અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ આજે ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા મેયર અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. અમદાવાદ સહિત અનેક મહાનગરપાલિકાઓમાં ભાજપ દ્વારા નવા શાસકોની જાહેરાત કરવામાં આવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પ્રદેશ ભાજપ દ્વારા નવા મેયર , ડે મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી માટે મેન્ટેડ આપવામાં આવ્યો હતો.
ગુજરાતની સૌથી મોટી અને સૌથી વધુ બજેટ ધરાવતી અમદાવાદ મનપામાં યોજાયેલી પ્રથમ બોર્ડ બેઠક દરમિયાન ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલાયેલા બંધ કવર ખોલીને નવા હોદ્દેદારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. થલતેજ વોર્ડના કોર્પોરેટર હિતેશ બારોટને અમદાવાદના નવા મેયર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે અંજુ શાહને ડેપ્યુટી મેયર બનાવવામાં આવ્યા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કમલેશ પટેલની વરણી કરવામાં આવી છે. ઉપરાંત જશુભાઈ ઠાકોરને શાસક પક્ષના નેતા અને અતુલ મિશ્રાને દંડક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
મહેસાણા મનપામાં પ્રથમ મેયર તરીકે સોનલ ઓઝાની જાહેરાત કરવામાં આવી હતી. ડેપ્યુટી મેયર તરીકે રમેશ રાજપૂત, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે દીપક પટેલ, પક્ષના નેતા તરીકે વિશાલ ઠાકોર અને દંડક તરીકે અનિલ દેસાઈની વરણી કરવામાં આવી હતી.
પોરબંદર મનપામાં પ્રથમ મેયર તરીકે સાગર મોદીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. જ્યારે મનીષ શિયાળ ડેપ્યુટી મેયર અને વિક્રમ ઓડેદરા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બન્યા છે. નવા મેયરે આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને પ્રી-મોન્સૂન કામગીરીને પ્રથમ પ્રાથમિકતા આપવાની જાહેરાત કરી હતી.
ગાંધીધામ મનપામાં પ્રથમ મેયર તરીકે દિવ્યાબેન નાથાણીની પસંદગી કરવામાં આવી હતી. મેયરની ચૂંટણીમાં તેમને 41 મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને 11 મત મળ્યા હતા. નવિન જરુ ડેપ્યુટી મેયર, તેજસ શેઠ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ભરત મિરાણી શાસક પક્ષના નેતા અને સુરેશભાઈ ધુઆ દંડક બન્યા છે.
નડિયાદ મનપામાં પ્રથમ મેયર તરીકે મનીષ પટેલની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી. કલ્પેશ રાવળ ડેપ્યુટી મેયર, પરાગ બારોટ કારોબારી સમિતિના ચેરમેન, મેઘનાબેન શાહ પક્ષના નેતા અને પુષ્પાબેન પરમાર દંડક તરીકે ચૂંટાયા છે.
નવસારી મનપામાં પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજિયાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. તેઓ છેલ્લાં 42 વર્ષથી ભાજપ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. કેયુરી દેસાઈ ડેપ્યુટી મેયર, મુકેશ અગ્રવાલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને રાકેશ પટેલ દંડક તરીકે પસંદ થયા છે.
મોરબી મનપામાં નવા હોદ્દેદારોની જાહેરાતે સૌને ચોંકાવી દીધા હતા. ભાજપ દ્વારા ઉત્તમ સુરાણીને મેયર બનાવવામાં આવ્યા છે. માત્ર 26 વર્ષની ઉંમરે તેઓ ગુજરાતના સૌથી યુવા મેયર બન્યા છે. ચિરાગ રાણપરા ડેપ્યુટી મેયર, જયંતી પડસુંબિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અર્પિતા જાડેજા શાસક પક્ષના નેતા અને જયેશ દેસાઈ દંડક બન્યા છે.
જામનગર મનપામાં મહિલા અનામતના આધારે મોનિકા વ્યાસને મેયર બનાવવામાં આવ્યા છે. રાકેશ ડેર ડેપ્યુટી મેયર, ધીરેન મોનાણી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, અમર મોદી શાસક પક્ષના નેતા અને પ્રવિણાબેન રુપણિયા દંડક તરીકે પસંદ થયા છે.
ગુજરાતની વિવિધ મહાનગરપાલિકાઓમાં નવા ચહેરાઓને તક મળતા સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો સર્જાયા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.હુજ બાકી રહી ગયેલી મનપામાં નવા મેયરની પસંદગી આવતીકાલે હાથ ધરાશે.