દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે સામાન્ય લોકો પર ફરી એકવાર મોંઘવારીનો બોજો વધ્યો છે. સરકારી તેલ કંપનીઓએ આજે ફરીથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર કર્યો છે.છેલ્લા માત્ર 10 દિવસમાં આ ચોથી વખત છે જ્યારે ઇંધણના દરોમાં વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા બાદ અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ ₹100ને પાર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.
તાજા વધારા મુજબ પેટ્રોલના ભાવમાં ₹2.61 પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ₹2.71 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા પછી દેશના મોટા શહેરોમાં વાહનચાલકોને વધુ ખર્ચ સહન કરવો પડી રહ્યો છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના દરોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના વધી રહેલા ભાવના કારણે ભારતની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર ભારે આર્થિક દબાણ ઉભું થયું છે. બ્રેન્ટ ક્રૂડના ભાવ $100 પ્રતિ બેરલથી વધુ જતા સ્થાનિક બજારમાં પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. ભારત તેની લગભગ 85 ટકા ક્રૂડ ઓઈલ જરૂરિયાત આયાતથી પૂરી કરે છે, તેથી આંતરરાષ્ટ્રીય બજારમાં થતો ફેરફાર સીધો ભારતીય ગ્રાહકો સુધી પહોંચે છે.
આ પહેલાં 15 મેના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹3 પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ 19 મે અને 23 મેના રોજ પણ વધારા જાહેર થયા હતા. હવે ફરી નવા વધારા સાથે 10 દિવસમાં કુલ વધારો લગભગ ₹7થી વધુ પહોંચી ગયો છે. આ સતત વધારાને કારણે પરિવહન ખર્ચ,ખાદ્ય પદાર્થો અને રોજિંદી જીવન સાથે જોડાયેલા અનેક ક્ષેત્રોમાં મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ હાલમાં ભારે નુકસાન સહન કરી રહી છે. કેટલાક અહેવાલો મુજબ ડીઝલ વેચાણમાં કંપનીઓને પ્રતિ લીટર ₹25થી ₹30 સુધીનું નુકસાન થઈ રહ્યું છે, જ્યારે પેટ્રોલમાં પણ પ્રતિ લીટર ₹10થી ₹14 સુધીનો ફટકો પડી રહ્યો છે. આ નુકસાનની ભરપાઈ કરવા માટે આગામી દિવસોમાં વધુ ભાવ વધારો થઈ શકે છે તેવી શક્યતા પણ નકારી શકાય નહીં.
પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવની સીધી અસર હવે સામાન્ય નાગરિકોના બજેટ પર પડી રહી છે. અનેક શહેરોમાં લોકો હવે ખાનગી વાહનોના બદલે જાહેર પરિવહન તરફ વળી રહ્યા છે. કોલકાતામાં તો મેટ્રો અને બસમાં મુસાફરી કરનારાઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. સતત વધતી મોંઘવારી વચ્ચે લોકો ખર્ચ ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છે.
CNGના ભાવમાં પણ છેલ્લા કેટલાક દિવસોમાં વધારો નોંધાયો છે, જેના કારણે ઓટો અને ટેક્સી ભાડાંમાં વધારો થવાની શક્યતા વધી છે. ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં ખર્ચ વધતા રોજિંદી વપરાશની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઈ શકે છે. ખાસ કરીને મધ્યમવર્ગ અને નોકરીયાત વર્ગ માટે આ વધારા ચિંતાજનક બની રહ્યા છે.સરકારે લોકોને ગભરાટમાં આવીને પેટ્રોલ,ડીઝલનો વધારાનો સંગ્રહ ન કરવા અપીલ કરી છે અને દેશ પાસે પૂરતો ઇંધણ સ્ટોક ઉપલબ્ધ હોવાનું જણાવ્યું છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં અનિશ્ચિતતા યથાવત રહેતા આગામી દિવસોમાં પણ ઇંધણના ભાવમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે.