Business

ચોમાસાને માણવા યંગસ્ટર્સના નવા ટ્રેન્ડ: નેચર ફોટોગ્રાફી, કેફે હોપિંગ

સિટીમાં હવે મેઘરાજા એ ધમધમાટી બોલાવી છે. સુરતીઓમાં હવે વરસાદ એટલે ભજીયા ખાવા, ડુમસ ફરવા જવું, ગરમા ગરમ ચાયની પ્યાલી લઈને બારી પાસે બેસી ચાયની ચૂસકી સાથે વરસાદ પડેનો કર્ણપ્રિય અવાજ સાંભળવો, મનને તરોતાજા કરી દે તેવા પુસ્તકો વાંચવા અને મનપસંદ ફિલ્મો જોવી પૂરતું સીમિત નથી રહ્યું. યંગસ્ટર્સ આજકાલ વરસાદને માણવા અનોખી પ્રવૃતિઓ કરવા લાગ્યાં છે જે આનંદ આપવાની સાથે પ્રોડક્ટિવ અને મનને કાંઈક કર્યાનો સંતોષ પણ આપે છે. કેમ યંગસ્ટર્સને આવી એક્ટિવિટીઝ કરવાનું મન થવા લાગ્યું. વરસદમાં કુદરત સાથે કનેક્ટ થવાય એવી કઈ કઈ એક્ટિવિટીઝ યંગસ્ટર્સ કરે છે અને એનાથી તેમને શું ફાયદો લાગે છે. ચાલો તેના વિશે વિસ્તારમાં જાણીએ…

ચોમાસા પહેલા આગિયાની અને ચોમાસામાં ધોધની ફોટોગ્રાફી
ચોમાસુ શરૂ થઈ જાય એટલે સુરતીઓને સાપુતારા અને ડાંગની યાદ આવી જાય. જિગ્નેશભાઈ દરબારે જણાવ્યું કે, સુરતી યંગસ્ટર્સમાં ચોમાસાની શરૂઆત પહેલાં જૂન એન્ડ નજીક ડાંગમાં આગિયાની ફોટોગ્રાફી કરવા જવાનું ચલણ છેલ્લાં કેટલાંક વર્ષોથી છે. નર આગિયા માદા આગિયાને આકર્ષવા રાત્રે ઝબકારો કરે છે. ડાંગના જંગલોમાં આ અદ્દભુત દ્રશ્ય રાત્રે એવું લાગે જાણે આકાશમાંથી તારા જમીન પર ઉતરી આવ્યા છે. જેની ફોટોગ્રાફી ગ્રુપ સાથે કરવાની મજા લેવાય છે. વરસાદી સીઝનમાં ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠે છે. આ નેચરને માણવા અને વરસાદમાં ગીરા વોટરફોલ, ગિરમાળ ધોધ અને બીજા વોટરફોલ્સનો નજારો કેમેરામાં કેદ કરવા યંગસ્ટર્સમાં ડાંગ જવાનો ટ્રેન્ડ જ બની ગયો છે.
વરસાદી સીઝનમાં સાઈકલિંગ કરીને ડાંગના ગામોને એક્સ્પલોર કરાય છે


વરસાદમાં સાઈકલિંગના શોખીન યંગસ્ટર્સને ચોમાસામાં સાયકલ રાઈડિંગની ખૂબ મજા આવે છે. નિતિનભાઈ પટેલે જણાવ્યું કે, ગરમીની સીઝનમાં ડીહાઇડ્રેશન થતું હોય એટલે લોન્ગ સાઇકલ રાઈડ ના થઇ શકે. ગરમીમાં ડીહાઇડ્રેશનથી બચવા સવારે 7 પહેલાં સાયકલિંગ કરવું પડે. ચોમાસામાં વેધર સપોર્ટિંવ હોય એટલે ડીહાઇડ્રેટ ઓછું થવાય એટલે લોન્ગ રાઈડની મજા આવે. ચોમાસા દરમિયાન સુરતી યંગસ્ટર્સ બે થી ત્રણ વખત સાયકલ રાઈડિંગની મજા લઈ લે. નદી, ઝરણાં, ગામોનું સૌંદર્ય આ સમયે માણી શકાય. ડાંગમાં કેટલાંક ગામો હજી અનટચ્ડ છે જેને સાયકલ રાઈડિંગ કરીને એક્સ્પલોર કરવાની મજા આવતી હોય. કેટલાંક ગામોમાં કાર ના જઈ શકતી હોય ત્યારે સાયકલિંગ કરીને આ ગામોમાં પહોંચી ગ્રામીણ જીવનને જાણી શકાય છે. યંગસ્ટર્સ ચોમાસામાં સાયકલિંગ અને બાઇક રાઈડિંગની મજા અચૂક લે છે.
યંગસ્ટર્સમાં વરસાદમાં સ્પોર્ટ્સ રમવાનો રોમાંચ વધી જાય છે


