Vadodara

વોર્ડ-12ના બિલ વિસ્તારમાં ડ્રેનેજ કૌભાંડ: જનતા જાગતી રહી અને તંત્ર તૂટેલી પાઈપો દાટી ગયું!

ભવિષ્યમાં રોગચાળો અને રસ્તા બેસી જવાની ભીતિ; જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા સ્થાનિકોની માંગ

વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર-12માં સમાવિષ્ટ બિલ વિસ્તારમાંથી ભ્રષ્ટાચારની એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વિકાસના કાર્યોના નામે પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા પાણીમાં વહાવવામાં આવતા હોવાનો જીવતો પુરાવો અહીં જોવા મળ્યો છે. બિલ વિસ્તારમાં હાલમાં ચાલી રહેલી નવી ડ્રેનેજ લાઈન નાખવાની કામગીરીમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલીભગતથી તદ્દન હલકી કક્ષાના અને તૂટેલા ભૂંગળા વાપરવામાં આવી રહ્યા હોવાનું એક મોટું કૌભાંડ સ્થાનિક રહીશોએ ખુલ્લું પાડ્યું છે.
​મળતી માહિતી અનુસાર, છેલ્લા કેટલાક દિવસોથી બિલ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન નાખવાનું કામ પ્રગતિ હેઠળ છે. આ દરમિયાન સવારે જ્યારે સ્થાનિક નાગરિકોએ કામગીરીનું નિરીક્ષણ કર્યું, ત્યારે તેઓ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા કે જે પાઈપો જમીનમાં ઉતારવામાં આવી રહી હતી તે અનેક જગ્યાએથી તૂટેલી અને બિસ્માર હાલતમાં હતી. સ્થાનિકોએ આ બાબતે સ્થળ પર હાજર સુપરવાઈઝર અને કામદારો સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તૂટેલા ભૂંગળા બદલીને નવી, ગુણવત્તાયુક્ત પાઈપો નાખવાની ઉગ્ર માંગ કરી હતી.
​જો કે, ભ્રષ્ટાચારને છાપરે ઢાંકવા માટે તંત્ર અને કોન્ટ્રાક્ટરે લોકશાહીના તમામ નિયમો નેવે મૂકી દીધા હતા. દિવસ દરમિયાન સ્થાનિકોના ભારે વિરોધ અને આક્રોશને જોતાં, કોન્ટ્રાક્ટરે કામ બંધ રાખવાનો ડોળ કર્યો હતો. પરંતુ જેવો રાતનો અંધકાર થયો, કે તરત જ સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરે ભેગા મળીને રાતોરાત જ એ તમામ તૂટેલા ભૂંગળા જમીનમાં દાટી દઈને ડ્રેનેજ લાઈનનું કામ ઉતાવળે પૂરું કરી દીધું હતું. સવારે જ્યારે લોકો જાગ્યા ત્યારે રસ્તો સમથળ કરી દેવામાં આવ્યો હતો, જેથી અંદર થયેલો ભ્રષ્ટાચાર કોઈ જોઈ ન શકે.
​કોન્ટ્રાક્ટરની આ દાદાગીરી અને તંત્રની ઘોર બેદરકારીને પગલે સમગ્ર બિલ વિસ્તારના રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, જો અત્યારથી જ તૂટેલી પાઈપો નાખીને લાઈન ચાલુ કરી દેવામાં આવશે, તો ભવિષ્યમાં ગંદા પાણીનું લીકેજ થવું નિશ્ચિત છે. આ લીકેજને કારણે ભવિષ્યમાં આખો રસ્તો બેસી જવાની, પીવાના પાણીમાં ગટરનું પાણી ભળવાની અને સમગ્ર વિસ્તારમાં ગંભીર રોગચાળો ફાટી નીકળવાની પૂરેપૂરી સંભાવના છે.
​રાતોરાત ભ્રષ્ટાચાર પર માટી વાળી દેવાના આ કારસા સામે હવે સ્થાનિકો આરપારની લડાઈના મૂડમાં છે. રહીશોએ માંગ કરી છે કે ઉચ્ચ સત્તાધિકારીઓ તાત્કાલિક ધોરણે આ સ્થળની મુલાકાત લે, નાખવામાં આવેલી ગટર લાઈનનું ખોદકામ કરીને તપાસ કરવામાં આવે અને દોષિત કોન્ટ્રાક્ટર તેમજ તેને છાવરતા વોર્ડ નંબર-12ના જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય પગલાં ભરીને બ્લેકલિસ્ટ કરવામાં આવે. જો આગામી દિવસોમાં આ મામલે યોગ્ય ઉકેલ નહીં આવે, તો સ્થાનિકોએ પાલિકા કચેરી ગજવવાની અને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

Most Popular

To Top