સુરતમાં છેલ્લા કેટલાક સમયથી આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે રવિવારે ફરી એક વખત શહેરના અગ્રણી ઔદ્યોગિક વિસ્તાર સચિન GIDCમાં આગની મોટી ઘટના બની હતી. ગભેણી વિસ્તારમાં આવેલા સચિન વોટર પ્લાન્ટની પાછળ ખુલ્લી જગ્યામાં પડેલા કચરાના વિશાળ ઢગલામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે ઘટનાસ્થળેથી ઉઠતા કાળા ધુમાડાના ગોટેગોટા આશરે 5 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આકાશમાં કાળા ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ જતાં આસપાસના વિસ્તારોના લોકોમાં ભય અને કુતૂહલ બંને જોવા મળ્યા હતા. ઘણા લોકો પોતાના ઘરો અને ઓફિસોમાંથી બહાર આવીને ઘટનાસ્થળ તરફ નજર કરવા લાગ્યા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, આગ સચિન GIDCના ગભેણી વિસ્તારમાં ખુલ્લામાં પડેલા કચરાના ઢગલામાં લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. જોકે કચરામાં પ્લાસ્ટિક સહિતના જ્વલનશીલ પદાર્થો મોટી માત્રામાં હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને વારંવાર ભભૂકી ઊઠતી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને નજીકની ફેક્ટરીઓના કર્મચારીઓએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. ત્યારબાદ નોટિફાઈડ એરિયાની ફાયર ટીમ અને ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર જવાનોએ ચારેય બાજુથી પાણીનો સતત મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.
આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગને ભારે મહેનત કરવી પડી હતી. લગભગ એક કલાક સુધી સતત કામગીરી કર્યા બાદ આખરે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. જોકે આગને કારણે આસપાસના વિસ્તારમાં ભારે ધુમાડો ફેલાયો હતો, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું. આ સમગ્ર ઘટના દરમિયાન નોટિફાઈ ફાયર કંટ્રોલરૂમની કામગીરીને લઈને પણ અનેક સવાલો ઊભા થયા છે. સ્થાનિક લોકો અને કેટલાક કર્મચારીઓનો આરોપ છે કે ફાયર કંટ્રોલરૂમમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે ચાર વખત ફોન કર્યા બાદ એક વખત કોલ રિસીવ થયો હતો. આવી પરિસ્થિતિમાં ઇમરજન્સી સમયે સમયસર મદદ મળવામાં વિલંબ થવાની શક્યતા વધી જાય છે.
સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે નોટિફાઈડ ફાયર સ્ટેશન અને તેના અધિકારીઓ વચ્ચે યોગ્ય સંકલનનો અભાવ જોવા મળી રહ્યો છે. જો કે, આ દાવાઓ અંગે સંબંધિત તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. તેથી આ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટના બાદ વધુ એક ચર્ચાએ પણ જોર પકડ્યું છે. કેટલાક લોકોનું કહેવું છે કે સચિન GIDCમાં આવેલી મોટી કંપનીઓમાં લાગતી આગની કેટલીક ઘટનાઓને જાહેર ન કરવા અથવા ઓછી મહત્વની બતાવવાના પ્રયાસો કરવામાં આવે છે. જોકે આ મુદ્દે પણ કોઈ સત્તાવાર પુરાવા કે તંત્રની પુષ્ટિ સામે આવી નથી. ફાયર વિભાગના જવાનોએ આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવ્યો હતો. પ્લાસ્ટિક અને અન્ય જ્વલનશીલ સામગ્રીને કારણે આગ વારંવાર ફરી સળગી ઊઠતી હતી, પરંતુ સતત પ્રયાસો બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
તાજેતરમાં સુરતના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં આગની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. જેના કારણે ફાયર સેફ્ટી વ્યવસ્થા, ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ અને કંટ્રોલરૂમની કામગીરી અંગે પણ સવાલો ઉઠી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે આવા ઔદ્યોગિક વિસ્તારોમાં ફાયર સેફ્ટીના નિયમોનું કડક પાલન, કચરાના યોગ્ય નિકાલની વ્યવસ્થા અને ઝડપી ઇમરજન્સી પ્રતિસાદ વ્યવસ્થા ખૂબ જરૂરી છે. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને સંબંધિત વિભાગો આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ કરી રહ્યા છે. જો તપાસમાં કોઈ બેદરકારી સામે આવશે તો તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.