સનફાર્મા રોડ પરથી યુવકનુ અપહરણ કરી લૂંટ કરનાર અન્ય આરોપીની શોધખોળ
વડોદરા તા 27
વડોદરાના સનફાર્મા રોડ વિસ્તારમાં 20 વર્ષીય યુવકનું અપહરણ કરી તેની સાથે અમાનવીય વર્તન કરાયાનું ચોંકાવનારું પ્રકરણ સામે આવ્યું છે. યુવકને બળજબરીથી કારમાં બેસાડી અલગ-અલગ સ્થળે લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવકના કપડા ઉતારી તેનો નગ્ન વીડિયો પણ બનાવ્યો હોવાનો ગંભીર આક્ષેપ છે. સમગ્ર મામલે અટલાદરા પોલીસે ગુનો નોંધી ચાર આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.
સનફાર્મા રોડ વિસ્તારમાં આવેલા પાર્વતીનગરમાં રહેતા 20 વર્ષીય હેતરાજસિંહ બારીયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, લગભગ દસ મહિના પહેલા તેના મિત્ર શિવાંશ શુકલાનો મોબાઇલ ફોન નીલ સહાનીએ દાદાગીરી કરીને લઈ લીધો હતો. ત્યારબાદ હેતરાજસિંહે ઇન્સ્ટાગ્રામ મારફતે નીલ સહાનીનો સંપર્ક કરી ફોન પરત આપવા જણાવ્યું હતું. આ દરમિયાન પ્રતિકસિંહ રાજપુતે ફોન પર ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
7 જાન્યુઆરી 2025ની મધરાત્રિએ હેતરાજસિંહ પોતાના મિત્રના ઘરે જતો હતો ત્યારે વિનાયક હાઉસિંગ નજીક આકાશ થાપા અને મિશ્રા નામના શખ્સોએ તેને રોકી ઝઘડો કર્યો હતો. ત્યારબાદ બળજબરીપૂર્વક સ્કૂટર પર બેસાડી સનફાર્મા રોડ રિંગ રોડ પાસે ભારત પેટ્રોલ પંપ નજીક લઈ જવામાં આવ્યો હતો, જ્યાં નીલ સહાની, પ્રતિકસિંહ, મનોજ યાદવ અને તરુણ યાદવ હાજર હતા.
આક્ષેપ મુજબ, પ્રતિકસિંહે કારમાંથી લાકડાનો દંડો કાઢી હુમલો કર્યો હતો. બાદમાં યુવકને કારમાં બેસાડી બિલ કેનાલ રોડ તરફ લઈ જઈ માર મારવામાં આવ્યો હતો. આરોપીઓએ યુવકના કપડા ઉતારી તેનો નગ્ન વીડિયો બનાવ્યો હતો તેમજ મોબાઇલ ફોન અને પાકીટમાંથી રૂ.2 હજારની રોકડ રકમ પણ લૂંટી લીધી હોવાનો આક્ષેપ છે. ઘટનાની જાણ પરિવારને થતા હેતરાજસિંહ પોતાની માતા સાથે પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પીડિત યુવક હેતરાજસિંહે જણાવ્યું હતું કે એ લોકો મને ઉચકીને લઈ ગયા હતા અને ખૂબ માર્યો હતો. ઘણા છોકરાઓ હોવાથી હું ગભરાઈ ગયો હતો અને ગાડી નીચે છુપાઈ ગયો હતો. પછી તેઓએ મને બહાર કાઢી માર માર્યો હતો. ભારત પેટ્રોલ પંપ આગળ 15 જેટલા લોકો ભેગા હતા. મારા કપડા ઉતારીને માર માર્યો હતો. મારી એક જ માંગ છે કે મને ન્યાય અપાવો. મારી સાથે જે થયું, બીજા સાથે આવું ન થવું જોઈએ.
ACP એ.વી. કાટકડે જણાવ્યું હતું કે યુવકનું અપહરણ કર્યા બાદ નગ્ન કરી માર મારી વિડીયો બનાવવાના કેસમાં પોલીસ દ્વારા આરોપી પ્રતિકસિંહ રાજપુત, તરુણ યાદવ, આકાશ થાપા અને મનોજ યાદવની ધરપકડ કરવામાં આવી છે. ચારેય આરોપીઓ સામે વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.