Vadodara

હાઇવે પર ફરી કાળનો પંજો, બેફામ દોડતી કારે નિર્દોષનો જીવ લીધો

વાઘોડિયા ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત, કારની ટક્કરે ટેમ્પો ચાલક શાકભાજીના વેપારીનું મોત

તરસાલીની શિવ રેસીડેન્સીમાં રહેતા અશોકભાઈનું અકસ્માતમાં મોત, પરિવારનો મોભી છીનવાતા માતમ

(પ્રતિનિધિ), વડોદરા. તા.૨૧

વડોદરા :- નેશનલ હાઇવે નંબર ૪૮ પર અકસ્માતોની વણથંભી વણઝાર યથાવત રહી છે. વડોદરા નજીક આવેલી વાઘોડિયા ચોકડી પાસે વધુ એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં પૂરપાટ ઝડપે આવતી એક કારના ચાલકે થ્રી વ્હીલર ટેમ્પોને અડફેટે લેતા, શાકભાજીનો વેપાર કરતા ટેમ્પો ચાલકનું મોત નીપજ્યું હતું. આ જીવલેણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલી શિવ રેસીડેન્સીમાં રહેતા અશોકભાઈ શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. તેઓ પોતાના થ્રી વ્હીલર ટેમ્પોમાં જઈ રહ્યા હતા, તે દરમિયાન વાઘોડિયા ચોકડી નજીકથી પસાર થતી વખતે પાછળથી આવતી કાળમુખી કાર નંબર જીજે.૦૬.આરબી.૮૬૮૪ (GJ.06.RB.8684) ના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. બેફામ આવતી આ કારે અશોકભાઈના ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયંકર હતો કે અશોકભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ ગોઝારી ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. પરિવારના મોભીનું અને આજીવિકા રળનાર વ્યક્તિનું અચાનક અવસાન થતાં અશોકભાઈના પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

નેશનલ હાઇવે નંબર ૪૮ પર, અને તેમાં પણ ખાસ કરીને વાઘોડિયા ચોકડી પાસે વારંવાર સર્જાતા જીવલેણ અકસ્માતોને કારણે સ્થાનિક લોકોમાં અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાઈવે પર બેફામ દોડતા વાહનો અને ટ્રાફિક નિયમોના ભંગ પર કોઈ નક્કર નિયંત્રણ ન હોવાથી અશોકભાઈ જેવા અનેક નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે, જે નાગરિકો અને તંત્ર બંને માટે ભારે ચિંતાનો વિષય બન્યો છે.

ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરવામાં આવતા, પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ સાથે જ અકસ્માત સર્જીને નિર્દોષનો જીવ લેનાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને પોલીસે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. લોકો હવે ઉગ્ર માંગ કરી રહ્યા છે કે આ ‘ડેન્જર ઝોન’ બની ગયેલા હાઈવે પર અકસ્માતો નિવારવા તંત્ર દ્વારા સઘન અને કડક પગલાં લેવામાં આવે.

Most Popular

To Top