Gujarat

ગુજરાત પ્રશાસનમાં મોટો ફેરફાર, રાજ્યના 35 વર્ગ-1ના અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ

મહેસૂલ વિભાગ દ્વારા મોડી રાત્રે સત્તાવાર યાદી જાહેર, 26 GAS અધિકારીઓની બદલી, જ્યારે 9 મામલતદારોને ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશન અપાયું

(પ્રતિનિધિ), વડોદરા. તા.28

રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને સુદ્રઢ બનાવવાના હેતુથી ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સચિવાલય ખાતેથી સંયુક્ત સચિવ સચિન પટવર્ધન દ્વારા જાહેર કરાયેલી સત્તાવાર અધિસૂચના અનુસાર, જાહેર હિતમાં ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1 ના કુલ 35 અધિકારીઓની બદલી અને બઢતી (પ્રમોશન) ના તાત્કાલિક અસરથી આદેશ કરવામાં આવ્યા છે.

આ આદેશ અંતર્ગત રાજ્યના 26 ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ, લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહેલા વર્ગ-2 સંવર્ગના 9 મામલતદારોને ‘ડીમ્ડ ડેટ’ના લાભ સાથે વર્ગ-1 (જુનિયર સ્કેલ) ડેપ્યુટી કલેક્ટર તરીકે હંગામી ધોરણે બઢતી આપી નવી જગ્યાઓ પર નિયુક્ત કરવામાં આવ્યા છે.

મહેસૂલ વિભાગના આદેશ અનુસાર, પે-મેટ્રિક્સ લેવલ-8 માં ફરજ બજાવતા 9 મામલતદારોને લેવલ-10 ના ડેપ્યુટી કલેક્ટરના હોદ્દા પર બઢતી આપવામાં આવી છે. સરકારના નિયમોનુસાર આ અધિકારીઓને નોશનલ પગારભથ્થા ગણવાના રહેશે અને ખરેખર હાજર થયા તારીખ સુધી કોઈ નાણાકીય એરિયર્સ ચૂકવવામાં આવશે નહીં.

બઢતી પામેલા અધિકારીઓની નવી નિયુક્તિની વિગત…

* ➡️ પી. એફ. પટેલ :- ચિટનીસ, વડોદરાથી બદલી કરીને ડેપ્યુટી કલેક્ટર (પ્રોટોકોલ), વડોદરા.
* ➡️ એસ. આર. બારીયા :- મામલતદાર, કથલાલથી પ્રમોશન આપીને SLAO, નડિયાદ (ખેડા).
* ➡️ એ. એન. શર્મા :- મામલતદાર, ભુજથી હવે ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી), મહેસાણા.
* ➡️ નરેન્દ્ર એસ. પરિતોષ :- મામલતદાર, ચોર્યાસીથી હવે SLAO-ONGC, અંકલેશ્વર (ભરૂચ).
* ➡️ કુમારી કે. પી. મોઢવાડિયા :- ચૂંટણી મામલતદાર, મહીસાગરથી ડેપ્યુટી કલેક્ટર (પ્રિ-સ્ક્રુટીની ઓફિસર), રાજકોટ.
* ➡️ પી. આર. સંગાડા :- મામલતદાર, ડભોઈથી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, આણંદ નગરપાલિકા.
* ➡️ પી. એસ. ભૂરિયા :- મામલતદાર, મહુધાથી ડેપ્યુટી કલેક્ટર (પ્રિ-સ્ક્રુટીની ઓફિસર), વડોદરા.
* ➡️ કુમારી ટી. સી. પટેલ :- મામલતદાર, નિઝરથી હવે ડેપ્યુટી કલેક્ટર-(2), વ્યારા (તાપી).
* ➡️ વાય. પી. ગઢવી :- મામલતદાર, જામખંભાળિયાથી પ્રમોશન સાથે ડેપ્યુટી કલેક્ટર-(2), દ્વારકા.

મહેસૂલ વિભાગે વહીવટી સરળતા ખાતર રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા 26 અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી છે. જેમાં અનેક જિલ્લાના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી અને જમીન સંપાદન અધિકારીઓનો સમાવેશ થાય છે.

મુખ્ય બદલીઓ આ મુજબ છે…

* ➡️ અમરેલીના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી મહેન્દ્ર એમ. દેસાઈ ની બદલી અમરેલીમાં જ ડેપ્યુટી કલેક્ટર (સ્ટેમ્પ ડ્યુટી) તરીકે કરાઈ છે.
* ➡️ દાહોદના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી હેતલ વસૈયા ની બદલી અમદાવાદ ખાતે સેકન્ડ SLAO તરીકે કરવામાં આવી છે.
* ➡️ પ્રતીક્ષામાં રહેલા સી. એ. રાવલ ની નિમણૂક કમિશનર (ગ્રામ વિકાસ) ની કચેરી, ગાંધીનગર ખાતે આસિસ્ટન્ટ કમિશનર તરીકે કરવામાં આવી છે.
* ➡️ સુરત શહેરના ચાર મામલતદારો ની પણ બદલી કરાઈ છે, જેમાં એલ. આર. ચૌધરી ને જિલ્લા પુરવઠા અધિકારી (ડાંગ) અને મનીષ પી. પટેલ ને ડેપ્યુટી કલેક્ટર-(2) રાજપીપળા (નર્મદા) તરીકે નિયુક્ત કરાયા છે.
* ➡️ વલસાડના પારડી ખાતે ફરજ બજાવતા મામલતદાર કે. એમ. રાણા ની બદલી વાપી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી છે.

સરકારના આ સામૂહિક બદલી-બઢતીના ઓર્ડરથી ખાસ કરીને સ્ટેમ્પ ડ્યુટી વિભાગ, જમીન સંપાદન અને નર્મદા પ્રોજેક્ટની કામગીરીમાં ખાલી પડેલી જગ્યાઓ ભરાશે, જેનાથી સરકારી પ્રોજેક્ટ્સને વધુ વેગ મળશે. તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી પોતાની નવી નિયુક્તિ વાળી જગ્યાઓ પર ચાર્જ સંભાળી લેવા માટે આદેશમાં તાકીદ કરવામાં આવી છે. આ બદલીઓની નકલ રાજ્યપાલના આદેશથી તમામ સંબંધિત કલેક્ટર કચેરીઓ, જિલ્લા તિજોરી અધિકારીઓ અને હિસાબી કચેરીઓને જરૂરી કાર્યવાહી અર્થે રવાના કરી દેવામાં આવી છે.

Most Popular

To Top