Comments

આર્થિક નાદારી સાંભળી છે, પણ જળ-નાદારી હવે સર્વવ્યાપી છે

‘નાદારી’(બેન્કરપ્સી) શબ્દથી ભાગ્યે જ કોઈ અજાણ હશે. મુખ્યત્વે આર્થિક બાબત માટે વપરાતા આ શબ્દનો સાદો અર્થ થાય, ‘દેવું ચૂકવવા માટે અસમર્થ હોય એવી સ્થિતિ અને તેની વિધિસર જાહેરાત.’ તેની કાનૂની વ્યાખ્યા અને અર્થઘટનમાં જવાની જરૂર નથી, કેમ કે, અહીં આ શબ્દનો સંદર્ભ અન્ય બાબતે છે. ‘યુનાઈટેડ નેશન્‍સ યુનિવર્સિટી ફોર વોટર, એન્‍વાયર્ન્મેન્ટ એન્ડ હેલ્થ’ના ડાયરેક્ટર કાવેહ મદાનીએ એક અહેવાલ તૈયાર કર્યો છે, જે ચર્ચામાં છે. આ અહેવાલનું શીર્ષક છે ‘ગ્લોબલ વૉટર બેન્‍કરપ્સી રિપોર્ટ’. આ અહેવાલ જળસંકટને જરા જુદી રીતે સમજાવે છે. મદાનીએ ‘વૉટર બેન્‍કરપ્સી’ જેવો શબ્દ પ્રયોજ્યો છે, જેને ગુજરાતીમાં ‘જળ-નાદારી’ કહી શકાય. આ શબ્દ કાને પડતાં એમ લાગે કે પાણીના ઉપલબ્ધ જથ્થા અને તેની માંગ અથવા ઉપયોગ વચ્ચે જે અસંતુલન છે તેની વાત હશે.

આથી પહેલાં તો એ સમજી લેવાની જરૂર છે કે જળસંકટ અને જળનાદારી બન્ને સાવ અલગ બાબતો છે. જળસંકટ એક એવી સ્થિતિ છે જે પ્રાકૃતિક અછત, અત્યધિક ઉપયોગ, કે માળખાકીય સુવિધાના અભાવને કારણે પેદા થઈ શકે. આવી સ્થિતિ અસામાન્ય ગણાય, પણ તેમાં એટલું આશ્વાસન હોય છે કે એ સ્થિતિમાં ઘટાડાની યા સુધારાની શક્યતા હોય છે. આ અહેવાલમાં નિષ્ફળતાની એવી સ્થિતિ જણાવવામાં આવી છે કે જે જળસંકટ પછી પેદા થાય છે. એ પેદા થવાનું કારણ એ કે ક્યાંય સુધી આપણે જેટલું ઉપલબ્ધ હતું તેની સરખામણીએ ક્યાંય વધુ પાણીનો વપરાશ કરતાં રહ્યાં અને આપણી પર્યાવરણપ્રણાલીને નુકસાન પહોંચાડ્યું.

અહેવાલ અનુસાર આપણું ‘કરન્‍ટ અકાઉન્‍ટ’(ચાલુ ખાતું) એટલે કે નદીઓ, સરોવરો તેમજ અન્ય જળાશયો ખાલી થઈ ચૂક્યાં છે. જળવાયુ પરિવર્તન પાણીની આવકને ઘટાડી રહ્યું છે, કેમ કે, વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. આને લઈને આપણું ‘પ્રોપર્ટી અકાઉન્‍ટ’(સંપત્તિ ખાતું) એટલે કે ભૂગર્ભ જળ સૂકાઈ ગયું છે. બીજી તરફ ખેતી માટે, જીવનજરૂરિયાત માટે, ડેટા સેન્‍ટરો તેમજ પાવર પ્લાન્‍ટ માટે પાણીની માંગ ઊભી જ છે.

શરૂઆતમાં આપણે કરજ લઈને ચલાવીએ છીએ એટલે કે પ્રકૃતિનું દોહન કરીએ છીએ. પણ એ લાંબો સમય ચાલી શકતું નથી અને આખી પ્રણાલી ધીમે ધીમે ખતમ થવા લાગે છે. નદીઓ સંકોચાઈ જાય છે, પ્રદૂષિત થતી રહે છે, જળાશયો અને આર્દ્ર ભૂમિ સૂકાઈ જાય છે. ભૂસ્ખલન, રણીકરણ, ધૂળ અને રેતીની આંધી, દાવાનળ, જૈવવિવિધતાને નુકસાન તેમજ હિમનદીઓ પીગળવાને કારણે સર્જાતી પૂરની સ્થિતિ! આ નવી વાસ્તવિકતાઓ પેદા થતાં હવે જૂની શબ્દાવલિ પણ પુનર્વિચાર માગી લે છે.

