રાજસ્થાન-ગુજરાત મેચ પર Esar247.com મારફતે રમાતો હતો સટ્ટો
મોબાઈલમાંથી હજારો રૂપિયાનું બેલેન્સ અને ક્રેડિટ પોઈન્ટ્સ મળ્યા, નેટવર્કની તપાસ શરૂ
(પ્રતિનિધિ) વડોદરા, તા.30
IPL ટી-20 ટુર્નામેન્ટની ફાઇનલ સ્ટેજ દરમિયાન શહેરમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાબાજી સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. માંજલપુર પોલીસે વડસર ગામની ગૌશાળા પાછળ આવેલા ખુલ્લા મેદાનમાંથી એક શખ્સને ઓનલાઈન ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી પાડ્યો છે. સાથે જ સમગ્ર ઓનલાઈન સટ્ટા નેટવર્ક અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ટીમે વડસર ગામના ગોચર વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન હરેશ બટુકભાઈ ઠક્કર (રહે. કાન્હા હાઇટ્સ, સોમાતળાવ ચાર રસ્તા નજીક, વડોદરા) મોબાઈલ ફોન મારફતે રાજસ્થાન અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી IPL મેચ પર ઓનલાઈન સટ્ટાબાજી કરતો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે મોબાઈલ ફોનની તપાસ કરતાં Esar247.com વેબસાઇટ પર ‘Rudrab443’ નામની આઈડી સક્રિય હાલતમાં મળી આવી હતી. આ આઈડીમાં રૂ.47,800નું બેલેન્સ તેમજ 50,300 ક્રેડિટ પોઈન્ટ્સ હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે જરૂરી સ્ક્રીનશોટ મેળવી મોબાઈલ કબજે કર્યો છે અને આરોપી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના નેટવર્કની કડીઓ શોધવા તપાસ શરૂ કરવામાં આવી છે.