રાજમહેલ રોડની ‘શિવ શક્તિ ફરસાણ’ પર આરોગ્ય વિભાગનો દરોડો, ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં બદલ રૂ. 10.000 નો દંડ ફટકાર્યો
વડોદરા: શહેરમાં ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાના દાવાઓ વચ્ચે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના જાણીતા રાજમહેલ રોડ પર આવેલી ‘શિવ શક્તિ ફરસાણ’ નામની દુકાનમાંથી ખરીદવામાં આવેલા સમોસામાંથી વંદો નીકળ્યો હોવાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. આ સમગ્ર મામલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોતજોતામાં ભારે વાયરલ થયો હતો, જેને પગલે સ્થાનિક રહીશો અને ગ્રાહકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં જ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ગ્રાહક દ્વારા કરવામાં આવેલી ઓનલાઈન ફરિયાદ અને વાયરલ વિડીયોની ગંભીરતાને ધ્યાને લઈને પાલિકાના આરોગ્ય વિભાગની એક વિશેષ ટીમ તપાસ માટે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આ તપાસ પ્રક્રિયામાં વહીવટી વોર્ડ નંબર 14ની સેનેટરી ટીમ તેમજ ફૂડ ઇન્સ્પેક્ટર અને ફૂડ સેફ્ટી ઓફિસર પ્રશાંત ભાવસાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓ દ્વારા શિવ શક્તિ ફરસાણની દુકાનમાં સામૂહિક ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં એકમની આંતરિક સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની જાળવણીના સ્તરની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન દુકાનમાં આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડતાં ફૂડ સેફ્ટી ઓફિસર પ્રશાંત ભાવસાર દ્વારા દુકાનના સંચાલકને કડક શબ્દોમાં આખરી ચેતવણી આપતી ઇમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવવામાં આવી હતી. આ સાથે જ ગ્રાહકોના આરોગ્ય સાથે ચેડાં કરવા બદલ અને બેદરકારી દાખવવા બદલ પાલિકાની ટીમે સ્થળ પર જ દુકાન સંચાલકને રૂપિયા 10,000નો વહીવટી દંડ ફટકાર્યો હતો. પાલિકાની આ આકરી કાર્યવાહીથી અન્ય ખાણી-પીણીના વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં જો આવી બેદરકારી ફરી જોવા મળશે તો દુકાન સીલ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવશે.