National

ઉબકા આવે છે’ કહી ટેક્સી રોકાવી…પછી થાણેના ગુજરાતી ઉદ્યોગપતિએ બાંદ્રા-વર્લી સી લિંક પરથી દરિયામાં ઝંપલાવ્યું

મુંબઈના બાંદ્રા-વર્લી સી લિંક પર શુક્રવારે એક દુઃખદ ઘટના બની હતી. મૂળ ગુજરાતના અને હાલ થાણેમાં રહેતા 51 વર્ષીય બિઝનેસમેન ભાવેશ નવીનચંદ્ર મજીઠીયાએ સી લિંક પરથી દરિયામાં ઝંપલાવી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી તેમના પરિવારજનો અને ઓળખીતાઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પ્રાથમિક તપાસમાં પોલીસને શંકા છે કે આ પગલું પાછળ નાણાકીય તણાવ જવાબદાર હોઈ શકે છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે અને તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવી રહી છે. માહિતી અનુસાર, ભાવેશ મજીઠીયા શુક્રવારે ટેક્સીમાં મુસાફરી કરી રહ્યા હતા. બાંદ્રા-વર્લી સી લિંક પર પહોંચ્યા બાદ તેમણે ટેક્સી ચાલકને કહ્યું કે તેમને ઉબકા આવી રહ્યા છે અને વાહન થોડું રોકવામાં આવે. ટેક્સી ડ્રાઇવરે તેમની વાત માનીને રસ્તાની બાજુમાં વાહન ઊભું રાખ્યું.

ટેક્સી અટકતાં જ ભાવેશ મજીઠીયા ગાડીમાંથી બહાર નીકળ્યા અને કોઈને કંઈ સમજાય તે પહેલાં સીધા દરિયામાં કૂદી પડ્યા. આ ઘટના એટલી ઝડપથી બની કે ટેક્સી ચાલકને તેમને રોકવાની તક પણ મળી નહોતી. ઘટના બાદ ટેક્સી ચાલકે તરત જ ફરજ પર હાજર પોલીસ કર્મચારીઓને જાણ કરી હતી. માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ, કોસ્ટ ગાર્ડ અને રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. દરિયામાં શોધખોળ માટે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, દરિયામાં મોજાં અને ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ આવી હતી. ભારે પ્રયાસો બાદ રેસ્ક્યૂ ટીમે દરિયામાંથી ભાવેશ મજીઠીયાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. વર્લી પોલીસ સ્ટેશનમાં આકસ્મિક મૃત્યુ (ADR) નો ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ પરિવારજનો અને નજીકના લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે જેથી ઘટનાનું સાચું કારણ જાણી શકાય. પોલીસ હાલ તેમના વ્યવસાય, આર્થિક સ્થિતિ અને છેલ્લા કેટલાક દિવસોની પ્રવૃત્તિની પણ તપાસ કરી રહી છે. જો કોઈ સુસાઇડ નોટ અથવા અન્ય મહત્વના પુરાવા મળશે તો તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પ્રાથમિક તપાસમાં નાણાકીય તણાવની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, પરંતુ પોલીસનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થશે. હાલ આ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top