લીકેજ લાઇન રિપેર કરવાની રજૂઆત બાદ ફરિયાદીને મારપીટ અને જીવથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ
સરપંચ સહિત ચાર સામે BNS અને GP એક્ટ હેઠળ ગુનો નોંધાયો; ઘટનાએ તાલુકામાં ચર્ચા જગાવી
પ્રતિનિધિ, ડભોઇ
ડભોઇ તાલુકાના મંડાળા ગામમાં પાણીની લીકેજ લાઇન અંગે ફરિયાદ કરવી એક વ્યક્તિને ભારે પડી હોવાનું સામે આવ્યું છે. મનરાજ માતાજીના મંદિર તરફ જવાના માર્ગ પર આવેલી પાણીની લીકેજ લાઇનનું સમારકામ કરાવવા માટે હરેશભાઈ નાગજી પટેલે ગામના સરપંચ અલ્પેશ મંગળ તડવીને રજૂઆત કરી હતી.
આક્ષેપ મુજબ, રજૂઆત બાદ સરપંચ અલ્પેશ મંગળ તડવી તથા અન્ય લોકોએ ફરિયાદીને અશ્લીલ ગાળો આપી જમીન પર પાડી ગડદાપાટુનો માર માર્યો હતો. એટલું જ નહીં, “અમારી સાથે માથાકૂટ કરશો તો જીવતા નહીં છોડીએ” તેવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ મામલે હરેશભાઈ નાગજી પટેલની ફરિયાદના આધારે દશરથ ઉર્ફે કાળિયો વિનુભાઈ તડવી, અલ્પેશ મંગળ તડવી, સુભાષ ચતુર તડવી અને નિતિશ તડવી સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)–2023ની કલમ 118(1), 115(2), 296(બી), 351(3), 54 તેમજ જી.પી. એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
ઘટનાની તપાસ પી.એસ.આઈ. એલ. એચ. ગોહિલ દ્વારા હાથ ધરવામાં આવી છે. નાનકડા મંડાળા ગામમાં પાણીની લીકેજને લઈને થયેલી આ મારામારીની ઘટના સમગ્ર ડભોઇ તાલુકામાં ચર્ચાનો વિષય બની છે.
રિપોર્ટર: દીપક જોશી