Entertainment

હોલિવુડની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Dune: Part Three’નું ટ્રેલર આખરે આવ્યું સામે, 8 ડિસેમ્બરે થશે ફિલ્મ રિલીઝ

હોલિવુડના જાણીતા ડિરેક્ટર ડેનિસ વિલેન્યુવની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘Dune: Part Three’નું સત્તાવાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તેની જોરદાર ચર્ચા ચાલી રહી છે. સાયન્સ-ફિક્શન ફિલ્મોના ચાહકો માટે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી રિલીઝ માનવામાં આવી રહી છે. ટ્રેલરમાં જોવા મળતી ભવ્ય દુનિયા, શાનદાર વિઝ્યુઅલ્સ અને રહસ્યમય કહાનીએ દર્શકોની ઉત્સુકતા અનેકગણી વધારી દીધી છે. આ ફિલ્મમાં ફરી એકવાર અભિનેતા તિમોથી શલામે પોલ એટ્રીડિસના પાત્રમાં જોવા મળશે. તેની સાથે ઝેન્ડાયા, રેબેકા ફર્ગ્યુસન, ફ્લોરેન્સ પ્યુ, જાવિઅર બાર્ડેમ અને જેસન મોમોઆ જેવા કલાકારો પણ મહત્વની ભૂમિકામાં છે. આ વખતે ફિલ્મમાં અભિનેતા રોબર્ટ પેટિન્સનની નવી એન્ટ્રી સૌથી મોટું આકર્ષણ બની છે.

‘Dune: Part Three’ની વાર્તા લેખક ફ્રેન્ક હર્બર્ટની પ્રસિદ્ધ નવલકથા ‘Dune Messiah’ પરથી બનાવવામાં આવી છે. ફિલ્મની કહાની ‘Dune: Part Two’ના અંત પછી સીધી 17 વર્ષ આગળ વધે છે. હવે પોલ એટ્રીડિસ સમગ્ર ગેલેક્સીનો સમ્રાટ બની ગયો છે, પરંતુ સત્તા મળ્યા બાદ તેના જીવનમાં નવી મુશ્કેલીઓ શરૂ થાય છે. ટ્રેલરમાં સૌથી મોટો ખુલાસો એ થાય છે કે પોલની ભવિષ્ય જોવાની અલૌકિક શક્તિ હવે પહેલાની જેમ કામ કરતી નથી. તે ભવિષ્યમાં શું થવાનું છે તે સ્પષ્ટ રીતે જોઈ શકતો નથી. જેના કારણે તેના માટે અનેક નવા પડકારો ઉભા થાય છે અને સામ્રાજ્ય પર નિયંત્રણ જાળવી રાખવું વધુ મુશ્કેલ બની જાય છે.

આ ફિલ્મમાં પોલ સામે સૌથી મોટો ખતરો બનીને રોબર્ટ પેટિન્સન ‘સ્કાયટેલ’ નામના પાત્રમાં જોવા મળશે. સ્કાયટેલ એક એવો વિલન છે જે પોતાનું રૂપ બદલી શકે છે અને ખૂબ જ ચાલાક છે. ટ્રેલરમાં તે સ્પષ્ટ કરે છે કે તેનો હેતુ પોલને સત્તા પરથી હટાવવાનો છે. તેના સંવાદો પરથી લાગે છે કે ફિલ્મમાં રાજકીય ષડયંત્ર, દગો અને સત્તાની લડાઈ વધુ જોવા મળશે. ટ્રેલરમાં પોલ અને ચાનીના સંબંધો પણ મહત્વનો ભાગ છે. ઝેન્ડાયા ફરી એકવાર ચાનીના પાત્રમાં જોવા મળશે. પોલના પ્રિન્સેસ ઇરુલાન સાથે લગ્ન થયા બાદ બંને વચ્ચે અંતર વધી ગયું છે. ચાની હવે પોતાના ભવિષ્ય અને પરિવાર વિશે વિચારી રહી છે, જેના કારણે બંનેના સંબંધોમાં નવી જટિલતા જોવા મળશે.

ફિલ્મનું સૌથી મોટું સરપ્રાઇઝ જેસન મોમોઆના પાત્ર ડંકન ઇડાહોની વાપસી છે. અગાઉની ફિલ્મમાં ડંકનનું મૃત્યુ થઈ ગયું હતું, પરંતુ હવે તેને ‘ઘોલા’ એટલે કે ક્લોન સ્વરૂપે ફરી જીવંત કરવામાં આવ્યો છે. સ્કાયટેલ તેને પોલ માટે એક ખાસ ભેટ તરીકે મોકલે છે. ટ્રેલરમાં ડંકન અને પોલ વચ્ચેના દ્રશ્યો દર્શકોમાં ભારે ઉત્સુકતા જગાવી રહ્યા છે. ફિલ્મમાં રેબેકા ફર્ગ્યુસન ફરી લેડી જેસિકાના પાત્રમાં જોવા મળશે. ફ્લોરેન્સ પ્યુ પ્રિન્સેસ ઇરુલાન તરીકે વધુ મહત્વની ભૂમિકામાં હશે. અન્યા ટેલર-જોય આલિયા એટ્રીડિસના પાત્રમાં જોવા મળશે, જ્યારે નવા કલાકાર ઇસાચ ડી બેન્કોલે પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે.

ટ્રેલરમાં વિશાળ રેતીના કીડા (Sandworms), ભવ્ય યુદ્ધના દ્રશ્યો, અદભૂત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને શાનદાર સિનેમેટોગ્રાફી જોવા મળે છે. અગાઉના બંને ભાગોની જેમ આ ફિલ્મમાં પણ મોટા પાયે VFX અને ભવ્ય એક્શન સિક્વન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘Dune’ શ્રેણીની બંને ફિલ્મોને વિશ્વભરમાં દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે ત્રીજો અને અંતિમ ભાગ આ મહાકાવ્ય જેવી સફરને પૂર્ણ કરશે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ અગાઉના બંને ભાગ કરતાં વધુ ડાર્ક, ભાવનાત્મક અને રહસ્યમય બનવાની છે. ‘Dune: Part Three’ આગામી 18 ડિસેમ્બર, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. હવે ચાહકોને માત્ર ફિલ્મની રિલીઝની રાહ છે.

Most Popular

To Top