અહેવાલમાં ઉલ્લેખાયા અનુસાર, ‘જળનાદારી’ સમજીએ તો આપણે નુકસાન ઘટાડી શકીએ છીએ, ભાવિ નુકસાનને અટકાવી શકીએ છીએ અને નવી વાસ્તવિકતાઓ અને મર્યાદાનો સ્વીકાર કરી શકીએ છીએ, જેના આધારે આપણે આપણી કાર્યપદ્ધતિને પણ નવેસરથી ગોઠવવી પડશે.એવો સવાલ જરૂર થાય કે શું જળનાદારી માટે વૈશ્વિક તાપમાન અને જળ વ્યવસ્થાપન બન્ને જવાબદાર છે? આ જાણવા માટે કેટલીક મૂળભૂત બાબતો સમજી લેવા જેવી છે. જળપ્રણાલી એકદમ સંકુલ હોય છે. તેમાં કારણ અને પરિણામનો સંબંધ સીધેસીધો અને સપ્રમાણ નથી હોતો. આથી એ નક્કી કરવું મુશ્કેલ છે કે કયા કારણની અસર કેટલી છે. જળવાયુ પરિવર્તનને કારણે ઘણા વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધિ ઘટી છે. વરસાદની તરાહ, માત્રા અને આવર્તન પણ બદલાયાં છે. હિમનદીઓ પીગળી છે અને જળચક્ર પણ અસરગ્રસ્ત થયું છે.

મોટા ભાગનાં બંધ જળાશયો આંતરરાષ્ટ્રીય જળસંધિના જૂના, ઐતિહાસિક આંકડાના આધારે બનાવાયાં હોવાથી હવે જળવાયુ પરિવર્તન, જમીનના હેતુફેર તેમજ અન્ય કારણોસર પ્રસ્તુત નથી રહ્યાં. અહેવાલમાં આમ જણાવાયું હોવાની સાથોસાથ એમ પણ કહેવાયું છે કે જળવાયુ પરિવર્તને એ બાબતો નક્કી નથી કરી કે ભારત, સાઉદી અરેબિયા કે અમેરિકામાં ખેતી કેટલી થશે કે આપણાં શહેરો ક્યાં બનશે. એ તો આપણે પોતે જ ઊભી કરેલી વ્યવસ્થા છે. નદીઓ અને આર્દ્ર ભૂમિનું સંકોચાવું એક પ્રકારે ‘પ્રતિસાદ અસર’ પેદા કરે છે. પ્રતિસાદ અસર એટલે કોઈ પણ કાર્યનાં પરિણામ કે પ્રતિભાવ દ્વારા મૂળ કાર્ય પર પડતી અસર. આમ, આવા એકમેક સાથે જોડાયેલા કારકોને આપણે ભૂલી જઈએ છીએ અને દોષનો ટોપલો જળવાયુ પરિવર્તન જેવા કોઈ એક જ પરિબળને માથે ઠાલવી દઈએ છીએ.

એટલે જળનાદારીનાં બે મુખ્ય કારણ છે. પહેલું તો પાણીની સુલભતાની સરખામણીએ તેની માંગ વધુ હોવી અને બીજું આ અસંતુલન લાંબા અરસા સુધી રહેવાને કારણે થયેલું કાયમી નુકસાન, જેને ભરપાઈ કરવું શક્ય નથી. સમસ્યા અતિ ગંભીર છે અને તેના ઉકેલ માટે ભૂગોળ તેમજ સામાજિક-આર્થિક પરિસ્થિતિનું વૈવિધ્ય સમજવું જરૂરી છે. પાણીની અછતને કારણે પેદા થતી તાણ અને તેની ગંભીરતાની પરિભાષા પ્રત્યેક સ્થળ અનુસાર અલગ અલગ હોઈ શકે છે. ભૂસ્ખલન થયું હોય એવા વિસ્તારોમાં પરિસ્થિતિ પૂર્વવત્ થઈ શકે એ શક્યતા દેખીતી રીતે મુશ્કેલ જણાય.

આખા અહેવાલનો સાર એટલો કે આપણે જળનાદારીથી ઊભી થયેલી ગંભીર સમસ્યાઓ બાબતે હજી વિચાર સુધ્ધાં કર્યો નથી. આ પરિસ્થિતિને લક્ષમાં લઈએ તો જળ વ્યવસ્થાપનનું સમૂળગું આયોજન નવા દૃષ્ટિકોણથી કરવાનું આવે. હજી ઘણાં માને છે કે પાણી પૈસાથી ખરીદી શકાય એમ છે અને પોતાની પાસે પૂરતાં નાણાં હશે તો વાંધો નહીં આવે. શું વિશ્વમાં કે શું આપણા દેશમાં, આ બાબતે કશું આયોજન થઈ રહ્યું છે કે કેમ એ ચિંતાનો વિષય છે. કેમ કે, એની પર વિચાર થાય, આયોજન ઘડાય અને એનો અમલ શરૂ થાય ત્યાં સુધીમાં જળ-નાદારી કઈ હદે પહોંચી ગઈ હશે એ વિચારે ધ્રુજારી છૂટે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top