Vadodara

વડોદરા મહાનગરપાલિકાને મળશે નવા સુકાની: 28 મેના રોજ મેયર પદના સસ્પેન્સ પરથી ઊંચકાશે પડદો

​મ્યુનિસિપલ કમિશનરે જાહેર કર્યું સત્તાવાર એજન્ડા; ચૂંટણી પરિણામોના બરાબર એક મહિના બાદ યોજાશે સામાન્ય સભા, પ્રદેશ હાઈકમાન્ડનું મેન્ડેટ ખુલતા જ વડોદરાને મળશે નવા મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન

વડોદરા મહાનગરપાલિકા ની સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયાને આશરે એક મહિનો થવા આવ્યો છે, પરંતુ હજી સુધી શહેરને નવા મેયર સહિતના મુખ્ય હોદ્દેદારો મળ્યા નથી. જોકે, વડોદરાના નાગરિકો અને રાજકીય વર્તુળોની આ આતુરતાનો અંત હવે ખૂબ જ નજીક છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા બોર્ડની રચના આગામી 28 મેના રોજ થવા જઈ રહી છે, જે અંગેનું સત્તાવાર એજન્ડા વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ જાહેરાત સાથે જ વડોદરાના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
​ઉલ્લેખનીય છે કે, વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ ગત 26 એપ્રિલના રોજ યોજાઈ હતી અને તેના પરિણામો 28 એપ્રિલના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. પરિણામોના બરાબર એક મહિના બાદ એટલે કે 28 મેના રોજ કોર્પોરેશનનું નવું બોર્ડ અસ્તિત્વમાં આવશે. ચૂંટણીના દિવસે એટલે કે 28 મેની સવારે શાસક પક્ષની કાર્યાલય ખાતે ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોની એક અત્યંત મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવશે. આ બેઠકમાં પ્રદેશ હાઈકમાન્ડ તરફથી મોકલવામાં આવેલું મેન્ડેટ ખોલવામાં આવશે. ત્યારબાદ આગામી અઢી વર્ષના કાર્યકાળ માટે વડોદરાના નવા મેયરના નામની સત્તાવાર જાહેરાત શહેર પ્રમુખ દ્વારા કરવામાં આવશે.
​નવા હોદ્દેદારોની વરણીના આ જ દિવસે વડોદરા કોર્પોરેશનની સૌથી મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટી ની બેઠક પણ બોલાવવામાં આવશે. જનરલ બોર્ડની સાથે જ આ સમિતિના સભ્યોની યાદી જાહેર કરવામાં આવશે. રાજકીય નિયમ અને પરંપરા મુજબ, સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની જે યાદી જાહેર થશે, તેમાં જે સભ્યનું નામ સૌથી પ્રથમ ક્રમે હશે, તેઓ આગામી અઢી વર્ષ માટે સ્ટેન્ડિંગ કમિટીના નવા ચેરમેન તરીકે કાર્યભાર સંભાળશે. આ પ્રક્રિયા બાદ વડોદરા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે નવું શાસક મંડળ સત્તાવાર રીતે કાર્યરત થઈ જશે.

Most Popular

To Top