SURAT

વેસુની જૈનમ ગ્રાન્ડ અલ્ટીમામાં ભીષણ આગ, ટેરેસ પરથી 7 લોકોનું રેસ્ક્યુ

સુરતના વેસુ વિસ્તારમાં આવેલ જૈનમ ગ્રાન્ડ અલ્ટીમા નામના લક્ઝરી એપાર્ટમેન્ટમાં ગુરુવારે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. બિલ્ડિંગના 9મા માળે આવેલા એક ફ્લેટમાં આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા સમગ્ર ટાવરમાં ફેલાઈ ગયા હતા. ઘટનાને કારણે રહેવાસીઓમાં દહેશતનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ સુરત ફાયર વિભાગનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે 10થી વધુ ફાયર ફાઈટર ગાડીઓ તેમજ હાઈડ્રોલિક મશીનની મદદ લેવી પડી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આગના કારણે બિલ્ડિંગના ઉપરના માળે રહેતા લોકો ફસાઈ ગયા હતા. ફાયર વિભાગે દસમા અને અગિયારમા માળેથી 2-2 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. ઉપરાંત ટેરેસ પર ફસાયેલા 7 લોકોને પણ સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. ફાયર ટીમની ઝડપી કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક માહિતી મુજબ, આગ લાગવાના કારણે ફ્લેટમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ફ્લેટમાં રહેલું મોંઘું ફર્નિચર, ઇલેક્ટ્રોનિક્સ સામાન અને ઘરવખરી આગમાં બળીને ખાક થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે. આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી સામે આવી નથી. ફાયર વિભાગ અને પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. સુરક્ષા માટે પોલીસ દ્વારા બિલ્ડિંગની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો હતો. કલાકોની જહેમત બાદ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવ્યો હતો.

Most Popular

To Top