India

‘વિદેશ પ્રવાસનો ખર્ચ જનતા ભરે છે’: પેટ્રોલ-ડીઝલ ભાવવધારા પર કોંગ્રેસનો કેન્દ્ર સરકાર પર પ્રહાર

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થતાં સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે. માત્ર ચાર દિવસમાં બીજી વખત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવતા રાજકીય માહોલ પણ ગરમાયો છે. વધતી મોંઘવારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના નવા ભાવોએ લોકોના ઘરખર્ચ પર વધુ બોજો વધાર્યો છે. વિપક્ષી પાર્ટીઓએ આ મુદ્દે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો શરૂ કર્યા છે, જ્યારે ભાજપે આ વધારાને વૈશ્વિક પરિસ્થિતિ સાથે જોડીને સરકારનો બચાવ કર્યો છે. કોંગ્રેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કેન્દ્ર સરકાર સામે તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસે સરકારને ‘મોંઘવારી મેન’ કહીને કટાક્ષ કરતા લખ્યું કે સામાન્ય લોકો પર ફરી એકવાર મોંઘવારીનો હંટર ચલાવવામાં આવ્યો છે. પાર્ટીના જણાવ્યા અનુસાર છેલ્લા ચાર દિવસમાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આશરે 4 રૂપિયાનો વધારો થયો છે. જેના કારણે અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 109 રૂપિયા અને ડીઝલ 96 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ચૂંટણી પૂર્ણ થયા બાદ હવે સરકાર જનતા પાસેથી વધુ વસૂલાત કરી રહી છે. પાર્ટીનું કહેવું છે કે રોજબરોજ વધતા ઇંધણના ભાવના કારણે પરિવહન ખર્ચ વધી રહ્યો છે, જેના સીધા અસર રોજિંદા જીવનની વસ્તુઓ પર પણ પડશે. એટલે કે આગામી દિવસોમાં મોંઘવારી વધુ વધી શકે છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીએ પણ સરકાર પર સીધો હુમલો કર્યો હતો. તેમણે જણાવ્યું કે વડાપ્રધાનના મોંઘા વિદેશ પ્રવાસો, મોટી ચૂંટણી રેલીઓ અને અન્ય રાજકીય કાર્યક્રમોનો ખર્ચ આખરે સામાન્ય અને ગરીબ લોકોના ખિસ્સામાંથી જ વસૂલવામાં આવી રહ્યો છે. તેમના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પણ ચર્ચા તેજ બની હતી. સમાજવાદી પાર્ટીએ પણ સરકારને આ મુદ્દે ઘેરી છે. પાર્ટીના નેતા રાજીવ રાયે જણાવ્યું કે થોડા સમય પહેલા ભાજપના નેતાઓ પ્રચાર માટે ઓટો-રિક્ષામાં મુસાફરી કરતા જોવા મળતા હતા, પરંતુ હવે જ્યારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે ત્યારે તેઓ સામાન્ય લોકોની મુશ્કેલીઓ સમજવા માટે ફરી ઓટોમાં ફરશે કે નહીં? તેમણે સરકાર પર જનતાથી દૂર હોવાનો આરોપ લગાવ્યો.

વિપક્ષના આક્રમક વલણ વચ્ચે ભાજપના નેતાઓએ સરકારનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે. ભાજપના નેતા દિલીપ ઘોષે જણાવ્યું કે હાલમાં સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલની કિંમતોમાં ભારે ઉથલપાથલ ચાલી રહી છે. મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવ અને યુદ્ધ જેવી પરિસ્થિતિઓના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ સતત વધી રહ્યા છે. તેમણે દાવો કર્યો કે કેન્દ્ર સરકારે શક્ય તેટલો સમય સુધી ભાવ નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઓઇલ કંપનીઓને થતા નુકસાનને ધ્યાનમાં રાખીને ભાવ વધારવો જરૂરી બની ગયો હતો. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ઈરાન સંકટ પછી ઝારખંડમાં દારૂના ભાવમાં મોટો વધારો થયો છતાં કોઈ વિરોધ થયો નથી, તો પછી પેટ્રોલ-ડીઝલના ભાવમાં થોડા રૂપિયાના વધારા પર આટલો હોબાળો કેમ થઈ રહ્યો છે? તેમના આ નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઇંધણના ભાવ વધારાનો સૌથી મોટો પ્રભાવ મધ્યમવર્ગ અને સામાન્ય લોકો પર પડે છે. પેટ્રોલ-ડીઝલ મોંઘું થતાં પરિવહન ખર્ચ વધે છે અને તેની અસર શાકભાજીથી લઈને રોજિંદા વપરાશની દરેક વસ્તુ પર પડે છે. આગામી દિવસોમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ કેવી રીતે બદલાય છે તેના આધારે દેશમાં ઇંધણના ભાવમાં વધુ વધારો થાય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Most Popular

To Top