તમને અત્યારે સીટીમાં વરસતા વરસદમાં ફૂટબોલ અને વોલીબોલ રમતા યંગસ્ટર્સ દેખાશે. હિરલ સવાણીએ જણાવ્યું કે, સ્પોર્ટ્સપ્રિય લોકોમાં વરસાદમાં આ સ્પોર્ટ્સ રમવાનો રોમાંચ વધી જતો હોય છે. ભીંજાયેલું શરીર અને કીચડ કે વરસાદી પાણીથી ભરાયેલા મેદાનમાં લપસી ને ડાઈવ લગાવાનો અનુભવ યાદગાર હોય છે. વરસાદ શરૂ થઈ જાય એટલે ગરમીથી રાહત મળે, વરસાદ દરમિયાન ઠંડી હવાઓ વચ્ચે રમવું શરીર અને દિમાગને ઉર્જાથી ભરી દે છે. વરસાદમાં ફૂટબોલ અને વોલીબોલ રમવાની અનોખી મજા આવતી હોય છે અને ખૂબ રોમાંચક ફીલિંગ આપે છે. સુરતી યંગસ્ટર્સ ક્રિકેટ ઉપરાંત હવે તો અન્ય સ્પોર્ટ્સમાં ખાસ્સી દિલચસ્પી લે છે.
વરસાદમાં કેફેમાં કોફી અને હોટ ચોકલેટની મજા આવી જતી હોય


હવે તો સુરત સિટીમાં કેફે કલ્ચર દરેક ઉંમરના લોકોમાં ખાસ્સું ફૂલયુફાલ્યું છે. મિતેશ દિયોરાએ જણાવ્યું કે, વરસાદની હેલી વરસતી હોય ત્યારે યંગસ્ટર્સ કેફેમાં બેસીને કોફીનો ટેસ્ટ સુરીલા મ્યુઝીકની વચ્ચે લેવાનું કેટલાક વર્ષોથી પસંદ કરવા લાગ્યા છે. કેફેમાં બેસી હોટ ચોકલેટ ડ્રિંકનો સ્વાદ માણવો પણ આજકાલ ખૂબ ટ્રેન્ડમાં છે. સુરતીઓના એવરગ્રીન ડુમસના ભજીયા અને આદુ મસાલાની ચા સાથે હવે કેફે પણ યંગસ્ટર્સમાં મોન્સૂન ફેવરિટ બની રહ્યા છે. ડુમસ સિટીથી થોડું દૂર હોય એટલે વરસાદની હેલી વચ્ચે લોન્ગ ડ્રાઇવની મજા આવે છે.
વરસાદમાં મોટાપાયે થતાં વૃક્ષારોપણમાં યુવા સ્વયંસેવકો


વરસાદી સિઝનમાં વૃક્ષારોપણ મોટાપાયે થાય છે કેમકે, આ સમય દરમિયાન માટીમાં કુદરતી ભીનાશ અને પર્યાપ્ત પાણી હોય છે જે રોપાના મૂળને મજબૂત કરવામાં મદદ કરે છે. નિલેષભાઈ વાંકાવાલાએ જણાવ્યું કે, આજની જનરેશન પર્યાવરણનું મહત્ત્વ સમજવા લાગી છે તેઓ ચોમાસા દરમિયાન થતા વૃક્ષારોપણ અભિયાનમાં જોડાય છે. રોપા વાવે છે તેને પાણી સીંચે છે. તેઓ ખાતર નાખવામાં મદદરૂપ થાય છે. હવે જુલાઈમાં વૃક્ષારોપણ શહેરમાં ઠેર ઠેર થશે ત્યાં યુવા સ્વયંસેવકોની સંખ્યા વધારે જોવા મળશે.
યુવાઓને વરસાદમાં નેચરવૉક કરવું ગમે છે
વરસાદમાં માટીની ભીની ખુશ્બુ, વૃક્ષોના પાંદડાઓ પર પાણીના ટીપાં પડવાનો અવાજ અને ઠંડી હવાનો અહેસાસ કરવા યંગસ્ટર્સ સુરક્ષિત જગ્યાઓ પર નેચરવૉક કરવા નીકળી પડે છે. નેચરવૉક કરવાની સાથે વૃક્ષોના પાંદડા પર ટપકતા વરસાદી પાણી, વરસાદને કારણે વૃક્ષની નમી ગયેલી ડાળખીઓના સ્કેચ કરવાનું હવે યુવાઓ પ્રિફર કરવા લાગ્યાં છે. આ રીતે નેચર સાથે કનેક્ટેડ હોવાનો એહસાસ થાય છે.

Most Popular

To Top