા પાડોશીએ પ્રમુખ પર હુમલો કર્યો

વડોદરા તા.12

વડોદરાના સેવાસી રોડ પર આવેલી પ્રિયા ટોકીઝ પાસેની એક સોસાયટીમાં બાળકોના સામાન્ય ઝઘડાની ફરિયાદ કરવા ગયેલા સોસાયટીના પ્રમુખ પર પાડોશીએ જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ તેમને બાલ્કનીમાંથી નીચે ફેંકી દીધા હોવાની સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર વિસ્તારમા ચકચાર મચી ગઇ છે.
વાઘોડિયા રોડ પર આવેલી પ્રિયા ટોકીઝ નજીક આવેલી ‘સનફ્લાવર હાઈટ્સ’ સોસાયટીમાં બાળકો વચ્ચે કોઈ બાબતે સામાન્ય બબાલ થઈ હતી. આ બાબતની પતાવટ કરવા અને પાડોશીને સમજાવવા માટે સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ આયરે તેમના પાડોશીના ઘરે ગયા હતા. તેઓ માત્ર બાળકોની બબાલ અંગે શાંતિપૂર્વક રજૂઆત કરવા માંગતા હતા, પરંતુ મામલો થાળે પડવાના બદલે વધુ વણસ્યો હતો.
એવો આક્ષેપ છે કે, પ્રમુખ દિનેશભાઈ જ્યારે ફરિયાદ લઈને પાડોશીના ઘરે પહોંચ્યા, ત્યારે પાડોશીએ કોઈ પણ પ્રકારની વાત સાંભળવાના બદલે ઉશ્કેરાઈને તેમની સાથે બોલાચાલી શરૂ કરી દીધી હતી. જોતજોતામાં ઝઘડો એટલો વધી ગયો કે, પાડોશીએ પ્રમુખ પર હુમલો કરી દીધો હતો. આટલેથી જ ન અટકતા, પાડોશીએ પ્રમુખ દિનેશ આયરેને પકડીને બાલ્કનીમાંથી સીધા નીચે ફેંકી દીધા હતા. આયરેને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે સોસાયટીના અન્ય રહીશો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને લોહીલુહાણ હાલતમાં દિનેશભાઈને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.

આ ચકચારી ઘટના અંગે સનફ્લાવર હાઈટ્સના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર આ ઘટના અંગે સનફ્લાવર હાઇટ્સના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ભોગ બનનારના પરિવાર તરફથી વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પાડોશી વિરુદ્ધ રીતસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી અને આરોપીની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે.

Most Popular

To Top