Sports

ટેલેન્ટ ભગવાન આપે છે, સફળતા તમારી મહેનત નક્કી કરે છે: તેંડુલકરે યુવા ક્રિકેટરોને આપ્યો મંત્ર

ભારતીય ક્રિકેટના દિગ્ગજ અને કરોડો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત એવા સચિન તેંડુલકરે અમદાવાદમાં આવેલી SRT10 અલ્ટેવોલ સેન્ટર ઓફ એક્સલન્સ સ્પોર્ટ્સ એકેડમીની મુલાકાત લઈને યુવા ક્રિકેટરોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આ ખાસ મુલાકાત દરમિયાન એકેડમીમાં ઉત્સાહ અને ભાવનાત્મક માહોલ જોવા મળ્યો હતો. સચિનને પોતાની સામે જોઈને નાના ખેલાડીઓમાં અલગ જ ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના એસજી રોડ પર વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી આ એકેડમીમાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો, માતા-પિતા અને ક્રિકેટપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. સચિન તેંડુલકરે માત્ર ઔપચારિક ભાષણ આપ્યું નહોતું, પરંતુ બાળકો સાથે મેદાનમાં સમય વિતાવ્યો, તેમની સાથે વાતચીત કરી અને ક્રિકેટ સાથે જીવનના મહત્વના પાઠ પણ શીખવ્યા. કાર્યક્રમ દરમિયાન સચિન તેંડુલકરે યુવા ખેલાડીઓને જણાવ્યું હતું કે, કોઈપણ બાળક માટે સૌથી મહત્વની બાબત એ નથી કે તે ક્યાંથી શરૂઆત કરે છે, પરંતુ તેને આગળ વધવાની તક મળે છે કે નહીં. તેમણે ભારપૂર્વક કહ્યું કે ભારતનું રમતગમતનું ભવિષ્ય પાયાના સ્તરે કરવામાં આવતા રોકાણ અને બાળકોને મળતા યોગ્ય માર્ગદર્શન પર આધારિત છે. તેમણે કહ્યું કે જ્યારે બાળકો મેદાનમાં રમવા જાય છે ત્યારે તેઓ માત્ર રમત નથી રમતા, પરંતુ શિસ્ત, ટીમવર્ક, ધીરજ, સંઘર્ષ અને આત્મવિશ્વાસ જેવી જીવન માટે અગત્યની બાબતો પણ શીખતા હોય છે. અમદાવાદના યુવા ખેલાડીઓમાં જોવા મળેલી ઊર્જા અને રમત પ્રત્યેનો જુસ્સો જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હોવાનું પણ સચિને જણાવ્યું હતું.

સચિન તેંડુલકરે યુવા ક્રિકેટરોને સફળતા વિશે ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “ટેલેન્ટ ભગવાન આપે છે, પરંતુ એ ટેલેન્ટનું તમે શું કરો છો તે તમારા હાથમાં છે.” તેમણે કહ્યું કે માત્ર પ્રતિભા હોવી પૂરતી નથી, તેને યોગ્ય દિશામાં મહેનત અને શિસ્ત સાથે આગળ વધારવી જરૂરી છે. તેમણે યુવા ખેલાડીઓને ચેતવણી આપતા કહ્યું કે ક્રિકેટમાં કે જીવનમાં કોઈ શોર્ટકટ નથી. જો કોઈ ખેલાડી મહેનત છોડીને ટૂંકો રસ્તો અપનાવવાનો પ્રયાસ કરશે તો એક દિવસ આખી દુનિયા સામે તેની હકીકત બહાર આવી જશે. સચિને જણાવ્યું કે તેમણે પોતાના કરિયરમાં ઘણા એવા ટેલેન્ટેડ ખેલાડીઓ જોયા છે, જેઓ પાસે અદભૂત પ્રતિભા હતી, પરંતુ શિસ્ત અને સમર્પણના અભાવે તેઓ સફળતા મેળવી શક્યા નહોતા. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય ટીમમાં સ્થાન મેળવવું ખૂબ મુશ્કેલ છે. તેના માટે માત્ર પ્રતિભા નહીં, પરંતુ સતત મહેનત, બલિદાન અને માનસિક મજબૂતી પણ જરૂરી છે. દરેક મેચમાં જીત મળશે તેની કોઈ ગેરંટી નથી, પરંતુ સંપૂર્ણ તૈયારી, ફોકસ અને શિસ્ત સાથે મેદાનમાં ઉતરવું એ દરેક ખેલાડીના હાથમાં હોય છે.

