India

નંબર બ્લોક કરતાં પ્રેમિકાનું અપહરણ,પછી કારમાં છરીથી હુમલો અને બોમ્બ બ્લાસ્ટ,બ્રેકઅપ બાદ પ્રેમીએ રચી ખૌફ નાક સાજિશ

કર્ણાટકના તુમકુરુમાં પ્રેમસંબંધના અંત બાદ બનેલી હચમચાવી દેતી ઘટના; યુવતી બચી ગઈ જ્યારે આરોપી કારમાં થયેલા વિસ્ફોટમાં જીવતો સળગી ગયો

કર્ણાટકના તુમકુરુ જિલ્લામાં પ્રેમસંબંધના અંત બાદ એક યુવકે પોતાની પૂર્વ પ્રેમિકા સામે એવી ખૌફનાક સાજિશ રચી કે સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે. યુવતીએ તેનો નંબર બ્લોક કરી દીધા બાદ આરોપી ગુસ્સે ભરાઈ ગયો હતો. તેણે યુવતીનું અપહરણ કર્યું, કારમાં બેસાડી ભાગી ગયો, રસ્તામાં તેના પર છરીથી હુમલો કર્યો અને અંતે કારમાં વિસ્ફોટ થયો, જેમાં આરોપી જીવતો સળગી ગયો જ્યારે યુવતી ગંભીર રીતે ઘાયલ હાલતમાં બચી ગઈ. પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા અનુસાર મૃતકની ઓળખ 30 વર્ષીય નાગેન્દ્ર તરીકે થઈ છે. જ્યારે ઘાયલ યુવતી ઉત્તર કન્નડ જિલ્લાના રહેવાસી છે અને બેંગલુરુની સંજય ગાંધી હોસ્પિટલમાં ઓપરેશન થિયેટર ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે. બંને વચ્ચે અગાઉ પ્રેમસંબંધ હતો, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં તણાવ વધ્યો હતો. યુવતીએ લગ્ન કરવાની ના પાડી હતી અને આરોપીનો મોબાઇલ નંબર પણ બ્લોક કરી દીધો હતો.તપાસમાં સામે આવ્યું છે કે આરોપી યુવતીને ફરીથી સંબંધમાં આવવા માટે સતત દબાણ કરી રહ્યો હતો. અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ જતા તેણે બદલો લેવાનો નિર્ણય કર્યો. ઘટનાના દિવસે તેણે કોઈ બહાને યુવતીને મળવા બોલાવી હતી. ત્યારબાદ તેને જબરદસ્તી કારમાં બેસાડી લઈ ગયો અને હાઈવે તરફ નીકળી ગયો.

કારમાં બંને વચ્ચે ફરી એકવાર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આરોપીએ યુવતીને લગ્ન કરવા માટે દબાણ કર્યું, પરંતુ યુવતીએ ફરીથી ઇનકાર કર્યો. પોલીસના પ્રાથમિક તારણો મુજબ આ બાદ આરોપીએ પોતાના પાસે રાખેલી છરી કાઢી યુવતી પર હુમલો કર્યો. યુવતીને ગંભીર ઇજાઓ પહોંચી છતાં તેણે હિંમત ન હારી અને પોતાની જાતને બચાવવાનો પ્રયાસ કર્યો.આ દરમિયાન આરોપીએ પોતાના ખિસ્સામાંથી દેશી બોમ્બ જેવા વિસ્ફોટક બહાર કાઢ્યા હતા. સાક્ષીઓ અને પોલીસના જણાવ્યા પ્રમાણે તેણે યુવતીને કહ્યું કે,”જો તું મારી નહીં બની શકે તો આપણે બંને સાથે મરી જઈએ. થોડા જ ક્ષણોમાં કારની અંદર જોરદાર વિસ્ફોટ થયો અને કારમાં આગ ભભૂકી ઊઠી.

વિસ્ફોટ થતા જ યુવતીએ પોતાની જાન બચાવવા માટે સળગતી કારમાંથી બહાર કૂદી પડી. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં તેણે રસ્તા પરથી પસાર થતા લોકોને મદદ માટે બૂમો પાડી. સ્થાનિક લોકોએ તરત જ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરી. બીજી તરફ કારમાં ફસાયેલો આરોપી બહાર નીકળી શક્યો નહોતો અને આગમાં જીવતો સળગી ગયો.ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. જો કે કારમાંથી આરોપીનો સળગેલો મૃતદેહ મળી આવ્યો હતો. યુવતીને તાત્કાલિક તુમકુરુ જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ તેની સ્થિતિ સ્થિર છે.

ઘટનાસ્થળેથી પોલીસે કારના અવશેષો, વિસ્ફોટક સામગ્રીના ટુકડાઓ અને અન્ય મહત્વના પુરાવા કબજે કર્યા છે. ફોરેન્સિક નિષ્ણાતોની ટીમે સ્થળ પરથી નમૂનાઓ એકત્ર કર્યા છે. પોલીસ હાલ એ તપાસી રહી છે કે આરોપી પાસે દેશી બોમ્બ ક્યાંથી આવ્યા અને તેણે આ હુમલાની યોજના કેટલા સમય પહેલાં બનાવી હતી.તપાસમાં એ પણ જાણવા મળી રહ્યું છે કે આરોપી છેલ્લા કેટલાક સમયથી યુવતીનો પીછો કરી રહ્યો હતો. યુવતીએ સંબંધ સંપૂર્ણપણે તોડી નાખ્યા બાદ પણ તે સતત સંપર્ક કરવાનો પ્રયાસ કરતો હતો. નંબર બ્લોક થતાં તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો અને આખરે અપહરણ તથા હત્યાના પ્રયાસ જેવી ગંભીર ઘટનાને અંજામ આપ્યો હોવાનું પોલીસનું માનવું છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ સમગ્ર ઘટના પૂર્વયોજિત હોવાની શક્યતા છે. આરોપી છરી અને દેશી વિસ્ફોટકો સાથે આવ્યો હતો, જેના કારણે શરૂઆતથી જ કોઈ મોટી દુર્ઘટના સર્જવાનો તેનો ઈરાદો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વિસ્ફોટ અકસ્માત હતો કે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો હતો તે અંગે પણ ફોરેન્સિક તપાસ ચાલી રહી છે.આ ઘટનાએ ફરી એકવાર બ્રેકઅપ બાદ વધતી હિંસક માનસિકતા અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સંબંધ તૂટ્યા બાદ બદલો લેવા અથવા દબાણ કરીને સંબંધ ચાલુ રાખવા જેવી માનસિકતા કેટલી ભયાનક બની શકે તેનું આ કિસ્સો જીવંત ઉદાહરણ માનવામાં આવી રહ્યો છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે આવી પરિસ્થિતિમાં ધમકીઓ મળે તો તરત જ પોલીસનો સંપર્ક કરવો જોઈએ જેથી સમયસર કાર્યવાહી થઈ શકે.

પોલીસે અપહરણ, હત્યાના પ્રયાસ, વિસ્ફોટક પદાર્થોના ઉપયોગ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપીનું ઘટનાસ્થળે જ મોત થતાં હવે તપાસનો મુખ્ય ફોકસ વિસ્ફોટકોના સ્ત્રોત, ઘટનાની સંપૂર્ણ યોજના અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે નહીં તેના પર કેન્દ્રિત છે. તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગતો જાહેર કરવામાં આવશે.

Most Popular

To Top