Vadodara

સ્માર્ટ સિટીના ખાડા રાજથી જનતા પરેશાન, વિકાસના નામે વડોદરાવાસીઓને મળી મુશ્કેલી!

​લોલમલોલ કામગીરી: વોર્ડ નં. ૧૧ માં અધૂરું પુરાણ કરીને અધિકારીઓ ગાયબ, વાહનો સ્લિપ થવાની ઘટનાઓથી સ્થાનિકોમાં ભારે રોષ

વડોદરા: ચોમાસાની ઋતુની હજુ તો વિધિવત રીતે શરૂઆત જ થઈ છે, ત્યાં જ વડોદરા મહાનગર સેવા સદનની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. તંત્ર દ્વારા અગાઉ વિકાસના નામે કરવામાં આવેલી કામગીરી બાદ રસ્તાઓનું યોગ્ય રીતે સમારકામ કે પુરાણ ન કરવામાં આવતા સામાન્ય વરસાદમાં જ જનતાએ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સરકારી બાબુઓ દ્વારા ચોમાસા પૂર્વે મસમોટા દાવાઓ તો કરવામાં આવે છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ હોવાનું સપાટી પર આવ્યું છે.
​શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર-૧૧ના વિસ્તારમાંથી તાંદલજા તરફ જવાના મુખ્ય માર્ગ પર સ્થાનિક રહીશો અને વાહનચાલકો તંત્રની આ ઉદાસીનતાનો ભોગ બની રહ્યા છે. આ માર્ગ પર આવેલી આસ્થા ચિલ્ડ્રન હોસ્પિટલની બિલકુલ સામે મહાનગરપાલિકા દ્વારા અગાઉ કોઈ કામગીરી માટે મોટો ખાડો ખોદવામાં આવ્યો હતો. આ કામ પૂરું થયા બાદ તંત્રના જવાબદારો દ્વારા માટી અને જરૂરી સામગ્રીનું વ્યવસ્થિત રીતે પુરાણ કરવામાં આવ્યું ન હતું. પરિણામે, ચોમાસાના પ્રારંભિક તબક્કાના સામાન્ય વરસાદને કારણે આ જગ્યાએ જમીન બેસી ગઈ છે અને રસ્તા પર મસમોટા ખાડાઓ સામ્રાજ્ય જમાવીને બેઠા છે.
​સ્થાનિક વાહનચાલકોનું કહેવું છે કે જો વહીવટી તંત્ર દ્વારા આ ખાડાઓનું ટેકનિકલી સાચી રીતે અને યોગ્ય મટીરિયલ વાપરીને પુરાણ કરવામાં આવ્યું હોત, તો સામાન્ય વરસાદમાં આવી કપરી સ્થિતિ સર્જાત નહીં. હાલ આ માર્ગ પરથી પસાર થવું એ કોઈ સાહસથી કમ નથી. વાહનો સ્લિપ થવાની અને અકસ્માત સર્જાવાની ભીતિ સતત સેવાઈ રહી છે. હજુ તો આખું ચોમાસું બાકી છે ત્યારે તંત્રના આવા અધૂરા અને લોલમલોલ કામોના કારણે લોકો ભારે રોષ ઠાલવી રહ્યા છે. સ્થાનિક રહીશોએ માગ કરી છે કે તંત્ર જાગે અને આ ભયજનક ખાડાઓનું તાત્કાલિક ધોરણે યોગ્ય અને પાકું પુરાણ કરાવે જેથી કોઈ મોટી હોનારત નિવારી શકાય.

Most Popular

To Top