Vadodara

‘SORRY’હું હવે જાઉં છું, વિડીયો બનાવી પોલિટેક્નિકના વિદ્યાર્થીનો આપઘાત

માનેલી બહેન, માતા-પિતા અને નાના ભાઈ માટે ભાવુક સંદેશા સાથેના વીડિયો અને 6 પાનાની ચિઠ્ઠી લખી વ્યથા ઠાલવી

વડોદરા તા.18

વડોદરાના આજવા રોડ પર આવેલી સોસાયટીમાં રહેતા 19 વર્ષીય પોલિટેક્નિક વિદ્યાર્થી કિરણ મકવાણાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આત્મહત્યા પહેલાં કિરણે પોતાની માનેલી બહેનને ત્રણ વીડિયો મોકલ્યા હતા. જેમાં વિદ્યાર્થીએ સોરી હવે હું જાઉં છું તેણે અંતિમ ક્ષણો નો વિડીયો બનાવીને વ્યથા વ્યક્ત કરી હતી. ઉપરાંત વિદ્યાર્થીએ 6 પાનાની ચિઠ્ઠીમાં પણ તેણે ભણતર, નિષ્ફળતા અને જીવનથી હારી જવાની લાગણીઓ અને દુઃખ લખ્યું હોવાનું સામે આવ્યું છે.

આજવા રોડ પર આવેલા ચામુંડા નગર-2માં રહેતો કિરણ પોલિટેક્નિકના પહેલા વર્ષના બીજા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો. શનિવારે બપોરે જમ્યા બાદ તે મકાનના ત્રીજા માળે ગયો હતો. સાંજે તેના નામે આવેલે પાર્સલ પહોંચતાં કુરિયર કર્મચારીએ અનેક વખત ફોન કર્યા હતા, પરંતુ જવાબ ન મળતા માતા તપાસ કરવા ઉપર ગઈ હતી. ત્યાં કિરણ હૂક સાથે દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળ્યો હતો. પરિવારજનોએ તેને તાત્કાલિક સયાજી હોસ્પિટલ ખસેડ્યો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.


‘તારા જેવી બેસ્ટ બહેન કોઈ નહોતી’
આત્મહત્યા પહેલાં કિરણે પોતાની માનેલી બહેનને ત્રણ વીડિયો મોકલ્યા હતા. એક વીડિયોમાં તેણે કહ્યું હતું કે, “મેં તને બહુ હેરાન કરી છે. મારી ભૂલોના કારણે આપણે દૂર થઈ ગયા. હવે હું જાઉં છું. તારા જેવી બેસ્ટ બહેન કોઈ નહોતી અને ક્યારેય મળશે પણ નહીં. તું તારું ધ્યાન રાખજે.”
તેણે વધુમાં જણાવ્યું હતું કે, “હું બધી હિંમત હારી ગયો છું. અંદરથી તૂટી ગયો છું અને મને લાગે છે કે હું માત્ર ભૂતની જેમ જીવું છું.”
અંતિમ શબ્દોમાં કિરણે માતા-પિતાની માફી માગતાં કહ્યું હતું કે, “સોરી મમ્મી-પપ્પા, ખબર નથી હું આવું શા માટે કરું છું, પણ આ વિચાર મનમાં ઘર કરી ગયો છે. હું તમને આ હાલતમાં છોડવા નહોતો માંગતો.”
નાના ભાઈ દેવને સંબોધીને તેણે કહ્યું હતું કે, “તું મમ્મી-પપ્પાને હિંમત આપજે, ભણવામાં ધ્યાન આપજે અને જીવનમાં સારી નોકરી કરજે. તેમની સામે ક્યારેય બોલતો નહીં.”
પોલીસને મળેલી 6 પાનાની ચિઠ્ઠીમાં કિરણે લખ્યું હતું કે, “આ ભણવાનું મારાથી થતું નથી. મેં જીવનમાં દરેક નિર્ણયો ખોટા લીધા છે. શોર્ટકટ લેવાની ટેવથી બધું ખરાબ જ થયું છે કોલેજમાં પણ નાપાસ થયો હતો. મારે ધંધો કરવાની ઈચ્છા હતી.”
તેણે માતા-પિતાને ઝઘડો ન કરવા અને શાંતિથી રહેવાની પણ વિનંતી કરી હતી. ઘટના અંગે જાણ થતા બાપોદ પોલીસે ઘટનાસ્થળેથી મળેલા વીડિયો, મોબાઇલ ડેટા અને ચિઠ્ઠી કબજે કરીને પોસ્ટમોર્ટમ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top