આ કાર્યક્રમ દરમિયાન સચિન બાળકો સાથે અનૌપચારિક રીતે પણ જોડાયા હતા. તેમણે મેદાનમાં જઈને યુવા ખેલાડીઓ સાથે ક્રિકેટ રમ્યું, તેમની ટેક્નિક જોઈ અને તેમને પ્રોત્સાહિત કર્યા. આ ક્ષણો નાના ક્રિકેટરો માટે જીવનભરની યાદગાર બની ગઈ હતી. ઘણા બાળકો અને તેમના માતા-પિતાએ જણાવ્યું કે સચિન સાથેનો આ અનુભવ તેમના માટે સપનું પૂરું થવા જેવો હતો. SRT10 અલ્ટેવોલ સ્પોર્ટ્સ એકેડમી આ વર્ષે શરૂ કરવામાં આવી છે અને તે વધી રહેલા SRT10 ઇકોસિસ્ટમનો એક મહત્વનો ભાગ છે. આ એકેડમીનો મુખ્ય ઉદ્દેશ્ય પાયાના સ્તરે રમતગમતના વિકાસને મજબૂત બનાવવાનો છે. અહીં માત્ર ક્રિકેટની ટેક્નિકલ ટ્રેનિંગ જ નહીં, પરંતુ ફિટનેસ, માનસિક મજબૂતી, શિસ્ત અને સર્વાંગી વિકાસ પર પણ ભાર મૂકવામાં આવે છે. નવી મુંબઈમાં આવેલી DY પાટીલ સ્પોર્ટ્સ એકેડમી બાદ આ સચિન તેંડુલકરના સમર્થનથી શરૂ થયેલી ભારતની બીજી એકેડમી છે. આ એકેડમી દ્વારા અમદાવાદ અને આસપાસના વિસ્તારોના યુવા ખેલાડીઓને વિશ્વસ્તરીય તાલીમ અને માર્ગદર્શન મળી રહ્યું છે.

એકેડમીના CEO ચિરાગ પટેલે જણાવ્યું કે સચિનની મુલાકાત યુવા ખેલાડીઓ માટે ખૂબ જ પ્રેરણાદાયી રહી હતી. તેમના અનુસાર, સચિન સાથે સમય વિતાવ્યા બાદ બાળકોમાં આત્મવિશ્વાસ અને રમત પ્રત્યે નવી ઉર્જા જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે એકેડમી હંમેશા નમ્રતા, કઠોર મહેનત અને સતત સુધારાના સિદ્ધાંતો પર કાર્ય કરે છે અને સચિનની હાજરીએ આ મૂલ્યોને વધુ મજબૂત બનાવ્યા છે. આ મુલાકાતે અમદાવાદ જેવા ઝડપથી વિકસતા શહેરોમાં સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમના વધતા મહત્વને પણ ઉજાગર કર્યું હતું. આજના સમયમાં માતા-પિતા પણ બાળકોને માત્ર અભ્યાસ જ નહીં, પરંતુ રમતગમતમાં પણ આગળ વધારવા માટે ગંભીરતાથી વિચારતા થયા છે. આવી એકેડમીઓ યુવા પ્રતિભાઓને યોગ્ય દિશા અને પ્લેટફોર્મ આપવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સચિન તેંડુલકરની આ મુલાકાત માત્ર એક ઔપચારિક કાર્યક્રમ નહોતી, પરંતુ યુવા ખેલાડીઓ માટે પ્રેરણા, આત્મવિશ્વાસ અને સપનાઓને નવી ઉડાન આપતો એક યાદગાર દિવસ સાબિત થયો હતો.

Most Popular

To Top