ગાંધીનગર
સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 જેટલા આદિવાસી પરિવારોને રસોઈ ગેસમાં આત્મનિર્ભર બનાવવા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલી બાયોગેસ યોજના હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. અત્યાર સુધીમાં 665થી વધુ બાયોગેસ પ્લાન્ટ સ્થાપિત થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના પ્લાન્ટ સ્થાપવાની કામગીરી પ્રગતિમાં છે.પીએમ નરેન્દ્ર મોદીએ વર્ષ 2025ના રાષ્ટ્રીય એકતા દિવસ પરેડ દરમિયાન જાહેરાત કરી હતી કે સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000 આદિવાસી પરિવારોના ઘરોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થાપવામાં આવશે. આ યોજના હવે ઝડપી ગતિએ અમલમાં મૂકાઈ રહી છે.
નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાની 38 ગ્રામ પંચાયતો હેઠળ આવેલા 89 ગામોમાં આ યોજના અમલમાં છે. ગરુડેશ્વર તાલુકા પંચાયત દ્વારા યોજનાનો અમલ કરવામાં આવી રહ્યો છે, જ્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે.સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઊર્જા ક્ષેત્રે આત્મનિર્ભરતા વધારવા માટે વિવિધ યોજનાઓને ઝડપથી અમલમાં મૂકવામાં આવી રહી છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના વિઝનથી પ્રેરિત આ પહેલનો મુખ્ય હેતુ એલપીજી સિલિન્ડર અને પરંપરાગત લાકડાના ઇંધણ પરની નિર્ભરતા ઘટાડવાનો છે.
સ્ટેચ્યૂ ઓફ યુનિટીથી આશરે સાત કિલોમીટર દૂર આવેલા વાઘપુરા ગામની રહેવાસી રવિના તડવીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા સ્થાપિત બાયોગેસ પ્લાન્ટને કારણે તેમના જીવનમાં મોટો ફેરફાર આવ્યો છે. તેમણે કહ્યું કે હવે એલપીજી સિલિન્ડરની ચિંતા રહેતી નથી અને દરરોજ સ્વચ્છ ઇંધણ સરળતાથી મળી રહે છે. સાથે જ પ્લાન્ટમાંથી નીકળતી સ્લરી ખેતી માટે ઉત્તમ જૈવિક ખાતર તરીકે ઉપયોગી સાબિત થઈ રહી છે, જેના કારણે પાક ઉત્પાદનમાં પણ વધારો થયો છે.
સ્થાનિક રહેવાસી ચંદુ તડવીએ જણાવ્યું હતું કે આ યોજનાનો સૌથી મોટો લાભ મહિલાઓને થયો છે. અગાઉ મહિલાઓને ખેતરમાં કામ કર્યા બાદ લાકડાં એકત્ર કરવા લાંબા અંતર સુધી જવું પડતું હતું.
ચૂલા પર રસોઈ બનાવતી વખતે ધૂમાડાના કારણે આંખોને નુકસાન થતું હતું, પરંતુ હવે બાયોગેસના ઉપયોગથી મહિલાઓ ધૂમાડાથી મુક્ત બની છે અને રસોઈ ગેસમાં આત્મનિર્ભર બની રહી છે.
સરકાર દ્વારા બાયોગેસ પ્લાન્ટ સ્થાપનાનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવે છે. લાભાર્થીઓએ માત્ર પ્લાન્ટ માટે જરૂરી ખાડો ખોદવા શ્રમદાન આપવાનું રહે છે.બાયોગેસ પ્લાન્ટથી એક તરફ સ્વચ્છ ઊર્જા ઉપલબ્ધ થઈ રહી છે તો બીજી તરફ પ્લાન્ટમાંથી મળતી સ્લરીના ઉપયોગથી રાસાયણિક ખાતર પરની નિર્ભરતા પણ ઘટી રહી છે. પરિણામે પર્યાવરણ સંરક્ષણ સાથે કૃષિ ઉત્પાદનક્ષમતા વધારવામાં પણ આ યોજના મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.