એચ.વી. શ્રોફ સ્કૂલ પાછળ સમાધાન બેઠક દરમિયાન હિંસક અથડામણ, બંને પક્ષના લોકો ઘાયલ, ઈજાગ્રસ્ત લોકોને લોહી લુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા, હત્યાના પ્રયાસમાં ગુનો દાખલ
વડોદરા, તા. 30
વડોદરા શહેરના વાડી વિસ્તારમાં વર્ષોથી ચાલી આવતી જૂની અદાવતનો અંત લાવવા માટે યોજાયેલી સમાધાન બેઠક જ લોહિયાળ અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. એચ.વી. શ્રોફ સ્કૂલ પાછળ બપોરના સમયે હરી થયેલી બોલા ચાલી ના પગલે બંને પક્ષ સામસામે આવી જતા વાતચીતના બદલે બંને પક્ષના લોકોએ સામસામે છરાથી હુમલો કર્યો હતો જેમાં લોકો ઘાયલ થતાં તેમને લોહી લુહાણ હાલતમાં અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. બેખૌફ બની થયેલા હુમલાએ પોલીસના કાયદો અને વ્યવસ્થા ના લીરેલીરે ઉડાવ્યા છે. ત્યારે જીવલેણ હુમલો ફરી વડોદરામાં મોટી ઘટનાને અંજામ આપે તેવી શક્યતા દર્શાવી રહ્યો છે.
વાડી વિસ્તારમાં રહેતા અરબાઝ ઉર્ફે બોઇલરને બપોરે આદિલ ઉર્ફે બાટલાનો ફોન આવ્યો હતો. ફોન પર ગાળો આપી તેને એચ.વી. શ્રોફ સ્કૂલ પાછળ મળવા બોલાવવામાં આવ્યો હતો. અરબાઝ પોતાના બે ઓળખીતાઓ જૈદ ઉર્ફે ગામા અને ઇકબાલ ઉર્ફે ટફી સાથે ત્યાં પહોંચ્યો હતો.
થોડીવાર બાદ આદિલ પોતાના કાકા આરીફ ઉર્ફે માંજરા સાથે ત્યાં આવ્યો હતો. અગાઉ થયેલા ઝઘડા ની અદાવતમાં સમાધાનની બેઠક કરવાની હોય પરંતુ બેઠક તો દૂર રહી આ બંને જૂથ વચ્ચે ફરી બોલાચાલી શરૂ થઈ હતી જેમાં આરીફે પોતાના વાહનની ડિકીમાંથી છરી કાઢીને અરબાઝ પર હુમલો કર્યો હતો. અરબાઝે બચાવ માટે હાથ વચ્ચે નાખતા તેની હથેળી અને કોણી પર છરીના ઘા વાગ્યા હતા. ઇકબાલ વચ્ચે પડતાં વધુ હુમલો ટળ્યો હતો. હુમલા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘાયલ અરબાઝને પ્રથમ તોફીક હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે આદિક્યુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
બીજી તરફ, આરીફ ઉર્ફે માંજરાએ નોંધાવેલી ફરિયાદમાં અલગ જ દાવો કર્યો છે. તેના જણાવ્યા મુજબ ભત્રીજા આદિલે સમાધાન માટે બોલાવતાં તે સ્થળે પહોંચ્યો હતો, જ્યાં અરબાઝ, ઇકબાલ અને જૈદ આદિલ સાથે ઝપાઝપી કરી રહ્યા હતા. છોડાવવાનો પ્રયાસ કરતાં ઇકબાલે છરી વડે હુમલો કરી તેના હાથની કોણી અને બે આંગળીઓમાં ઇજા પહોંચાડી હતી. હુમલા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આરીફને પ્રથમ જમનાબાઈ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે ડભોઈવાલા સર્જિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
બંને પક્ષોએ એકબીજા સામે હત્યાના પ્રયાસ, મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા વાડી પોલીસે ક્રોસ ફરિયાદ નોંધી છે. માથાભારે શખ્સો દ્વારા થતા જીવલેણ હુમલા વડોદરામાં મોટી દુર્ઘટનાને અંજામ આપશે તેવી સ્થિતિ સર્જી રહ્યા છે.