India

‘અમને નજરકેદ કરવામાં આવ્યા, પરંતુ રામલલાના દર્શન કર્યા વગર પરત નહીં ફરીએ’ અજય રાયનો યોગી સરકાર પર પ્રહાર

અયોધ્યામાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળને રોકવાના આરોપથી ઉત્તર પ્રદેશનું રાજકારણ ગરમાયું, દાનચોરી કેસની SIT તપાસ વચ્ચે નવા રાજકીય વિવાદે જોર પકડ્યું

અયોધ્યાના રામ મંદિર દાનચોરી કેસને લઈને ઉત્તર પ્રદેશમાં રાજકીય માહોલ વધુ ગરમાયો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયએ મંગળવારે ગંભીર આરોપ લગાવ્યો કે અયોધ્યા પહોંચ્યા બાદ તેમને પોલીસ અને પ્રશાસન દ્વારા હોટલમાં જ નજરકેદ કરવામાં આવ્યા હતા. તેમનો દાવો છે કે તેઓ કોંગ્રેસના પ્રતિનિધિમંડળ સાથે ભગવાન શ્રીરામના દર્શન કરવા અને દાનચોરી કેસની હકીકત જાણવા અયોધ્યા પહોંચ્યા હતા, પરંતુ સરકાર તેમને મંદિર સુધી જવા દેવા માંગતી નહોતી.

અજય રાયે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, “અમે ભગવાન શ્રીરામના ભક્ત છીએ. અમને નજરકેદ કરી શકાય, પરંતુ અમે દર્શન કર્યા વગર પરત નહીં ફરીએ.” તેમણે આરોપ લગાવ્યો કે ભાજપ સરકાર લોકશાહી મૂલ્યોનું ગળું ઘોંટી રહી છે અને વિરોધ પક્ષના નેતાઓને રોકવા માટે પ્રશાસનનો દુરુપયોગ કરી રહી છે. જો કે કોંગ્રેસના જણાવ્યા અનુસાર અજય રાય અયોધ્યામાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા પહોંચ્યા હતા. પાર્ટીએ અગાઉથી જ સ્થાનિક પ્રશાસનને મુલાકાત અંગે જાણ કરી હતી. તેમ છતાં અયોધ્યા પહોંચ્યા બાદ તેમને હોટેલ પદમ શ્રી પેલેસમાં જ રોકી દેવામાં આવ્યા હોવાનું કોંગ્રેસે જણાવ્યું. પાર્ટીએ આ કાર્યવાહી ને “ગૃહનજરકેદ” ગણાવી હતી.

અજય રાયે પોતાના નિવેદનમાં કહ્યું કે જો સરકારને કોઈ ભય નથી તો કોંગ્રેસના નેતાઓને મંદિર જવાથી કેમ રોકવામાં આવ્યા? તેમણે કહ્યું કે, “શું ભગવાન શ્રીરામના દર્શન કરવા જવું હવે ગુનો બની ગયો છે?” તેમનો આ સવાલ હવે ઉત્તર પ્રદેશના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો છે.કોંગ્રેસે વધુમાં આરોપ લગાવ્યો કે માત્ર અજય રાય જ નહીં, પરંતુ અનેક જિલ્લા સ્તરના કોંગ્રેસ નેતાઓને પણ રસ્તામાં અટકાવવામાં આવ્યા હતા. પાર્ટીના જણાવ્યા અનુસાર પ્રતાપગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નીરજ ત્રિપાઠીને પણ કોઈ સ્પષ્ટ કારણ વગર પોલીસ દ્વારા અટકાવવામાં આવ્યા હતા.

આ સમગ્ર વિવાદની પૃષ્ઠભૂમિમાં અયોધ્યા રામ મંદિરના દાનમાં થયેલી કથિત ગેરરીતિઓનો કેસ છે. છેલ્લા કેટલાક દિવસોમાં દાનચોરી મામલે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી SITની તપાસ બાદ અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. તપાસમાં દાનની ગણતરી અને જમા કરવાની પ્રક્રિયામાં ગંભીર બેદરકારી અને ગેરરીતિઓ સામે આવી હોવાનું કહેવાય છે.
આ કેસમાં અત્યાર સુધીમાં આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તપાસ એજન્સીઓ દાન કેવી રીતે એકત્ર થતું, તેની ગણતરી કેવી રીતે થતી અને બેંકમાં કેવી રીતે જમા થતું તેની વિગતવાર તપાસ કરી રહી છે.

કોંગ્રેસનો આરોપ છે કે દાનચોરી કેસમાં માત્ર નીચલા સ્તરના કર્મચારીઓ સામે કાર્યવાહી પૂરતી નથી. પાર્ટીનું કહેવું છે કે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જો જરૂર પડે તો ઉચ્ચ સ્તરે જવાબદારી પણ નક્કી થવી જોઈએ. અગાઉ પણ કોંગ્રેસે આ કેસની ન્યાયિક દેખરેખ હેઠળ તપાસની માંગ કરી હતી.અજય રાયે પોતાના નિવેદનમાં એવો પણ આરોપ લગાવ્યો કે રામ મંદિરના દાન અને જમીન સંબંધિત ગેરરીતિઓના મુદ્દે સરકાર સત્ય બહાર આવવાથી ડરી રહી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો ઉદ્દેશ્ય રાજકારણ કરવો નહીં પરંતુ સત્ય સામે લાવવાનો છે.

બીજી તરફ ભાજપ તરફથી કોંગ્રેસના આક્ષેપોને રાજકીય સ્ટન્ટ ગણાવવામાં આવી રહ્યા છે. સત્તાધારી પક્ષના નેતાઓનું કહેવું છે કે દાનચોરી કેસમાં કાયદા મુજબ કાર્યવાહી થઈ રહી છે અને તપાસ સંપૂર્ણ પારદર્શિતા સાથે આગળ વધી રહી છે. સરકાર દ્વારા રચાયેલી SIT પોતાનું કામ કરી રહી છે અને દોષિતોને છોડવામાં નહીં આવે તેવી ખાતરી આપવામાં આવી છે.
દાનચોરી કેસમાં તપાસ આગળ વધતાં શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના કાર્ય અને દાન વ્યવસ્થાપન અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે. તપાસ દરમિયાન ટ્રસ્ટના ભૂતપૂર્વ મહાસચિવ ચંપત રાયનું પણ નિવેદન નોંધવામાં આવ્યું છે અને દાનની સમગ્ર પ્રક્રિયા અંગે પૂછપરછ કરવામાં આવી છે.

અયોધ્યા દાનચોરી કેસ હવે માત્ર કાનૂની નહીં પરંતુ રાજકીય મુદ્દો પણ બની ગયો છે. એક તરફ સરકાર તપાસમાં પારદર્શિતા હોવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો સરકાર પર સત્ય છુપાવવાનો અને વિરોધીઓને દબાવવાનો આરોપ મૂકી રહ્યા છે.અજય રાયે અંતમાં સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો ડરવાના નથી. તેમણે જણાવ્યું કે “અમે ભગવાન શ્રીરામના દર્શન કરીશું, સત્ય માટે અવાજ ઉઠાવતાં રહીશું અને કોઈપણ દબાણ સામે ઝુકીશું નહીં.” તેમના આ નિવેદન બાદ ઉત્તર પ્રદેશમાં રાજકીય ઘમાસાણ વધુ તેજ બન્યું છે અને હવે સરકાર તરફથી આવનારી સત્તાવાર પ્રતિક્રિયા પર સૌની નજર છે.

Most Popular

To Top