સરકારી ગાડી અને કાફલાને નકારી સાદગીનો સંદેશ, પ્રથમ નાગરિકના અંદાજે જીત્યાં લોકોનાં દિલ
‘ઘર નજીક છે, એટલે એક્ટિવા પર જ આવું છું’ — મેયર ગીતાબેન મકવાણાનું સરળ અને સ્પષ્ટ નિવેદન
(પ્રતિનિધિ) વડોદરા
સામાન્ય રીતે રાજકીય ક્ષેત્રમાં કોઈ મોટું પદ પ્રાપ્ત થતાં જ નેતાઓ વૈભવી વાહનો અને વીવીઆઈપી સંસ્કૃતિ તરફ વળતા જોવા મળે છે. જોકે સંસ્કારી નગરી વડોદરાના નવનિયુક્ત મેયર ગીતાબેન મકવાણાએ પદભાર સંભાળતાની સાથે જ સાદગી અને જનસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
વડોદરાના નવા મેયર તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ગીતાબેન મકવાણા જ્યારે પ્રથમ વખત વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ પહોંચ્યા ત્યારે તેઓ કોઈ સરકારી લક્ઝુરિયસ કાર કે સુરક્ષા કાફલા સાથે નહીં, પરંતુ પોતાના પતિ સાથે એક્ટિવા પર સવાર થઈને કચેરીએ પહોંચ્યા હતા. મેયરના આ સાદગીભર્યા આગમનથી હાજર લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
કોઈપણ પ્રકારની વીવીઆઈપી સુવિધા કે દેખાડાથી દૂર રહીને સામાન્ય નાગરિકની જેમ કચેરીએ પહોંચેલા મહિલા મેયરની આ સાદગી શહેરભરમાં ચર્ચાનો વિષય બની છે. આ અંગે પૂછતાં ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે તેમનું નિવાસસ્થાન પાલિકા કચેરીની નજીક હોવાથી તેઓ ભવિષ્યમાં પણ મોટાભાગે એક્ટિવા પર જ આવન-જાવન કરશે.
સરકારી સંસાધનોનો બિનજરૂરી ઉપયોગ ટાળવાનો તેમનો આ નિર્ણય નાગરિકોમાં પ્રશંસાનો વિષય બન્યો છે. વડોદરાના પ્રથમ નાગરિક તરીકે તેમણે પોતાના વર્તન અને સાદગીથી એ સંદેશ આપ્યો છે કે જાહેર જીવનમાં સેવા, સરળતા અને જવાબદારી વધુ મહત્વની છે. શહેરના લોકો પણ આશા વ્યક્ત કરી રહ્યા છે કે તેમની આ સાદગી આગામી સમયમાં શહેરના વિકાસ અને વહીવટમાં નવી દિશા અને નવી ઊર્જા લાવશે.