આત્મીય સમ્રાટ ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના ૯૨મા પ્રાગટ્ય દિન નિમિત્તે તેઓશ્રીનાં યુગકાર્યને બિરદાવવાનો નમ્ર પ્રયાસ
• જનરેશન Z (Gen Z) ને વ્યસન અને સોશિયલ મીડિયાના વળગણમાંથી મુક્ત કરી સંસ્કાર સિંચન કરવાનો દિવ્ય સંકલ્પ
• પ.પૂ. પ્રબોધસ્વામીજી મહારાજની નિશ્રામાં યોજાનારા ઉત્સવમાં ૧૦,૦૦૦ ભક્તો તેમજ દેશ-વિદેશના ૧.૫૦ લાખથી વધુ હરિભક્તો ઓનલાઈન જોડાશે
• રાજકીય, સામાજિક અને વહીવટી ક્ષેત્રના અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિ રહેશે
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના આંગણે આગામી કારેલીબાગમાં શનિવાર, ૨૩ મે ૨૦૨૬ના રોજ ભવ્ય અને દિવ્ય ‘ગુરુભક્તિ મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે.
બ્રહ્મલીન પરમ પૂજ્ય હરિપ્રસાદસ્વામીજી મહારાજના ૯૨મા પ્રાગટ્યદિન નિમિત્તે, તેમના વિરાટ યુગકાર્ય અને યુવા ઉત્થાનની ક્રાંતિને બિરદાવવા માટે ‘હરિપ્રબોધમ્ પરિવાર’ દ્વારા આ મહોત્સવ ભક્તિપૂર્ણ માહોલમાં ઊજવાશે.
પરમ પૂજ્ય સ્વામીજીએ શરૂ કરેલી યુવા વિકાસ, સંવર્ધન અને આધ્યાત્મિકતાની દિવ્ય ધુરાને હાલમાં સાધુતાના મૂર્તિસમાન પ્રગટ ગુરુહરિ પ.પૂ. પ્રબોધસ્વામીજી મહારાજ આગળ ધપાવી રહ્યા છે અને સમગ્ર સત્સંગ સમાજને ગુરુહરિના દર્શાવેલા આત્મીયતાનાં માર્ગે પ્રશસ્ત કરી રહ્યા છે.
સોશિયલ મીડિયાના વ્યસન સામે સંસ્કારની ક્રાંતિ
આજના આધુનિક યુગમાં શારીરિક નુકસાન કરતા વ્યસનોની સાથે-સાથે ડિજિટલ યુગનું નવું દૂષણ એટલે કે ‘સોશિયલ મીડિયાનું વ્યસન’ બાળપણ અને યુવાનીને ગ્રસી રહ્યું છે, જેના કારણે પરિવારો વિખરાઈ રહ્યા છે. આવા સમયમાં ‘જેન-જી’ (Gen-Z) જનરેશનમાં ઉચ્ચ સંસ્કારો, ભક્તિ અને સનાતન ભારતીય સંસ્કૃતિનું સિંચન કરીને આ પરિવાર હરિપ્રસાદસ્વામીજી મહારાજના ચરણોમાં સાચી ગુરુભક્તિ અદા કરવાનો નમ્ર પ્રયાસ છે.
૧.૫૦ લાખથી વધુ ભક્તો ડિજિટલ માધ્યમથી જોડાશે
વડોદરાના કારેલીબાગ સ્થિત અંબાલાલ પાર્ક ખાતે યોજાનારા આ મહોત્સવમાં ૧૦,૦૦૦ જેટલા યુવાનો, યુવતીઓ અને સ્થાનિક હરિભક્તો પ્રત્યક્ષ ઉપસ્થિત રહી ગુરુભક્તિનું અર્ઘ્ય અર્પણ કરશે.
મહોત્સવ દરમિયાન હરિપ્રસાદસ્વામીજી મહારાજના ‘આત્મીયતા’ના જીવનમંત્ર અને દ્વારા સમાજમાં આણેલા પરિવર્તનના ભગીરથ કાર્યોને સંવાદ (Drama), ભક્તિનૃત્ય અને વિશેષ ડિજિટલ પ્રેઝન્ટેશન દ્વારા મંચ પર પ્રસ્તુત કરવામાં આવશે.
આત્મીય યુવા મહોત્સવ સ્વરૂપે દર વર્ષે હરિપ્રસાદસ્વામીજીનો પ્રાગટ્યદિન ઊજવાય છે, પરંતુ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં આહ્વાનને લઈને ફક્ત વડોદરા-ભરૂચ જિલ્લાનાં ભક્તો ઉપસ્થિત રહેશે, જ્યારે ગુજરાતનાં અન્ય જિલ્લા અને દેશ અને વિદેશમાં વસતા ૧,૫૦,૦૦૦થી વધુ ભક્તો ઈન્ટરનેટનાં માધ્યમથી ઓનલાઈન આ મહોત્સવનો દિવ્ય લાભ માણશે.
મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ
આ મહોત્સવમાં વડોદરા મહાનગર તેમજ જિલ્લાના તમામ રાજકીય આગેવાનો, અગ્રણી ઉદ્યોગપતિઓ, તબીબો, ધારાશાસ્ત્રીઓ, બિલ્ડર્સ તથા વિવિધ ધાર્મિક અને સામાજિક સંગઠનો (NGOs) ના પ્રતિનિધિઓ પૂજ્ય સ્વામીશ્રી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા ઉપસ્થિત રહેશે.
વિશેષરૂપે વડોદરા, ભરૂચ, કરજણ, ડભોઈ અને વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય , વડોદરાના પોલીસ કમિશનર (C.P.), જિલ્લા પોલીસ વડા (S.P.), રેન્જ આઈ.જી. તેમજ વડોદરા મહાનગરપાલિકા (VMC) અને જિલ્લા પંચાયતના ઉચ્ચ પદાધિકારીઓ તથા અધિકારીઓ પણ આ પ્રસંગે હાજરી આપશે.
મહોત્સવની રૂપરેખા (શનિવાર, ૨૩ મે ૨૦૨૬)
* અંબાલાલ પાર્ક ગરબા ગ્રાઉન્ડ, કારેલીબાગ, વડોદરા
* સાંજે ૬:૦૦ થી ૭:૩૦: પધારનાર તમામ ભક્તો માટે મહાપ્રસાદ
* રાત્રે ૮:૦૦ થી ૧૦:૩૦: મુખ્ય ‘ગુરુભક્તિ મહોત્સવ’ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિ