દેશમાં કફ સિરપ અને હેલ્થ ટોનિકનો ઉપયોગ રોગ મટાડવાને બદલે નશો કરવા માટે વધતો જઈ રહ્યો છે, મહત્વ નું છે કે તે એક ચિંતાજનક બાબત છે. આ દૂષણને જળમૂળથી ઉખાડી ફેંકવા કેન્દ્ર સરકારે હવે કાયદાનું શસ્ત્ર ઉગામ્યું છે. ખાંસીની દવાઓનો નશા તરીકે થતો દુરુપયોગ રોકવા માટે સરકારે ઐતિહાસિક નિર્ણય લેતા વર્ષો જૂના ડ્રગ્સ રૂલ્સ, 1945માં મોટો સુધારો કરી દીધો છે. સરકારના આ આકરા વલણ બાદ, હવે બજારમાં વધુ પડતા આલ્કોહોલની માત્રા ધરાવતા સિરપ અને ટોનિકનું ખુલ્લેઆમ વેચાણ ભૂતકાળ બની જશે.
શું છે નવો નિયમ?
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ, હવેથી જે પણ પ્રવાહી દવાઓની 30 મિલીથી મોટી સાઈઝનું પેકિંગ હોય અને જેમાં 12% થી વધુ ઇથાઇલ આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના પર સરકારની સીધી નજર રહેશે. આવા તમામ ઓરલ લિક્વિડ (પીવાની પ્રવાહી દવાઓ)ને સરકારે તાત્કાલિક અસરથી ‘શેડ્યૂલ H1’ની કેટેગરીમાં મૂકી દીધા છે.
શેડ્યૂલ H1 માં સમાવેશ થતાં શું બદલાશે?
અત્યાર સુધી નશાખોરો કે મેડિકલ સ્ટોરના કેટલાક સંચાલકો આ દવાઓનો આસાનીથી વેપલો કરી લેતા હતા, પરંતુ હવે આ રમત બંધ થશે. નવા નિયમો લાગુ થતાં જ બજારમાં આ ૩ મોટા ફેરફારો જોવા મળશે:
ડૉક્ટરનું પ્રિસ્ક્રિપ્શન ફરજિયાત: હવેથી કોઈપણ મેડિકલ સ્ટોર પર આ દવાઓ ડૉક્ટરના સત્તાવાર લખાણ વગર ગ્રાહકને આપી શકાશે નહીં. જો કોઈ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર દવા માંગશે, તો દુકાનદારે તેને સ્પષ્ટ ના પાડવી પડશે.
વેચાણનો પાકો હિસાબ રાખવો પડશે: મેડિકલ સ્ટોરના માલિકોએ આવી દવાઓનો આખો રેકોર્ડ એક અલગ રજિસ્ટરમાં જાળવવો પડશે. કઈ દવા, કયા દર્દીને, કયા ડૉક્ટરના કહેવાથી અને કેટલી માત્રામાં આપવામાં આવી છે, તેની તમામ વિગતો ડ્રગ ઇન્સ્પેક્ટરની તપાસ માટે રાખવી જરૂરી બનશે.
બોટલ પર ચેતવણીનું લેબલ: આ દવાઓ બનાવતી ફાર્માસ્યુટિકલ કંપનીઓએ હવે બોટલના પેકિંગ પર ગ્રાહકો જોઈ શકે તે રીતે સ્પષ્ટ ‘ચેતવણી લેબલ’ લગાવવું પડશે.ખાંસીની દવાઓ ઉપરાંત, નશા તરીકે વપરાતી ઊંઘની ગોળીઓ અને અત્યંત તીવ્ર દુખાવાની દવાઓ નો પણ આ કડક કેટેગરીમાં સમાવેશ કરી દેવાયો છે.
યુવાધનને બચાવવા માટે મોટો નિર્ણય
આ નિર્ણય પાછળ સરકારનો મુખ્ય હેતુ દેશના યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવાનો છે. ઘણા રાજ્યોમાં સસ્તા નશા તરીકે કફ સિરપની આખી ને આખી બોટલો ગટગટાવી જવાનો ટ્રેન્ડ વધ્યો હતો, જેની સીધી અસર લીવર અને માનસિક સ્વાસ્થ્ય પર થતી હતી. વગર પ્રિસ્ક્રિપ્શને મળતી આ દવાઓ પર હવે કાનૂની સકંજો કસાતાં, આવા તત્વો પર આપોઆપ બ્રેક વાગી જશે. સામાન્ય દર્દીઓને આનાથી કોઈ તકલીફ નહીં પડે, પરંતુ જેઓ આનો ખોટો ઉપયોગ કરે છે તેમના માટે હવે મુશ્કેલીઓ ઊભી થવાની છે. પ્રિસ્ક્રિપ્શન આધારિત આ નવી વ્યવસ્થાથી દેશની ફાર્મસી સિસ્ટમ વધુ પારદર્શક અને સુરક્ષિત બનશે.