ગાંધીનગર: સેન્ટર ફોર ડોમેસ્ટિક ઈકોનોમિક પોલિસી રિસર્ચ (C-DEP) અને વાણિજ્ય મંત્રાલયના Centre for WTO Studies દ્વારા આજે “ઇમ્પેક્ટ ઓફ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીઝ ઇન ઇન્ડિયા” શીર્ષક હેઠળનો અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. અહેવાલમાં જણાવાયું છે કે સરકાર દ્વારા હાલ મૂલ્યાંકન હેઠળ રહેલા ઉત્પાદનો પર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ કરવામાં આવે તો ભારતને વાર્ષિક અંદાજે રૂ.28,540 કરોડ એટલે કે લગભગ 3 બિલિયન અમેરિકી ડોલરના વિદેશી હૂંડિયામણની બચત થઈ શકે છે. સાથે જ રૂ.70 હજાર કરોડના સ્થાનિક રોકાણને પણ પ્રોત્સાહન મળશે.
વાણિજ્ય મંત્રાલયના સેન્ટર ફોર WTO સ્ટડીઝના વડા પ્રીતમ બેનર્જી દ્વારા આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેમિકલ્સ, પોલિમર્સ, ટેક્સટાઈલ સહિત વિવિધ ઉત્પાદન ક્ષેત્રોના ઉદ્યોગ અગ્રણીઓ સાથે ગોળમેજી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ ચીન સહિતના કેટલાક દેશો દ્વારા કરવામાં આવતા ડમ્પિંગના કારણે ભારતીય ઉત્પાદકોને ભારે નુકસાન થઈ રહ્યું છે.
અહેવાલમાં 33 ઉત્પાદનોના અભ્યાસના આધારે જણાવાયું છે કે હાલ ડમ્પિંગ આયાતના કારણે આશરે રૂ.1.54 લાખ કરોડનું આર્થિક નુકસાન થઈ રહ્યું છે. જો સમયસર નિયંત્રણાત્મક પગલાં નહીં લેવાય તો 2030 સુધીમાં આ નુકસાન વધીને રૂ.2.68 લાખ કરોડથી રૂ.2.70 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. સાથે જ જોખમમાં મૂકાયેલી રોજગારીની સંખ્યા હાલના 24 હજારથી વધીને 38થી 42 હજાર સુધી પહોંચી શકે છે.
અહેવાલ અનુસાર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ થવાથી ગ્રાહકો પર ભાવવધારાનો બોજો ખૂબ જ ઓછો પડે છે. DGTR દ્વારા ભલામણ કરાયેલા 56 કેસોના વિશ્લેષણમાં જાણવા મળ્યું કે અંતિમ ગ્રાહકો માટે કિંમતોમાં સરેરાશ માત્ર 0.023 ટકા જેટલો વધારો થયો હોત, જ્યારે 91 ટકા કેસોમાં આ અસર 0.10 ટકા કરતાં પણ ઓછી હતી. 21 પેન્ડિંગ એન્ટી-ડમ્પિંગ ઉત્પાદનોના કિસ્સામાં પણ ફુગાવા પર અસર 0.01 ટકા કરતાં ઓછી હોવાનું જણાવાયું છે.
રિપોર્ટમાં MSME ક્ષેત્ર પર પડતી અસર અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સબ્લિમેશન ટ્રાન્સફર પેપર, ફોન બેક કવર અને નાયલોન ફિલામેન્ટ યાર્ન જેવા ક્ષેત્રોમાં સતત ડમ્પિંગ આયાતના કારણે અનેક પ્લાન્ટ બંધ કરવાની ફરજ પડી હોવાનું જણાવાયું છે. બીજી તરફ કેબલ ટાઈઝ, સિરામિક વેર અને વેક્યૂમ ફ્લાસ્ક જેવાં ક્ષેત્રોમાં સમયસર એન્ટી-ડમ્પિંગ ડ્યુટી લાગુ થતા MSME એકમોને ઉત્પાદન ચાલુ રાખવામાં અને નવા રોકાણ આકર્ષવામાં મદદ મળી હોવાનું અહેવાલમાં ઉલ્લેખાયું છે.
અહેવાલમાં એ પણ જણાવાયું છે કે ભારત એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો દુરુપયોગ કરી રહ્યું નથી. અમેરિકા અને ચીન જેવા દેશો ભારત કરતાં વધુ કડક અને ઊંચા દરની ડ્યુટી લાગુ કરે છે. ભારતમાં એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો સરેરાશ ગાળો 6.97 વર્ષ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 11.19 વર્ષની છે. ઉપરાંત ભારતની ડ્યુટી ભલામણો WTOના નિયમોને અનુરૂપ હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
અહેવાલમાં ભલામણ કરવામાં આવી છે કે સ્થાનિક ઉત્પાદન ક્ષમતાને સુરક્ષિત કરવા અને વિદેશી હૂંડિયામણના વ્યયને ઘટાડવા માટે DGTR દ્વારા ભલામણ કરાયેલ એન્ટી-ડમ્પિંગ ડ્યુટીનો તાત્કાલિક અમલ કરવો જરૂરી છે. તેનાથી સ્થાનિક ઉદ્યોગોને રક્ષણ મળશે, આયાત પરની નિર્ભરતા ઘટશે અને ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને સાકાર કરવામાં મદદ મળશે.