Charchapatra

અધિકારીઓની લાંચખોરી અને જનતાની વ્યથા

લાંચ લઈને નહીં પકડાતા અધિકારીઓની સંખ્યા ખૂબ જ મોટી હશે એવી ધારણા છે. આવા લાંચિયા અધિકારીઓને પરિણામે રાષ્ટ્રની ઇમેજ તો બગડે જ છે સાથે સાથે રાષ્ટ્રના વિકાસને પણ બ્રેક લાગે છે કારણ કે લાંચખોરી એ વિકાસના માર્ગમાં અવરોધ પેદા કરે છે. પ્રજાને નિયમો બતાવીને કોઈપણ કામને ટલ્લે ચડાવવામાં આવે છે, પરંતુ જો ટેબલ નીચેનો વહીવટ કરવામાં આવે તો નિયમોની ઐસી કી તૈસી એ જ અધિકારીઓ કરતા હોય છે. જેમની કોઈ ઓળખાણ નહીં હોય તેવા ગરીબોને ધક્કા ખવડાવીને આવા અધિકારીઓ એમની આંખોમાં દુઃખના આંસુ લાવી દે છે. દેશના નાગરિકને પોતાના અધિકારના કામ માટે પણ લાંચ આપવી પડે એ શરમની વાત છે.

મોંઘવારીમાં પીસાતા ગરીબ અને સામાન્ય માણસ માટે લાંચ આપીને પોતાનું સાચું કામ પણ કરાવવું શક્ય નથી હોતું. જો કાયદાનો કડક અમલ કરવામાં આવે તો જ લાંચખોરી પર અંકુશ આવી શકે છે. કર્મચારીઓ જ્યારે પોતાને મળેલ પદનો ઉપયોગ જન સેવા કરવાને બદલે પદનો દુરુપયોગ કરે છે ત્યારે ખરેખર ખૂબ જ દુઃખ થાય છે. લાંચખોરી એ દેશના વિકાસનો સૌથી મોટો દુશ્મન છે. આપણા ભારત દેશના વિકાસ માટે અને વિશ્વમાં આપણા દેશની છબી ઉજળી દેખાય તે માટે પ્રમાણિક અને જવાબદાર વહીવટીતંત્રની આવશ્યકતા છે. અધિકારીઓ જ્યારે પોતાને મળેલી સત્તાને કમાણીનું સાધન માને છે ત્યારે પ્રજાને  પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એવી દલીલ કરવામાં આવે છે કે નાગરિકોએ લાંચ આપવાનો ઇન્કાર કરવો જોઈએ પરંતુ સત્તા આગળ શાણપણ વ્યર્થ બની જાય છે.
નવસારી  – ડૉ. જે. એમ. નાયક – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top