Charotar

આસોદર ગામના તળાવમાં ડૂબી જતાં 40 વર્ષીય આધેડનું કરુણ મોત, ગામમાં શોકની લાગણી

વહેલી સવારે મળેલી જાણ બાદ આણંદ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ

અંડર વોટર કેમેરા, બોટ અને 10 સભ્યોની રેસ્ક્યુ ટીમની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો

(પ્રતિનિધિ) આંકલાવ

આંકલાવ તાલુકાના આસોદર ગામના કરનેટપુરા વિસ્તારમાં આવેલા તળાવમાં એક વ્યક્તિ ડૂબી જવાની દુખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં 40 વર્ષીય આધેડનું મોત નીપજતાં સમગ્ર ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આધુનિક સાધનોની મદદથી સઘન શોધખોળ હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, 29 મેના રોજ વહેલી સવારે આશરે 6 વાગ્યે આંકલાવ પોલીસ સ્ટેશન દ્વારા કરમસદ-આણંદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી કે આસોદર ગામના કરનેટપુરા વિસ્તારમાં આવેલા તળાવમાં એક વ્યક્તિ ડૂબી ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ફાયર ઓફિસર ધર્મેશ ગોરના માર્ગદર્શન હેઠળ આણંદ ફાયર બ્રિગેડની 10 સભ્યોની વિશેષ રેસ્ક્યુ ટીમને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી.

‘યોધ્ધા’ રેસ્ક્યુ વાહન, બોટ અને અત્યાધુનિક ‘વોટર અંડર રિસર્ચ કેમેરા’ સહિતના સાધનો સાથે પહોંચેલી ટીમે તળાવમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. ભારે જહેમત બાદ ટીમને સફળતા મળી હતી અને ડૂબી ગયેલા વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ જયંતીભાઈ જેણાભાઈ ગોહેલ (ઉંમર 40 વર્ષ), રહેવાસી કરનેટપુરા, આસોદર તરીકે થઈ હતી. મૃતદેહને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો હતો. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોક અને અરેરાટીનો માહોલ છવાઈ ગયો છે.

Most Popular

To Top