India

પ્રણિત મોરે-સેજલ પવાર વિવાદે મચાવ્યો તોફાન

વાયરલ વીડિયોથી સોશિયલ મીડિયા પર ભારે બખેડો, FIR સુધી પહોંચી વાત

સ્ટેન્ડ-અપ કોમેડિયન Pranit More અને ડૉક્ટર Sejal Pawar છેલ્લા કેટલાક દિવસોથી ભારે વિવાદમાં સપડાયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક જૂના કોમેડી શોના વીડિયોને કારણે બંને સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલો એટલો ગંભીર બન્યો કે મહારાષ્ટ્ર સાયબર વિભાગે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી અને FIR પણ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી અનુસાર, પ્રણિત મોરેના એક સ્ટેન્ડ-અપ શો દરમિયાન ઓડિયન્સ ઇન્ટરએક્શન દરમિયાન સેજલ પવારે મેડિકલ અભ્યાસ દરમિયાન મૃતદેહો (કેડેવર) અંગે કરેલી ટિપ્પણીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. જે બાદ ટિપ્પણીઓને ઘણા લોકોએ અસંવેદનશીલ અને અયોગ્ય ગણાવી હતી. વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી અને સેજલ પવારની ટીકા કરવામાં આવી હતી.

વિવાદ વધતા સેજલ પવારે જાહેર માફી પણ માંગી હતી. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેમના શબ્દોનો ખોટો અર્થ નીકળી શકે છે અને તેઓ પોતાની ટિપ્પણીઓ માટે જવાબદારી સ્વીકારે છે. તેમણે પોતાને“અપરિપક્વ” ગણાવતા લોકોને થયેલી લાગણી દુભાઈ હોય તો દિલગીર હોવાનું જણાવ્યું હતું.આ સમગ્ર વિવાદની શરૂઆત પ્રણિતમોરેના શોમાંથી વાયરલ થયેલા અન્ય એક “₹370 બિરયાની” ટિપ્પણીના મુદ્દાથી થઈ હતી. તે મુદ્દે પહેલેથી જ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા ચાલી રહી હતી. ત્યારબાદ સેજલ પવારનો વીડિયો સામે આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો. અનેક સોશિયલ મીડિયા યુઝર્સે કોમેડીના નામે કરવામાં આવતી કેટલીક ટિપ્પણીઓની મર્યાદા અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા.

મહારાષ્ટ્ર સાયબર પોલીસે આ સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈને પ્રણિત મોરે, સેજલ પવાર, હિમાંશુ જાંગરા સહિત અન્ય લોકો સામે અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો ગુનો નોંધ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તપાસ માટે સંબંધિત લોકોને પૂછપરછ માટે હાજર રહેવા નોટિસ પણ પાઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આ દરમિયાન મુંબઈના મેયર Ritu Tawdeએ પણ નિવેદન આપીને કહ્યું હતું કે મનોરંજનના નામે અશ્લીલ ,અપમાનજનક નિવેદનો કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં નહીં આવે અને આવા મામલાઓમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિવાદ વચ્ચે સેજલ પવારને લઈને અન્ય કેટલાક જૂના વીડિયો અને દાવાઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કેટલાક વાયરલ ક્લિપ્સમાં તેમણે પોતાના મેડિકલ કોલેજના ફેકલ્ટી અને સહાધ્યાયીઓ અંગે કરેલી ટિપ્પણીઓ પણ ચર્ચાનો વિષય બની હતી. જોકે આ તમામ મુદ્દાઓ અંગે સત્તાવાર રીતે કોઈ અંતિમ નિષ્કર્ષ જાહેર કરવામાં આવ્યો નથી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોકો વચ્ચે આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક લોકો કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જ્યારે કેટલાકનું માનવું છે કે કોમેડી અને વ્યક્તિગત ભૂલો વચ્ચે સંતુલિત દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ. વિવિધ ઓનલાઈન ચર્ચાઓમાં પણ આ વિવાદ વ્યાપક રીતે ચર્ચાઈ રહ્યો છે.

વિવાદ વધતા સેજલ પવારનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ અચાનક અદૃશ્ય થઈ ગયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે તેમનું પ્રોફાઇલ હવે ઉપલબ્ધ નથી, જેના કારણે વધુ અટકળો શરૂ થઈ ગઈ હતી. જો કે હાલ સમગ્ર મામલે સાયબર પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. તપાસ પૂર્ણ થયા બાદ જ કાયદાકીય રીતે શું કાર્યવાહી થશે તે સ્પષ્ટ થઈ શકશે. પરંતુ એક વાયરલ વીડિયોએ પ્રણિત મોરે અને સેજલ પવારને દેશવ્યાપી ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે અને કોમેડીની મર્યાદાઓ અંગે ફરી એકવાર મોટી ચર્ચા શરૂ કરી દીધી છે.

Most Popular

To Top