પશ્ચિમ બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે રાજ્યની મદરેસા શિક્ષણ વ્યવસ્થાને લઈને એક મોટો અને ચર્ચાસ્પદ નિર્ણય લીધો છે. હવે રાજ્યની તમામ મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત રહેશે. મદરેસા શિક્ષણ નિયામક દ્વારા 19 મે, 2026ના રોજ આ અંગે સત્તાવાર આદેશ જાહેર કરવામાં આવ્યો હતો. નવા નિયમ મુજબ, દરરોજ ક્લાસ શરૂ થાય તે પહેલાં થતી પ્રાર્થનામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફે ‘વંદે માતરમ્’ ગાવું અનિવાર્ય રહેશે. સરકારના આ નિર્ણયને રાજ્યમાં એક ઐતિહાસિક પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે. આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અગાઉ મદરેસાઓ માટે બહાર પાડવામાં આવેલા તમામ જૂના નિર્દેશો અને પ્રથાઓ હવે રદ ગણાશે. નવા નિયમનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યો છે.આ નિયમ ફક્ત સરકારી મદરેસાઓ પૂરતો મર્યાદિત નહીં રહે.
પશ્ચિમ બંગાળની તમામ સરકારી મોડલ મદરેસા, સરકારી સહાય મેળવતી મદરેસા, માન્યતા પ્રાપ્ત ગેર-સહાયિત ખાનગી મદરેસા, તેમ જ MSK અને SSK જેવી સંસ્થાઓ પર પણ આ નિર્ણય સમાન રીતે લાગુ પડશે.સરકારે આ આદેશની નકલ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ, જિલ્લા શિક્ષણ અધિકારીઓ, પશ્ચિમ બંગાળ મદરેસા બોર્ડ અને અન્ય સંબંધિત વિભાગોને મોકલી છે. સાથે જ તાત્કાલિક અમલ માટે ખાસ સૂચનાઓ પણ આપવામાં આવી છે.બીજી તરફ, કેન્દ્ર સરકાર પણ ‘વંદે માતરમ્’ને લઈને એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી કેન્દ્રીય કેબિનેટે ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ જેટલો જ દરજ્જો આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે.જો આ નિર્ણય સંપૂર્ણ રીતે અમલમાં આવશે તો ‘વંદે માતરમ્’ને પણ રાષ્ટ્રગાન જેવી કાનૂની સુરક્ષા મળશે. એટલે કે, ગીતનું અપમાન કરવું, ગાતા અટકાવવું અથવા તેમાં ખલેલ પહોંચાડવી કાયદેસર ગુનો ગણાશે.હાલમાં રાષ્ટ્રીય ધ્વજ, બંધારણ અને રાષ્ટ્રગાનના અપમાન માટે કડક કાયદાકીય જોગવાઈ છે. હવે એ જ નિયમો ‘વંદે માતરમ્’ માટે પણ લાગુ થઈ શકે છે.
કાયદા મુજબ, જો કોઈ વ્યક્તિ જાણીજોઈને રાષ્ટ્રગાન દરમિયાન અવરોધ ઊભો કરે તો તેને 3 વર્ષ સુધીની જેલ, દંડ અથવા બંને સજા થઈ શકે છે. વારંવાર ગુનો કરનાર સામે વધુ કડક કાર્યવાહી કરવાની જોગવાઈ પણ છે.પશ્ચિમ બંગાળ સરકારના આ નિર્ણયને લઈને રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. ભાજપ સમર્થકો આ નિર્ણયને દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવનાર પગલું ગણાવી રહ્યા છે. તેમના મતે, શાળાઓ અને મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગવડાવવાથી વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બનશે.બીજી તરફ, કેટલાક વિરોધ પક્ષો અને સંગઠનો આ મુદ્દે અલગ અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. તેમનું માનવું છે કે ધાર્મિક શિક્ષણ સંસ્થાઓમાં આવા નિયમો લાગુ કરવાથી નવા વિવાદો ઊભા થઈ શકે છે. જોકે રાજ્ય સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય માત્ર રાષ્ટ્રીય એકતા અને શૈક્ષણિક શિસ્તને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.શુભેન્દુ અધિકારી સરકાર સત્તામાં આવ્યા બાદ પશ્ચિમ બંગાળમાં અનેક નીતિગત ફેરફારો જોવા મળી રહ્યા છે. સરહદ સુરક્ષા, શિક્ષણ અને વહીવટી સુધારાઓ બાદ હવે મદરેસા શિક્ષણમાં પણ મોટા ફેરફાર શરૂ થયા છે.આ નિર્ણયનો આગામી સમયમાં શું રાજકીય અને સામાજિક પ્રભાવ પડશે તે જોવાનું રહેશે, પરંતુ હાલ માટે પશ્ચિમ બંગાળમાં ‘વંદે માતરમ્’ને લઈને નવી ચર્ચાનો માહોલ ગરમાયો છે.