પાવાગઢ રોડ પર મામલતદારની હાજરીમાં JCBથી દબાણો દૂર; પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી
હાલોલ, તા. 4 (): હાલોલના પાવાગઢ રોડ પર સેશન કોર્ટની બાજુમાં આવેલી સરકારી જમીન પર થયેલા ગેરકાયદે દબાણો સામે વહીવટી તંત્રે કડક કાર્યવાહી હાથ ધરી હતી. મામલતદાર અને અન્ય અધિકારીઓની હાજરીમાં વિશેષ અભિયાન ચલાવી JCB અને ટ્રેક્ટરની મદદથી તમામ અનધિકૃત દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં અગાઉ પણ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા, છતાં ફરીથી સરકારી જમીન પર અનધિકૃત બાંધકામો ઉભા કરવામાં આવ્યા હતા. જેના પગલે ફરી એકવાર દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય દબાણકારોમાં ફફડાટ; સરકારી જમીન પરના ગેરકાયદે કબજાઓ સામે તંત્ર સખત
કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સમગ્ર કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી.
આ કાર્યવાહી બાદ સરકારી જમીન પર ગેરકાયદે કબજો જમાવી બેઠેલા અન્ય દબાણકારોમાં પણ ફફડાટ ફેલાયો છે. વહીવટી તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે સરકારી મિલકતો પરના ગેરકાયદે દબાણો સામે આવી કાર્યવાહી આગામી સમયમાં પણ યથાવત રહેશે.
રિપોર્ટર: યોગેશ ચૌહાણ