Gujarat

જિલ્લા કક્ષાએ પ્રિ-મોન્સૂન બેઠક, મોકડ્રિલ પૂર્ણ કરવા તાકીદ

ગાંધીનગર: આગામી ચોમાસા દરમ્યાન પૂરની આફતને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલમત્તાના નુકસાનને ટાળવા માટે જિલ્લા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની પૂર્વ તૈયારીઓ ઝડપી બનાવવા સૂચનાઓ આપવામાં આવી છે. મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ તમામ જિલ્લાઓને વિગતવાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન તૈયાર કરવા અને પ્રિ-મોન્સૂન બેઠક તાત્કાલિક પૂર્ણ કરવા તાકીદ કરી છે.

ચોમાસાની પૂર્વ તૈયારી અને સમીક્ષા સંદર્ભે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતેથી તમામ જિલ્લાના ડિઝાસ્ટર મામલતદાર અને ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર (DPO) સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. બેઠકમાં અધિકારીઓને આગામી 15 દિવસ દરમિયાન તાલુકા કક્ષાએ હીટવેવ, પૂર અને અન્ય કુદરતી આપત્તિઓને ધ્યાનમાં રાખીને વિવિધ મોકડ્રિલ યોજવા સૂચના આપવામાં આવી હતી. ડૉ. જયંતિ રવિએ ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ વિશેષ મોકડ્રિલ યોજવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. સાથે જ આ અભ્યાસક્રમની સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા વ્યાપક જનજાગૃતિ થાય તે માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

બેઠક દરમિયાન ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં “આપદા મિત્રો”ને તાલીમ આપીને તૈયાર કરવાની યોજનાની પણ ચર્ચા કરવામાં આવી હતી. દરેક ગામ માટે આપદા મિત્રોના સંપર્ક નંબર અને અગત્યના ફોન નંબર સાથેની અપડેટેડ ડિરેક્ટરી એક સપ્તાહમાં તૈયાર કરવા સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી આપત્તિના સમયે તાત્કાલિક સંપર્ક અને બચાવ કામગીરી સરળ બને.તે ઉપરાંત NCC અને NSSના યુવાનોની માહિતી અને સંપર્ક વિગતો તૈયાર રાખવા પણ જણાવાયું હતું, જેથી જરૂરિયાત સમયે વોલન્ટિયર્સ તરીકે તેમની મદદ મેળવી શકાય.

ડૉ. રવિએ જિલ્લા, મહાનગરપાલિકા, નગરપાલિકા અને તાલુકા સ્તરે કંટ્રોલ રૂમ, બોટ, જનરેટર, હેમ રેડિયો, સેટેલાઈટ ફોન અને અન્ય ઉપકરણોની ટેસ્ટિંગ તથા ચકાસણી કરી લેવા સૂચનાઓ આપી હતી. સાથે જ શેલ્ટર હોમ, શાળાઓ, ડેરી અને અન્ય સરકારી ઇમારતોની પણ ચકાસણી કરીને જરૂર પડે ત્યારે આશ્રયસ્થળ તરીકે ઉપયોગ કરી શકાય તેવી તૈયારી રાખવા ભાર મૂક્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે નાળા, કાંસ, કેનાલ અને તળાવોની સફાઈ સમયસર પૂર્ણ થવી જોઈએ તેમજ જોખમી અને જૂના મકાનોનું મેપિંગ કરીને પૂર્વ સાવચેતીના પગલાં ભરવા જરૂરી છે. બેઠક દરમિયાન રાહત કમિશનર રાજેશ માંજુએ જણાવ્યું હતું કે આપત્તિથી બચવા માટે અસરકારક એક્શન પ્લાન અત્યંત જરૂરી છે. તેમણે પ્રિપેર્ડનેસ, રિસ્પોન્સ, રિકવરી અને મિટિગેશન જેવા પાસાઓને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.

જેડાના નિયામક ગૌરાંગ મકવાણાએ તેમના અનુભવોના આધારે પ્રિ-મોન્સૂન તૈયારી અંગે માર્ગદર્શન આપતાં ‘સચેત’, ‘દામિની’ અને ‘મોસમ’ જેવી મોબાઇલ એપ્લિકેશનોનો વધુ ઉપયોગ કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં IMD, SDRF, NDRF, GSDMA સહિત વિવિધ રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન સંબંધિત પ્રેઝન્ટેશનો રજૂ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top