અમદાવાદ: અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં ઢોંસાનું ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીના મોતના મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. ત્રણ વર્ષની મૃતક બાળકી મિસ્ટી પ્રજાપતિનો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બેક્ટેરિયલ ઇન્ફેક્શન (ચેપ)ના કારણે થયું હોવાનું તબીબી પરીક્ષણમાં બહાર આવ્યું છે. બાળકીના શરીરમાંથી Acinobacter Baumanii (એશિનોબેક્ટર બાઉમાની) નામનો જોખમી બેક્ટેરિયા મળી આવ્યો છે.
તબીબી અહેવાલ મુજબ બાળકીના શરીરમાંથી એશિનોબેક્ટર બાઉમાની નામનો જોખમી બેક્ટેરિયા હોવાનું બહાર આવ્યુ છે. આ બેક્ટેરિયાના કારણે બાળકીના શરીરમાં ગંભીર પ્રકારનો ચેપ ફેલાયો હતો, જેને પગલે બેક્ટેરિયલ સેપ્ટિસેમિયાની સ્થિતિ સર્જાઈ હતી. આ સ્થિતિમાં ઝેરી અસર લોહી મારફતે આખા શરીરમાં પ્રસરી જાય છે અને શરીરના મુખ્ય અંગો પર તેની ગંભીર અસર થાય છે. આ ઇન્ફેક્શનના કારણે બાળકીના ફેફસાંમાં સોજો આવી ગયો હતો અને પાણી ભરાઈ ગયું હતું (લંગ એડિમા). આના કારણે માસૂમને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી અને અંતે તેનું હૃદય તેમજ શ્વાસ પ્રણાલી બંને કાર્ય કરતાં બંધ થઈ ગયા હતા, જેને તબીબી ભાષામાં કાર્ડિયોરેસ્પિરેટરી ફેલ્યોર કહેવામાં આવે છે.
શું છે સમગ્ર મામલો?
આ સમગ્ર ઘટનાની વિગત એવી છે કે, અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝા સોસાયટીમાં રહેતા વિમલ પ્રજાપતિ સ્થાનિક ‘ધનશ્યામ ડેરી’માંથી ઢોંસાનું ખીરું લાવ્યા હતા. આ ખીરામાંથી બનાવેલા ઢોંસા ખાધા બાદ પરિવારની તબિયત અચાનક લથડી હતી. જેમાં ઝેરી અસર અથવા ઇન્ફેક્શનના કારણે ૩ મહિનાની રાહા અને આશરે ૩ વર્ષની મિસ્ટી નામની બે સગી બહેનોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. પહેલા બંને દિકરીઓના મૃત્યુ પાછળ ખીરા દ્વારા બનાવેલા ઢોસા ખાધા બાદ આ બન્યુ હોવાનું મૃતકના માતા-પિતાએ આક્ષેપ કર્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતાં ચાંદખેડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તમામ દિશાઓમાં ઊંડી તપાસ શરૂ કરી દીધી છે. ખીરાની ગુણવત્તા અને તેમાં રહેલાં જોખમી તત્ત્વોની સચોટ માહિતી મેળવવા માટે એફએસએલ (FSL)ની ટીમે ધનશ્યામ ડેરી પરથી ખીરાના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. પીએમ રિપોર્ટમાં થયેલા આ ચોંકાવનારા ખુલાસા બાદ હવે પોલીસ કાનૂની અને તબીબી નિષ્ણાતોની મદદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે.