એક ગામમાં એક ઝેન માસ્ટર રહેતા હતા. એક સ્ત્રી તેમની પાસે આવી અને કહ્યું, ‘માસ્ટર,મારું જીવન દુઃખથી ભરેલું છે.ક્યાંય મને આનંદ કે સુખ મળતું નથી.મને ગમે તેવું જીવનમાં કંઈ થતું નથી. કોઈ મને પ્રેમ કરતું નથી, કોઈને મારી કદર નથી….. ’ આવું ઘણું ઘણું તેણે કહ્યું. તેની ફરિયાદો લાંબીલચક હતી. માસ્ટરે તેને શાંતિથી સાંભળી અને પછી તેઓ ઊભા થયા અને અંદરના ઓરડામાં જઈને હાથમાં એક અરીસો લઈને પાછા આવ્યા અને અરીસો પેલી સ્ત્રીના હાથમાં આપ્યો અને કહ્યું, ‘આ અરીસામાં જુઓ.’ સ્ત્રીએ અરીસામાં જોયું. તેને પોતાની છાયા દેખાઈ. માસ્ટરે કહ્યું, ‘તારું દુઃખ આ અરીસામાં દેખાતી તારી છાયા જેવું છે. તે વાસ્તવિક નથી.’
સ્ત્રીએ પૂછ્યું, ‘એટલે? મારા જીવનમાં દુઃખ ભલે છાયા જેવું હોય પણ છે તો હું શું કરું?’ માસ્ટરે કહ્યું, ‘અરીસાને સાફ કરીએ તો છાયા બરાબર દેખાય તેમ તારા મનને સાફ કર. કદાચ દુઃખની દેખાતી છાયામાં કૈંક બદલાવ આવે.’ સ્ત્રીએ કહ્યું, ‘આ અરીસો તો હમણાં એક કપડાથી સાફ થઈ જશે પણ મનને સાફ કરવા શું કરું?’ માસ્ટર બોલ્યા, ‘તારા મનને ગમે તે કર…મનગમતી પ્રવૃત્તિ કર.’
સ્ત્રીએ થોડી વાર વિચાર્યું પછી તેણે મનગમતી પ્રવૃત્તિઓ લખી અને દરરોજ કરવાનું શરૂ કર્યું. સૌથી પહેલાં તેણે દરરોજ ધ્યાન કરવાનું શરૂ કર્યું. તે બગીચામાં કામ કરતી, પક્ષીઓને જોતી, ફૂલોના રંગોને જોઇને આનંદિત થતી. ધીરે ધીરે તેના મનના ખોટા વિચારો ઓછા થયા. એક દિવસ તેણે જોયું કે તેના મનમાં આજે કોઈના પ્રત્યે ફરિયાદ નથી અને એટલે કોઈ દુઃખનો અનુભવ થતો નથી.તે માસ્તરનો આભાર માનવા તેમની પાસે દોડી ગઈ અને બધી વાત કરી.
માસ્ટરે તેને કહ્યું, ‘આપણું જીવન એક અરીસો છે. જે તું વિચારે છે ,વાગોળે છે તે જ પ્રતિબિંબિત થાય છે.તું વિચારતી હતી તું દુઃખી છે કે સતત બીજા તને દુઃખી કરે છે તેવી ફરિયાદ કરતી હતી એટલે તારા જીવનના અરીસામાં તે જ પ્રતિબિંબિત થતું હતું. તું સમજ કે ક્રોધ, ઈર્ષ્યા, ફરિયાદ બધું મનનું સર્જન છે અને દુઃખ આપણા વિચારોનું પરિણામ છે.તેં મનને મનગમતી પ્રવૃત્તિમાં વાળ્યું એટલે ખોટા વિચારો છૂટી ગયા, દુઃખના વિચારો ગાયબ થઈ ગયા અને આનંદ મળ્યો.’ માસ્ટરે મનને સાફ રાખવાની રીત અને સમજ આપી સ્ત્રીના જીવનને બદલી નાખ્યું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.