વડોદરા સહિત ગુજરાતભરમાં ઘેરી અસર વર્તાશે
દેશભરના 12.50 લાખ અને વડોદરાના તમામ કેમિસ્ટો ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવશે
ઇમરજન્સી માટે વડોદરામાં માત્ર 25 મેડિકલ સ્ટોર ચાલુ રહેશે
(પ્રતિનિધિ), વડોદરા. તા.19
દવાબજારમાં ચાલી રહેલી ગળાકાપ સ્પર્ધા, ઓનલાઇન દવાના વેચાણ અને દવાઓ પર અપાતા અલ્ટ્રા-ડિસ્કાઉન્ટના કારણે પરંપરાગત દવા વેપારીઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે. જેના વિરોધમાં ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિયેશન દ્વારા આવતીકાલે દેશવ્યાપી બંધનું એલાન આપવામાં આવ્યું છે. આ આંદોલનમાં આ વખતે સર્જીકલ એસોસિયેશન પણ જોડાવાનું હોવાથી બંધની વ્યાપક અસર જોવા મળશે. દેશભરના આશરે સાડા બાર લાખ દવા વેપારીઓ આ બંધમાં જોડાઈને સંપૂર્ણ હડતાળ પાળશે.
ગુજરાત સેલ્સ ડ્રગિસ્ટ ફેડરેશનના ચેરમેન પટેલ અને એસોસિયેશનના ખજાનચી રોમિલ ખાનપુરાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, ઓનલાઇન દવાના વેચાણથી માત્ર વેપારીઓને જ નુકસાન નથી થતું, પરંતુ સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે પણ ચેડાં થઈ રહ્યા છે. આ નીતિઓના વિરોધમાં વડોદરાના તમામ નાના-મોટા કેમિસ્ટો તેમજ સર્જીકલ વસ્તુઓનું વેચાણ કરતા હોલસેલ અને રિટેલ વેપારીઓ પોતાની દુકાનો તથા ઓફિસો સંપૂર્ણપણે બંધ રાખીને આક્રોશ વ્યક્ત કરશે.
બંધ દરમિયાન ગંભીર દર્દીઓ અને ઇમરજન્સી સ્થિતિમાં લોકોને દવાઓ મળી રહે તે માટે માનવતાના ધોરણે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એસોસિયેશનના જણાવ્યા મુજબ, સમગ્ર વડોદરા શહેરમાંથી માત્ર 25 જેટલી મુખ્ય ગણાતી દવાઓની દુકાનોને જ બંધમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેથી નાગરિકોને ભારે હાલાકીનો સામનો ન કરવો પડે. આ સિવાયની તમામ દુકાનો સજ્જડ બંધ રહેશે.
એક તરફ મોટાભાગના દવા વિક્રેતાઓ આ બંધને સફળ બનાવવા માટે ઉત્સાહપૂર્વક જોડાવાના મૂડમાં છે અને બંધની અસર સો ટકા જોવા મળે તેવા એંધાણ છે. તો બીજી તરફ, આંતરિક વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ, એસોસિયેશનના પ્રમુખ મનિષભાઇ પટેલ સાથે સંકળાયેલા જૂજ વેપારીઓ આ બંધથી અળગા રહે તેવી શક્યતા સેવાઈ રહી છે. જો કે, બહુમતી વેપારીઓ બંધની તરફેણમાં હોવાથી તેની વ્યાપક અસર બજાર પર ચોક્કસ જોવા મળશે.
મુખ્ય માગણીઓ શું છે ?
* ઓનલાઇન દવાના વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવે.
* દવાઓ પર અપાતા અંધાધૂંધ અને નિયમ વિરુદ્ધના ભારે ડિસ્કાઉન્ટ પર રોક લગાવવામાં આવે.
* પરંપરાગત દવા વેપારીઓ અને રિટેલર્સના હિતોનું રક્ષણ કરતી નીતિઓ બનાવવામાં આવે.