જમીન NA પ્રક્રિયાને લઈ વિવાદ વધુ ઉગ્ર બન્યો, વકીલની પુત્રીનો ફોટો વાયરલ કરવાની ધમકી પણ આપી
વડોદરા, તા. 26
જમીન ખરીદી અને બિનખેતી (NA) પ્રક્રિયાને લઈને થયેલો વિવાદ હવે પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો છે. શહેરના જાણીતા વકીલે અમેરિકામાં સ્થાયી NRI વિરુદ્ધ ખંડણી, ધમકી અને માનહાનિ કરવાનો પ્રયાસ કર્યાની ફરિયાદ અકોટા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. રૂપિયા પાંચ લાખ પડાવી જમીન સંબંધિત તમામ કાયદેસરની કામગીરી પૂર્ણ થયા બાદ પણ NRIએ વધુ રૂપિયા માંગી ઓફિસમાં આવી હોબાળો મચાવ્યો હતો અને પરિવારજનોને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.
વડોદરા શહેરના ઈલોરાપાર્ક વિસ્તારમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા મનીષચંદ્ર સુરેન્દ્રલાલ દીક્ષિતે નોંધાવેલી ફરિયાદ અનુસાર, ઓક્ટોબર-2025 દરમિયાન તેમની ઓળખ અમેરિકામાં રહેતા રાકેશ અરવિંદ નાયક સાથે થઈ હતી. નાયક નર્મદા કિનારે જમીન ખરીદવા માંગતા હોવાથી કરજણ તાલુકાના કોઠીયા ગામની જમીન બતાવવામાં આવી હતી. જમીન પસંદ પડતાં વેચાણ પ્રક્રિયા તેમજ NRI તરીકે ખેતીની જમીન ખરીદવા માટે જરૂરી કાયદેસરની કાર્યવાહી, NA પરવાનગી સહિતનું કામ મનીષભાઈને સોંપાયું હતું.
તમામ પ્રક્રિયા સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવી હતી નક્કી કરાયેલી ફી પણ ચૂકવાઈ હતી. છતાં 15 ડિસેમ્બર 2025ના રોજ રાકેશ નાયક કેટલાક સાગરીતો સાથે વકીલની ઓફિસે પહોંચ્યા હતા અને વધુ રૂપિયા લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરી ઉગ્ર બોલાચાલી કરી હતી. ઓફિસ સ્ટાફ સહિતના લોકો સામે ગાળો બોલી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ધમકીઓ આપી 5 લાખ રૂપિયા પડાવી લીધાનો પણ ઉલ્લેખ છે. ત્યારબાદ પણ વારંવાર વધુ નાણાંની માંગણી સાથે ધમકીઓ આપવામાં આવતી હતી. 13 મે 2026ના રોજ વકલના પુત્રના વોટ્સએપ પર મનીષભાઈની પુત્રીનો મેટ્રિમોનિયલ સાઇટ પરથી મેળવેલો ફોટો અને બાયોડેટાનો સ્ક્રીનશોટ મોકલી તેને વાયરલ કરવાની ધમકી આપવામાં આવી હતી. પરિવાર તથા વ્યવસાયિક કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપતાં આખરે એમ આઈ આર વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અગાઉ NRI રાકેશ નાયકે પણ વકીલ મનીષ દીક્ષિત અને અભિષેક દીક્ષિત સામે રૂપિયા 94 લાખથી વધુની ઉચાપત અને જીવલેણ ધમકીઓના આક્ષેપો કર્યા હતા. હવે આ એનઆઈઆર સામે વકીલે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.