India

મોશી ડમ્પિંગ સાઈટ દુર્ઘટના: 83 કલાક ચાલેલુ રેસ્ક્યુ પૂર્ણ, મૃત્યુઆંક વધીને 9 થયો

મહારાષ્ટ્રના પુણેના પિંપરી ચિંચવડ સ્થિત મોશી કચરા ડમ્પિંગ સાઈટ ખાતે બુધવારે સર્જાયેલી મોટી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને  9 પર પહોંચ્યો છે. રાહત અને બચાવ કાર્યના ચોથા દિવસે કાટમાળમાંથી વધુ આઠ લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે મોડી રાત્રે વધુ એક વ્યક્તિનો મૃતદેહ મળતાં કુલ આંકડો નવ થયો છે.

બુધવારે બપોરે સર્જાઈ હતી ધટના

આ ભયાનક ઘટના 8 જુલાઈના રોજ બપોરે આશરે 1:30 વાગ્યે બની હતી. મોશી ડમ્પિંગ સાઈટમાં આવેલા ‘વેસ્ટ-ટુ-એનર્જી’ પ્લાન્ટના વહીવટી બિલ્ડિંગ પર કચરાનો એક વિશાળ પહાડ જેવો ઢગલો અચાનક તૂટી પડ્યો હતો. આ અકસ્માતના કારણે બિલ્ડિંગના વહીવટી બ્લોકનો મોટો હિસ્સો ધરાશાયી થઈ ગયો અને સ્ટ્રક્ચર અત્યંત જોખમી સ્થિતિમાં આવી ગયું હતું. આ દુર્ઘટના સમયે કુલ 23 લોકો કાટમાળ અને કચરા નીચે ડટાઈ ગયા હતા.

યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન અને ભારે મશીનરીનો ઉપયોગ

ઘટનાની ગંભીરતાને જોતાં NDRF, ઇન્ડિયન આર્મી, SDRF, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ-વહીવટી તંત્રની ટીમોએ તાત્કાલિક સંયુક્ત ઓપરેશન શરૂ કર્યું હતું, ઘટના બાદ 5 લોકો જાતે જ બહાર નીકળી આવ્યા હતા, જ્યારે બચાવ ટીમોએ પ્રથમ દિવસે જ 9 લોકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢી લીધા હતા. ઇમારતની સ્થિતિ જોખમી હોવાથી અંદર પ્રવેશ કરવવું મુશ્કેલ હતુ. આથી કાટમાળ હટાવવા માટે 12 પોકલેન મશીનો, જેસીબી, ડમ્પર અને બે ડેમોલિશન એક્સકેવેટરની મદદ લેવામાં આવી હતી. NDRFના ટેકનિકલ માર્ગદર્શન હેઠળ કોંક્રિટના હિસ્સાને હટાવીને ટીમ અંદર પ્રવેશી હતી.

ચોથા દિવસે મળ્યા મૃતદેહો

શનિવારે આખો દિવસ ચાલેલી શોધખોળ દરમિયાન કાટમાળમાંથી સતત મૃતદેહો બહાર આવતા ગયા, કાટમાળમાંથી સૌથી પહેલા ભાવેશ વાણીનો મૃતદેહ મળ્યો હતો. ત્યારબાદ અક્ષય સાવંત (35), સુનીલ કોરકે (40), સની માને (39), મહેશ કુંભારે (33), નાગેશ ગાયકવાડ (26), રંજીત પાટીલ (22) અને રાહુલ ગાયકવાડ (35) ના મૃતદેહો શનિવારે બહાર કઢાયા હતા. શનિવારે મોડી રાત્રે આશરે 1:00 વાગ્યે વધુ એક વ્યક્તિની લાશ મળી આવી હતી, જેની ઓળખ વામન કાસબે તરીકે થઈ છે. તમામ મૃતકો અને ઇજાગ્રસ્તોને પિંપરીની યશવંતરાવ ચવ્હાણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ આ નવ લોકોને મૃત જાહેર કર્યા હતા. તબીબી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ મૃતદેહો તેમના પરિવારોના સુપ્રત કરવામાં આવ્યા છે.

બેદરકારી અંગે તપાસ શરૂ

આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર પિંપરી-ચિંચવડ શહેરમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર, સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન હવે તેના અંતિમ તબક્કામાં છે. આ દુર્ઘટના પાછળ સંભવિત વહીવટી બેદરકારી કે ક્ષતિ જવાબદાર છે કે કેમ, અને આ માટે કોણ જવાબદાર છે તે અંગે તંત્ર દ્વારા કાયદેસરની તપાસ અને જરૂરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Most Popular

To Top