ઈસ્ટ-વેસ્ટ કોરિડોર પર ટ્રાયલ રનની શરૂઆત હવે શહેરમાં ટ્રાફિકથી મળશે મોટી રાહત
સુરત શહેર માટે આધુનિક જાહેર પરિવહનની દિશામાં એક ઐતિહાસિક ક્ષણ સામે આવી છે. શહેરના બહુપ્રતીક્ષિત મેટ્રો પ્રોજેક્ટમાં વધુ એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન પાર કરતાં આજથી કોરિડોર-2 પર સત્તાવાર ટ્રાયલ રનની શરૂઆત કરવામાં આવી છે. ભેસાણથી અડાજણ ગામ સુધીના આશરે 6.5 કિલોમીટરના રૂટ પર મેટ્રો ટ્રેન દોડતી જોવા મળતાં શહેર વાસીઓમાં ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
ડ્રોન દૃશ્યોમાં મેટ્રો ટ્રેક પર દોડતી ટ્રેન શહેરના વિકાસનું પ્રતિક બની છે.
ઈસ્ટ-વેસ્ટ કોરિડોર અંતર્ગત આવતા સાતેય સ્ટેશનોના સ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને હવે આખી સિસ્ટમને વ્યવહારુ રીતે ચકાસવા માટે સઘન પરીક્ષણ હાથ ધરાયું છે. મેટ્રો ટ્રેન અંદાજે 500 કલાક સુધી સતત વિવિધ સ્પીડ અને ટેક્નિકલ પરિસ્થિતિઓમાં દોડાવવામાં આવશે. આ દરમિયાન ટ્રેનની બ્રેકિંગ સિસ્ટમ, ઓટોમેટિક કંટ્રોલ, પાવર સપ્લાય અને ટ્રેકની કામગીરીનું વિશ્લેષણ કરવામાં આવશે.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) અને જનરલ એન્જિનિયરિંગ કન્સલ્ટન્ટ (GEC) દ્વારા આ સમગ્ર ટેસ્ટિંગ પ્રક્રિયા પર નજર રાખવામાં આવી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ ટ્રાયલ રનનો મુખ્ય હેતુ મુસાફરો માટે સંપૂર્ણ સુરક્ષિત અને સરળ સેવા સુનિશ્ચિત કરવાનો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં કોરિડોર-1 એટલે કે નોર્થ-સાઉથ રૂટ પર પણ ટ્રાયલ રનની શરૂઆત થઈ ચૂકી છે. ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ વચ્ચેના લગભગ 8.5 કિલોમીટર વિસ્તારમાં 29 માર્ચ 2026થી મેટ્રો ટ્રેનનું પરીક્ષણ ચાલી રહ્યું છે. હાલમાં આ રૂટ પર વિવિધ ટેક્નિકલ અને સલામતી સંબંધિત મંજૂરીઓની પ્રક્રિયા અંતિમ તબક્કામાં પહોંચી છે. ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ ભારત સરકારની RDSO સંસ્થા દ્વારા મેટ્રોની ટેક્નિકલ તપાસ હાથ ધરાશે. ત્યારબાદ CMRS દ્વારા અંતિમ સલામતી નિરીક્ષણ કરવામાં આવશે. તમામ માપદંડો પૂર્ણ થયા બાદ જ મેટ્રોને મુસાફરો માટે ખુલ્લી મૂકવામાં આવશે.
સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેરના ટ્રાફિક દબાણને ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થશે. પશ્ચિમ અને પૂર્વ સુરત વચ્ચેની મુસાફરી હવે ઓછા સમયમાં સરળ બની જશે. ‘વિકસિત ભારત’ના વિઝન સાથે આગળ વધતા આ પ્રોજેક્ટનું રાજ્ય સરકાર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
સુરત મેટ્રો પ્રોજેક્ટ એક નજરે
કુલ ખર્ચ : ₹12,020 કરોડ
કુલ રૂટ લંબાઈ : 40.35 કિલોમીટર
કુલ કોરિડોર : 2
કુલ સ્ટેશનો : 38
ડેપો : ડ્રીમ સિટી અને ભેસાણ
વર્તમાન કામગીરી : 75%થી વધુ પૂર્ણ
સુરત માટે મેટ્રો હવે માત્ર સપનું નથી, પરંતુ શહેરની બદલાતી ઓળખનું જીવંત પ્રતિબિંબ બની રહ્યું છે.